ચીન રિકવરીના માર્ગે : વિકસિત દેશોના સ્લોડાઉનથી ભારતની ચિંતા વધી
આર્થિક પ્રવાહ
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય આઇસ્ટૉક)
ગયા અઠવાડિયે વર્તમાનપત્રો સાઉથ-વેસ્ટ મૉન્સૂનની આગાહી, ભારતની વધતી જતી નિકાસો, વિશ્વ તેમ જ ભારતમાં સતત વધતા રહેલા કોરોનાના કેસ, આપણો છૂટક ભાવવધારો (છ ટકાની અંદરનો), આઇએમએફ અને વિશ્વ બૅન્કની વાર્ષિક બેઠકમાં થયેલ વિશ્વના આર્થિક પ્રવાહોની ચર્ચા અને ચીનના આંકડાઓના વિરોધાભાસના સમાચારથી છવાયેલા રહ્યા.
ઓપેક અને સાથી દેશોના ક્રૂડના ઉત્પાદનમાં કાપ મૂકવાના નિર્ણયને લીધે ક્રૂડના ભાવો વધે તો વિશ્વનું ધીમું પડી રહેલ અર્થતંત્ર ઓર ધીમું પડે એવી ચિંતા પણ વ્યક્ત કરાઈ છે.
બીજી તરફ ઇઝરાયલના આંતરિક સંઘર્ષ પછી ઇઝરાયલ-સિરિયા અને ઇઝરાયલ-ઈરાન વચ્ચે શરૂ થયેલ ઘર્ષણને લઈને ઇઝરાયલ-આરબ જગત વચ્ચે યુદ્ધ તો નહીં થાયને એવો સવાલ પુછાઈ રહ્યો છે. મ્યાનમારમાં સત્તા કબજે કર્યા પછી સૈન્યએ નિર્દોષ નાગરિકો પર હુમલા શરૂ કર્યા છે. તાઇવાન અને ચીનનો ઝઘડો આગળ વધે તો એના ગંભીર પ્રત્યાઘાતો વિશ્વના અર્થતંત્ર પર પડે.
ADVERTISEMENT
રશિયા-યુક્રેનના યુદ્ધને મુદ્દે ફ્રાન્સની આગેવાની હેઠળ યુરોપના દેશો અમેરિકાને પક્ષે છે. રશિયા અને ચીન સાથે મળીને વિશ્વ પર વર્ચસ ન જમાવી બેસે એટલા માટે અમેરિકાનું સમર્થન કરાયું હોય એમ બને, પણ તાઇવાનને મુદ્દે ફ્રાન્સ અને અન્ય યુરોપિયન દેશોનું વલણ તટસ્થ (ન્યુટ્રલ) છે. આ સ્થિતિમાં યુરોપના દેશો અમેરિકા કે રશિયા એકેયને સપોર્ટ કરવાને બદલે તેમનો ત્રીજો મોરચો ઊભો કરશે કે કેમ એવો સવાલ પણ પુછાઈ રહ્યો છે.
ટૂંકમાં રશિયા-યુક્રેન યુદ્ધ, ભાવવધારો અને વ્યાજના દરના વધારાએ તો વિશ્વના અર્થતંત્રને નુકસાન પહોંચાડ્યું જ છે. હવે વધતા જતા જિયો-પૉલિટિકલ તણાવને કારણે વિશ્વનું અર્થતંત્ર વધુ ભીંસમાં આવવાની શક્યતા નકારી શકાય એમ નથી.
૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓ પહેલાં રાજકારણ ગરમાઈ રહ્યું છે. વિપક્ષો એક થવાના (ભૂતકાળની જેમ કદાચ નિષ્ફળ) પ્રયાસો કરી રહ્યા છે ત્યારે જ એનસીપી અને સીપીઆઇ જેવા રાજકીય પક્ષોનો રાષ્ટ્રીય પક્ષો તરીકેનો દરજ્જો રદ કરાયો છે તો ‘આપ’ (પ્રાદેશિક પક્ષ)ને રાષ્ટ્રીય પક્ષ તરીકેનો દરજ્જો મળ્યો છે.
આ ફેરફારોની દૂરગામી સીધી કે આડકતરી અસરો ૨૦૨૩ની રાજ્ય વિધાનસભાઓની અને આવતા વરસની લોકસભાની ચૂંટણીઓ પર પડી શકે.
ભારતના મૅક્રો-ઇકૉનૉમિક પૅરામીટર પર એક ઊડતી નજર
૧. વધુ ને વધુ લોકો હરવાફરવાનાં સ્થળોએ જતા હોવાથી ફિસ્કલ ૨૩માં ડોમેસ્ટિક ઍર પૅસેન્જર્સની સંખ્યામાં ૬૦ ટકાનો વધારો થયો છે (લગભગ ૧૪ કરોડ મુસાફરો).
૨. ફેબ્રુઆરી મહિને ઔદ્યોગિક ઉત્પાદનના આંકનો વધારો (૫.૬ ટકા) જળવાઈ રહ્યો એ આપણું અર્થતંત્ર વિશ્વના નબળા અર્થતંત્રના સામેની દિશાના પવનો સામે અડગ ઊભું હોવાનો પુરાવો છે.
૩. છૂટક ભાવવધારો માર્ચ મહિને બે મહિના પછી ઘટીને (૫.૭ ટકા) રિઝર્વ બૅન્કની ઉપરની ટોલરન્સ લિમિટ કરતાં નીચો રહ્યો છે, જે ૧૫ મહિનાનો નીચો હતો.
૪. વિશ્વનું અર્થતંત્ર ધીમું પડી રહ્યું હોવા છતાં આપણી ચીજવસ્તુઓની નિકાસોમાં ફિસ્કલ ૨૩માં છ ટકાનો તો સેવાના ક્ષેત્રની નિકાસોમાં ૨૩ ટકાનો વધારો થયો છે.
૫. ફિસ્કલ ૨૩માં પેટ્રોલની પેદાશોની માગમાં પણ ૧૦ ટકાનો વધારો થયો છે, જે મહામારી પછી આપણા અર્થતંત્રમાં આવેલ ઝડપી રિકવરીનું સૂચન કરે છે. જેટ ફ્યુઅલની વધેલી માગે પેટ્રોલ પેદાશોની માગના વધારામાં મોટો ફાળો આપ્યો છે.
રશિયા પરના પ્રતિબંધોને કારણે પેટ્રોલ પેદાશોની આપણી નિકાસો વધી છે.
૬. ‘ક્રિસિલના એક સર્વે પ્રમાણે ૩૦૦ મોટી કંપનીઓના રેવન્યુ (સેલ્સ)માં ફિસ્કલ ૨૩માં ૨૦ ટકા (આગલા વરસે ૨૭ ટકા) જેટલો વધારો થયો છે. વિશ્વના નબળા અર્થતંત્રને કારણે અને આગલા વરસના ઊંચા બેઝને કારણે ફિસ્કલ ૨૩ના માર્ચ ક્વૉર્ટરમાં કંપનીઓની આવક ઘટી છે.
૭. સરકારી ખર્ચના વધારાને કારણે અને વિદેશી મૂડીના ઇન્ફ્લોને કારણે બૅન્કિંગ સિસ્ટમમાં લિક્વિડિટી વધી છે, જે છેલ્લા નવ મહિનાનો રેકૉર્ડ છે. પરિણામે ઓવરનાઇટ કૉલ રેટ (રિઝર્વ બૅન્ક જે દરે બૅન્કોને ધિરાણ કરે છે) રિપર્ચેઝ રેટ (જે દરે બૅન્કો ઓવરનાઇટ રિઝર્વ બૅન્ક પાસે રૂપિયા પાર્ક કરે છે) કરતા ઘટ્યો છે.
ફિસ્કલ ૨૩માં બૅન્ક ડિપોઝિટના ૧૦ ટકાના વધારા સામે બૅન્ક ધિરાણમાં ૧૫ ટકાનો વધારો થયો જે અર્થતંત્રની રિકવરીની અને આપણી આર્થિક પ્રવૃત્તિઓના વધી રહેલા વ્યાપની શાખ પૂરે છે.
૮. ફિસ્કલ ૨૩ના પ્રથમ ૧૦ મહિનામાં આપણા સીધા નેટ વિદેશી મૂડીરોકાણમાં ૧૪ ટકાનો ઘટાડો થયો છે (૨૭ બિલ્યન ડૉલર). આ ઘટાડો સમગ્ર વિશ્વમાં દેખાઈ રહેલા ઘટાડાના વલણ સાથે સુસંગત છે. ભારતમાં ક્ષમતા કરતાં આર્થિક વિકાસનો ઓછો દર, કેટલાક મેક્રો-ઇકૉનૉમિક પૅરામિટર્સની નબળાઈ અને વધતી જતી આર્થિક અસમાનતા સીધા વિદેશી મૂડીરોકાણના ઘટાડા માટે જવાબદાર ગણાય.
ફિસ્કલ ૨૩માં વિદેશી પોર્ટફોલિયો રોકાણકારો સાડાચાર બિલ્યન ડૉલર (રૂપિયા ૩૭,૬૦૦ કરોડ)થી વધુ મૂડી દેશની બહાર ખેંચી ગયા.
૯. રોજગારીના ક્ષેત્રે સારા સમાચાર એ છે કે છેલ્લા નવ મહિના (જુલાઈ ૨૦૨૨-માર્ચ ૨૦૨૩)માં લેબર માર્કેટમાં પ્રવેશેલા દોઢ કરોડ કામદારોમાંથી ૧.૨ કરોડ જેટલા લોકોને નવી રોજગારી મળી છે (દર ચારમાંથી ત્રણ જણને નોકરી મળી છે).
૧૦. ફિસ્કલ ૨૩માં પૅસેન્જર વાહનોનું વેચાણ ૨૭ ટકા જેટલું વધ્યું.
૧૧. ભારતનું વિદેશી હૂંડિયામણ ૬.૩ બિલ્યન ડૉલરના વધારા સાથે (એપ્રિલ ૭ના અઠવાડિયે) નવ મહિનાની ઊંચી સપાટી (૫૮૫ બિલ્યન ડૉલર) પર પહોંચ્યું છે.
આઇએમએફ ભલે ફિસ્કલ ૨૪ના ભારત માટેના એના અગાઉના આર્થિક વિકાસના દરમાં ૧૫-૨૦ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થવાની આગાહી કરે, પણ આપણા ઘણા બધા મેક્રો-ઇકૉનૉમિક પૅરામિટર્સ મજબૂત છે એની કોઈ ના કહી શકે એમ નથી
કોરોનાના નવા કેસની આગેકૂચ ચાલુ : મહામારીની મુદત ન હોય
દેશમાં કોરોનાના નવા કેસ ટૅક્સીના મીટરની જેમ વધતા જાય છે. દૈનિક ૧૧,૦૦૦ નવા કેસ (એપ્રિલ ૧૪) નોંધાયા છે. ઑગસ્ટ ૨૦૨૨ના અંત ભાગ પછીનો આ સૌથી મોટો વધારો છે. ઍક્ટિવ કેસ ૫૦,૦૦૦ની નજીક પહોંચ્યા છે. પૉઝિટિવિટી રેટ (ટેસ્ટ કરાયેલ કેસમાં કોરોના પૉઝિટિવની ટકાવારી) પાંચ ટકાએ પહોંચ્યો છે.
એક સંશોધનાત્મક અભ્યાસ મુજબ આવતા દસકામાં હમણાં જોયેલ મહામારી જેવી ભયાનક બીજી મહામારીના ચાન્સ ૨૮ ટકા જેટલા છે. સમગ્ર એશિયામાં કોવિડની આ લહેર જોવા મળી છે.
સારા સમાચાર એ છે કે સ્વાસ્થ્ય મંત્રાલયના મતે કોવિડના કેસો ૧૦-૧૨ દિવસ વધ્યા પછી ઘટવા માંડશે એટલે કે એે પૅન્ડેમિક ( દેશવ્યાપી રોગચાળો) નહીં પણ ઍન્ડેમિક (વધુ સમય માટે પણ માત્ર સ્થાનિક (લોકલ) સ્તર પર) ગણાશે.
છતાં સાવચેતી ખાતર નિષ્ણાતો જરૂર મુજબ માસ્કના ઉપયોગની સલાહ આપે છે. દરમ્યાન દેશમાં વૅક્સિનનું ઉત્પાદન ફરી એક વાર શરૂ કરાયું છે, જેથી એની જરૂર ઊભી થાય તો એ વખતે હાંફળા-ફાંફળા થવાનો વારો ન આવે.
આપણે કપરા સમયમાંથી પસાર થયા છીએ. કહેવાય છે કે મહામારીની કોઈ ‘એક્સપાયરી ડેટ’ (બાંધી મુદત) નથી હોતી. વિશ્વના કમનસીબ હોય એ સિવાય આ મહામારી એના છેલ્લા તબક્કામાંથી પસાર થઈ રહી છે એવો નિષ્ણાતોનો મત છે. નવા દૈનિક કેસની સાત દિવસની સરેરાશ બે અઠવાડિયાં પહેલાંના ૧૬૫૦માંથી ૬૦૦૦ પર પહોંચી છે (એપ્રિલ ૧૧). તો પણ ગઈ જુલાઈમાં આ સરેરાશે ૨૦,૦૦૦ની ટોચ બનાવી હતી. એટલે આ વખતે પણ આ સપાટી ઓળંગાય (આઇઆઇટી કાનપુર દ્વારા દૈનિક નવા કેસ ૧૫થી ૨૦ હજાર પર પહોંચવાની આગાહી કરાઈ છે) તો એ ચિંતાનું કારણ બને. આમ થવાની સંભાવના ઘણી ઓછી છે, છતાં કોવિડ-19નો વાઇરસ કે એના વેરિઅન્ટ ચોક્કસ કઈ દિશા પકડશે એનો તાગ મેળવવાનું મુશ્કેલ ગણાય. ટૂંકમાં સાવચેતી રાખીએ, પણ ખતરો છે એમ ન માનીએ.
ચોમાસા વિશે અનિશ્ચિતતાઓ
અમેરિકન ખાનગી એજન્સી (સ્કાયમેટ)ના અંદાજ પ્રમાણે આગામી ચોમાસું (જૂન-સપ્ટેમ્બર) અલ નીનોની અસર હેઠળ સાધારણ કક્ષાનું (બિલો નૉર્મલ : વરસાદ લાંબા ગાળાની સરેરાશના ૯૪ ટકા) રહેશે. સિંચાઈનો મુખ્ય સ્રોત્ર વરસાદ હોવાથી સાધારણ કક્ષાનું ચોમાસું અર્થતંત્રને મોટી અવળી અસર કરી શકે. આમ પણ આપણું અર્થતંત્ર ભાવવધારાના અને વિશ્વના આર્થિક સ્લોડાઉનના પડકારનો સામનો કરી રહ્યું છે.
આપણી વેધશાળાએ આગામી ચોમાસું નૉર્મલ (સામાન્ય) રહેવાની આગાહી કરી છે. ‘અલ નીનો’ સામાન્ય રીતે ચોમાસામાં ઓછો વરસાદ પડવાની ઘટના અને એને કારણે કેટલાક ભાગમાં દુકાળ સાથે સંકળાયેલ છે. છેલ્લા કેટલાય દસકાના બધા દુકાળ અલ નીનો સાથે સંકળાયેલ છે, પણ અલ નીનોના બધા વરસે દેશમાં ઓછો વરસાદ થયો હોય કે દુકાળ પડ્યો હોય એવું નથી.
લા નીનાની છેલ્લાં ત્રણ વરસની સારી અસર પૂરી થઈ રહી છે. આ વરસે અલ નીનોની અસર હેઠળ ચોમાસું નબળું રહે તો ખરીફ પાક પર એની ખરાબ અસર થાય અને અર્થતંત્રની શરૂ થયેલ રિકવરી ખોડંગાય પણ ખરી.
આઇએમએફની ભારતને ભાવવધારા વિશે ચેતવણી
આઇએમએફે ફિસ્કલ ૨૪ના ભારતના આર્થિક વિકાસના દરમાં એના અગાઉના અંદાજમાં નજીવો ઘટાડો કર્યો છે (૬.૧ ટકામાંથી ૫.૯ ટકા). વિશ્વના આર્થિક વિકાસના દરનો અંદાજ પણ નજીવો ઘટાડ્યો છે (૨૦૨૩માં ૨.૮ ટકા). ગ્લોબલ ઇન્ફ્લેશન ૨૦૨૨ કરતાં ચાલુ વરસે ઘટશે તો પણ એ સાત ટકા જેટલો હશે.
જાન્યુઆરી-માર્ચમાં વિશ્વના અર્થતંત્રનો દેખાવ ધારણા કરતાં સારો રહ્યો છે, પણ અમેરિકન બૅન્કની ક્રાઇસિસ પછી વિશ્વના અર્થતંત્ર સામેનું જોખમ વધ્યું છે. ચીનના આર્થિક વિકાસનો દર ૨૦૨૩માં વધીને ૫.૨ ટકા થશે.