આ સપ્તાહમાં રિઝર્વ બૅન્કની મીટિંગ પર નજર રહેશે. બાકી યુએસએનાં પરિબળો મહત્ત્વનાં હોવાથી માર્કેટની રિકવરી અને કરેક્શન ત્યાંથી નક્કી થશે
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
હાલ તો મોટા ભાગે ગ્લોબલ ઘટનાઓના આધારે જ ભારતીય માર્કેટની દશા અને દિશા નક્કી થઈ રહી છે, જેથી ટ્રેડર્સ અને ઇન્વેસ્ટર્સ વર્ગ બન્ને મૂંઝવણમાં છે. એમ છતાં બજાર ગયા સપ્તાહના અંતિમ બે દિવસમાં નોંધપાત્ર રિકવર થયું છે. આ સપ્તાહમાં રિઝર્વ બૅન્કની મીટિંગ પર નજર રહેશે. બાકી યુએસએનાં પરિબળો મહત્ત્વનાં હોવાથી માર્કેટની રિકવરી અને કરેક્શન ત્યાંથી નક્કી થશે
સિલિકૉન વૅલી બૅન્કની નાદારીનો ભાર આખરે યુએસની ફર્સ્ટ સિટિઝન બૅન્ક ઍન્ડ ટ્રસ્ટે ઉપાડી લેતાં ગયા સોમવારે માર્કેટે રાહત અનુભવીને પૉઝિટિવ શરૂઆત કરી હતી. આ બૅન્કે એસવીબીની તમામ લોન્સ અને ડિપોઝિટ્સ ખરીદી લેવાની જાહેરાત કરી હતી. ફર્સ્ટ સિટિઝન બૅન્ક યુએસએની ૩૦મા ક્રમે આવતી વિશાળ બૅન્ક છે. સોમવારે એકંદરે ગ્લોબલ માહોલમાં નવી ખરાબીના અહેવાલ ન આવતાં સેન્સેક્સ ૧૨૬ પૉઇન્ટ અને નિફ્ટી ૪૦ પૉઇન્ટ સુધરીને બંધ રહ્યા હતા. જોકે સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં મોટાં ગાબડાં પડ્યાં હતાં. મંગળવારે બજારે ઠંડી શરૂઆત કરીને રિકવરી બતાવી હતી, પરંતુ માર્કેટની પકડ મંદીવાળાઓના હાથમાં હોવાથી સેન્સેક્સ ૪૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૪ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. મંગળવારે પણ સ્મૉલ કૅપ સ્ટૉક્સનું ધોવાણ ચાલુ રહ્યું હતું. ગ્લોબલ અનિશ્ચિતતાનો ભય અકબંધ રહ્યો છે. વળી રિઝર્વ બૅન્કની મૉનિટરી પૉલિસીની જાહેરાતનો દિવસ નજીક આવી રહ્યો છે, જેમાં રિઝર્વ બૅન્ક પણ પૉલિસી કડક કરે એવા સંકેત વધુ છે. અલબત્ત આ વચ્ચે એક આશા રિઝર્વ બૅન્ક વ્યાજદર હેમખેમ રહેવા દે એવી પણ છે, કારણ કે રિઝર્વ બૅન્ક પર વિકાસલક્ષી નીતિને બૂસ્ટ કરવાનું દબાણ છે. આ સાથે એ નોંધવું પણ મહત્ત્વનું છે કે ભારતીય બૅન્કો અને અર્થતંત્ર હાલ અમેરિકા કે યુરોપિયન ક્રાઇસિસ જેવા સંજોગમાં નથી.
ADVERTISEMENT
વન-ડે મૅચ સમાન
બુધવારે માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરીને અંત સુધી રિકવરી હેઠળ રહ્યું, સેન્સેક્સ ૩૪૬ પૉઇન્ટ અને નિફ્ટી ૧૨૯ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. સ્મૉલ કૅપ સ્ટૉક્સમાં ભારે રિકવરી નોંધાઈ હતી. માર્કેટમાં જાણે વન-ડે મૅચ ચાલતી હોય એવો માહોલ જોવા મળે છે. ગ્લોબલ સંકેત કે ઘટના આધારિત એક દિવસ કરેક્શન, એક દિવસ રિકવરી. મૅચ કોણ જીતશે એ ખબર જ ન પડે. તેજીવાળા અને મંદીવાળા બન્ને કન્ફયુઝ રહ્યા કરે છે. ટ્રેડર્સ વર્ગ સામે કમાવાની તક વિરુદ્ધ ગુમાવવાનો પડકાર પણ છે. ડેરિવેટિવ્ઝની વાત તો સાવ નિરાળી છે.
બુધવારે સેબીએ એની બોર્ડ મીટિંગમાં સંખ્યાબંધ રિફૉર્મ્સનાં પગલાં જાહેર કર્યાં હતાં, જેની અસરો આગામી સમયમાં વિવિધ રીતે જોવા મળશે. બાકી હાલ તો એકમાત્ર નજર રિઝર્વ બૅન્કની નાણાનીતિ પર છે. ગુરુવારે રામનવમી નિમિત્તે બજારમાં રજા હતી. શુક્રવારે જાણે ગ્લોબલ ક્રાઇસિસ પૂરી થઈ ગઈ હોય એમ બજારે રિકવરીના મોટા કૂદકા મારી દીધા હતા, સેન્સેક્સ ૧૦૦૦ પૉઇન્ટ ઊછળીને ૫૮ હજારને પાર કરી ૫૯ હજાર નજીક અને નિફ્ટી ૨૭૯ પૉઇન્ટના જમ્પ સાથે ૧૭,૩૦૦ ઉપર પહોંચી ગયો હતો. અલબત્ત માર્કેટ પર અસર ગ્લોબલ પરિબળોની વધુ હતી. આમ જોઈએ તો પરિબળો નેગેટિવ વધુ કહી શકાય એવાં રહ્યાં છે, જેમ કે રિઝર્વ બૅન્કની નાણાનીતિમાં પા ટકાના વ્યાજ વધારાની જાહેરાત નક્કી મનાય છે. યુએસની ઇકૉનૉમી હજી ડામાડોળ છે અને રિસેશન તરફ જઈ રહી છે. હા, ભારતમાં કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ બીજા ક્વૉર્ટરમાં ૩.૭ ટકા હતી, જે ત્રીજા ક્વૉર્ટરમાં ઘટીને ૨.૨ ટકા થઈ છે. આ એક નોંધનીય સારું પરિબળ છે. બીજી બાજુ આરબીઆઇ બુલેટિને ઇકૉનૉમી માટે સારા સંકેત આપ્યા છે, જયારે કે જીએસટી કલેક્શન પણ સારું રહ્યું છે.
દિશાહીન સંજોગો અને સંકેત
અત્યારે તો માર્કેટ દિશાહીન રહેવાનું જણાય છે, યુએસ-ગ્લોબલ ડિરેક્શન અને એમની બૅન્કિંગ ક્રાઇસિસને આધારે આપણી માર્કેટ દિશા બનાવશે, જેની શક્યતા નજીકના ભવિષ્યમાં જણાતી નથી. હાલ ઇન્ટરેસ્ટ રેટ અને ઇન્ફ્લેશન રેટને લીધે યુએસ ફેડ અને આરબીઆઇની ૬મી એપ્રિલની નાણાનીતિની જાહેરાત પર નજર રહેશે. આમ તો ક્રાઇસિસને મામલે થોડી હળવાશ થઈ હોવાનું જણાતાં એફઆઇઆઇ કંઈક અંશે બાયર્સ બનવા તરફ વળ્યા છે, જે સારી નિશાની ગણાય. આ વૅલ્યુએશનમાં તેઓ ખરીદી પસંદ કરતા હોવાનું કહી શકાય, જેને લીધે આ લેવલને બૉટમની આસપાસનું લેવલ કહી શકાય. અલબત્ત અનિશ્ચિતતાના પરિબળને ધ્યાનમાં રાખવું પડે.
મ્યુચ્યુઅલ ફન્ડ પાસે ભરપૂર ભંડોળ
મ્યુચ્યુઅલ ફન્ડ્સ પાસે ભરપૂર કૅશ પડી છે. અર્થાત્ રોકાણપાત્ર ભંડોળ છે જે બજાર માટે ટેકારૂપ બને છે તેમ જ તેમને નીચા ભાવે ખરીદીની તક પણ મળે છે. અલબત્ત આવા વૉલેટાઇલ સંજોગોમાં તેમની નેટ ઍસેટ વૅલ્યુમાં સતત વધઘટ પણ થતી હશે, જેનાથી રોકાણકારોએ ભયભીત થવાની કે પૅનિકમાં આવી નીકળી જવાની આવશ્યકતા નથી. જોકે નાણાખાતાએ ડેટ ફન્ડ પર કરબોજ વધારતાં હવે પછી બૅન્ક ડિપોઝિટમાં નાણાપ્રવાહ વધે એવી ધારણા મુકાય છે. એક અંદાજ મુજબ બૅન્કોની ડિપોઝિટમાં ૩૬ અબજ ડૉલર જેટલી રકમ આવી શકે છે. અલબત્ત આમ ન પણ થાય અને એવું બને કે મ્યુચ્યુઅલ ફન્ડ તરફથી ઇક્વિટીમાં એક્સપોઝર એ રીતે વધારાય કે જેથી એને ટૅક્સનો લાભ મળવાનું ચાલુ રહે. આમ મ્યુચ્યુઅલ ફન્ડના ડેટ ફન્ડ પર લાગુ કરાયેલા નવા કરવેરા નિયમથી કાં તો ઇક્વિટીને અથવા બૅન્કોને લાભ થશે, પરંતુ બહુ મોટો ફરક પડશે નહીં એવું પણ કહેવાય છે.
વિદેશી અને સ્થાનિક સંસ્થાનાં બાય-સેલ
સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો નાણાકીય વરસ ૨૦૨૨-૨૩માં મોટા બાયર્સ રહ્યા છે, તેમણે ગયા વરસના ૨.૨ લાખ કરોડ રૂપિયાની સામે આ વરસે ૨.૫૩ લાખ કરોડ રૂપિયાની ખરીદી કરી છે. જેનાથી બજારને સતત ટેકો પ્રાપ્ત થયો હતો, જયારે એફઆઇઆઇ મહત્તમ વેચાણ કરતાં રહીને વરસ દરમ્યાન ૪૦ હજાર કરોડ રૂપિયાથી વધુના નેટ સેલર્સ રહ્યા છે. જોકે તેમનું વેચાણ આગલા વરસમાં ૧.૪ લાખ કરોડ રૂપિયા જેટલું ઊંચું હતું.
માર્કેટની બૉટમ આવી નથી, પરંતુ
જાણીતા માર્કેટ એક્સપર્ટ દેવિના મહેરા કહે છે કે હાલ માર્કેટ ક્રૅશ થવાના રિસ્ક કરતાં આ સમયને ચૂકી જવાનું રિસ્ક વધુ જણાય છે. માર્કેટે બૉટમ બનાવી લીધી છે? એવું કોઈ જાણવા માગતું હોય તો એ કહી શકાય એમ નથી, પરંતુ બૉટમની આસપાસ માર્કેટ ફરી રહ્યું હોવાનું અનુમાન મૂકી શકાય. અત્યારે સેન્ટિમેન્ટ વિરોધાભાસી જણાય છે. ભય અને અનિશ્ચિતતા બન્ને સવાર છે, પરંતુ યાદ રાખવાનું એ છે કે ઇક્વિટી માર્કેટમાં લૉન્ગ ટર્મના રોકાણકારો જ સૌથી વધુ સફળ થાય છે, આ માટે સિલેક્ટિવ બની સારા સ્ટૉક્સ જમા કર્યા હોવા જોઈએ.