Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > ખાદ્ય તેલોની આયાતમાં પ્રથમ પાંચ મહિનામાં ૨૨ ટકાની છલાંગ : ઘરઆંગણે ખેડૂતો બેહાલ

ખાદ્ય તેલોની આયાતમાં પ્રથમ પાંચ મહિનામાં ૨૨ ટકાની છલાંગ : ઘરઆંગણે ખેડૂતો બેહાલ

17 April, 2023 02:24 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

આત્મનિર્ભરતાની મોટી-મોટી વાતો વચ્ચે ભારત હજી ખાદ્ય તેલોના ઉત્પાદન બાબતે વિદેશોનું ગુલામ : સરકારના ખાદ્ય તેલોમાં આત્મનિર્ભર થવાના અનેક પ્રયત્નો છતાં જરૂરિયાતનું ૬૦ ટકા ખાદ્ય તેલ આયાત થઈ રહ્યું છે

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


દેશની ખાદ્ય તેલોની આયાતમાં ચાલુ સીઝનના પ્રથમ પાંચ મહિના એટલે કે નવેમ્બરથી માર્ચ મહિના દરમ્યાન ૨૨ ટકાનો વધારો થયો છે. દેશના સૌથી મોટા તેલ-તેલીબિયાં ઉદ્યોગના સંગઠન સૉલ્વન્ટ એક્સ્ટ્રૅક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયાના તાજા ડેટા અનુસાર ભારતે નવેમ્બરથી માર્ચ દરમ્યાન ૬૯.૨૦ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરી હતી જે ગયા વર્ષે આ સમયગાળા દરમ્યાન ૫૬.૪૨ લાખ ટનની થઈ હતી. સૌથી વધુ વધારો પામતેલની આયાતમાં થયો છે. ચાલુ વર્ષે નવેમ્બરથી માર્ચ સુધીમાં ૩૩.૬૭ લાખ ટન પામતેલની આયાત થઈ હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૧૮.૪૭ લાખ ટનની થઈ હતી. સનફલાવર ઑઇલની આયાત ચાલુ વર્ષે પ્રથમ પાંચ મહિનામાં ૧૧.૧૮ લાખ ટન થઈ હતી જે ગયા વર્ષે આ સમયમાં ૧૦.૫૫ લાખ ટન થઈ હતી. સોયાતેલની આયાત પ્રથમ પાંચ મહિનામાં ૧૪.૬૩ લાખ ટનની થઈ હતી જે ગયા વર્ષે આ સમયમાં ૧૯.૩૩ લાખ ટનની થઈ હતી. પામતેલ અને સનફ્લાવર ઑઇલની આયાત સતત વધી રહી છે, જ્યારે સોયાતેલની આયાત ચાલુ સીઝનમાં ઘટી હતી. 


ખાદ્ય તેલોની આયાતનો ઇતિહાસ



૧૯૯૩-૯૪ સુધી ભારત ખાદ્ય તેલોના ઉત્પાદનમાં આત્મનિર્ભર હતું, પણ ત્યાર બાદ ખાદ્ય તેલોની આયાતમાં ભારતે પાછળ વળીને જોયું નથી. કૂદકે ને ભૂસકે આયાત વધીને હાલ દેશની કુલ ખાદ્ય તેલોની જરૂરિયાતનું ૬૦ ટકા કરતાં વધુ ખાદ્ય તેલ આયાત થઈ રહ્યું છે. ૨૦૧૪માં નરેન્દ્ર મોદી સરકારે સત્તાનું સુકાન સંભાળ્યું ત્યારથી સરકાર ખાદ્ય તેલોની આયાત ઘટાડીને ખાદ્ય તેલોમાં ભારતને આત્મનિર્ભર બનાવવા પ્રયત્ન કરી રહી છે, પણ એમાં સફળતા મળી નથી. સરકારે ૧૧,૪૦૦ કરોડ રૂપિયાના ખર્ચે ત્રણ વર્ષ પહેલાં ઑઇલ પામ મિશન બનાવ્યું હતું, પણ હજુ સુધી એનાં કોઈ સારાં ફળ મળ્યાં નથી. દેશની હાલ ખાદ્ય તેલોની વાર્ષિક જરૂરિયાત ૨૩૦ લાખ ટનની છે એની સામે દર વર્ષે ભારત ૧૪૦થી ૧૫૦ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરી રહ્યું છે. ૨૦૨૧-૨૨માં ભારતે ૧૪૦.૨૯ લાખ ટન, ૨૦૨૦-૨૧માં ૧૩૧.૩૧ લાખ ટન, ૨૦૧૯-૨૦માં ૧૩૧.૭૫ લાખ ટન અને ૨૦૧૮-૧૯માં ૧૪૯.૧૩ લાખ ટન ખાદ્ય તેલોની આયાત કરી હતી. 
ખાદ્ય તેલોની આયાત વધવાનું મુખ્ય કારણ સસ્તું પામતેલ છે. મલેશિયા અને ઇન્ડોનેશિયા બન્ને દેશો પામતેલનાં ઘર છે અને આ બે દેશો વિષુવવૃતીય પ્રદેશમાં આવેલા બારમાસી વરસાદને કારણે અઢળક પામતેલનું ઉત્પાદન કરે છે. આ બન્ને દેશોમાં પ્રતિ હેક્ટર ૫૦૦૦થી ૬૦૦૦ કિલો પામફ્રૂટનું ઉત્પાદન થાય છે, જેમાંથી ૯૫થી ૯૭ ટકા પામતેલ બને છે એની સામે ભારતમાં મગફળીનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ૧૫૦૦થી ૧૮૦૦ કિલો અને રાયડાનું ઉત્પાદન પ્રતિ હેક્ટર ૧૪૦૦થી ૨૦૦૦ કિલો થઈ રહ્યું છે. મગફળીમાં ૫૦થી ૫૨ ટકા તેલ મળે છે અને રાયડામાં પ્રતિ હેક્ટર ૪૦થી ૪૨ ટકા તેલ મળે છે. પામતેલનું પ્રતિ હેક્ટર ઉત્પાદન ૪૮૦૦થી ૫૮૦૦ કિલો છે એની સામે ભારતમાં સિંગતેલનું પ્રતિ હેક્ટર ઉત્પાદન ૭૫૦થી ૯૦૦ કિલો છે અને રાયડાનું પણ ૬૦૦થી ૮૦૦ કિલો છે. પ્રતિ હેક્ટર ૪૮૦૦થી ૫૮૦૦ કિલો પામતેલના ઉત્પાદન સામે પ્રતિ હેક્ટર સિંગતેલ અને રાયડાતેલનું ભારતમાં પાંચમા ભાગનું ઉત્પાદન થતું હોવાથી સ્વભાવિક રીતે મગફળી અને રાયડાતેલની પડતર કિંમત વધારે આવતી હોવાથી આ બન્ને દેશી ખાદ્ય તેલો ભારતમાં મોંઘાં મળે છે. એની સામે પામતેલ સરકારની આયાત ડ્યુટી છતાં સિંગતેલ-રાયડાતેલ કરતાં ઘણું સસ્તુ મળતું હોવાથી ભારતમાં ખાદ્ય તેલોની આયાત સતત વધી રહી છે અને હજુ પણ વધતી રહેશે, કારણ કે સરકારને મોંઘવારી પર કાબૂ મેળવવા માટે સસ્તા પામતેલની આયાતને રોકવાનું પરવડી શકે એમ નથી. 


સરકારી તિજોરી પરનો બોજો 

ભારતે તાજેતરમાં પૂરા થયેલા નાણાકીય વર્ષમાં કુલ ૭૧૪.૨ અબજ ડૉલરની આયાત કરી હતી, જેમાં ૧૬.૫ ટકાનો વધારો થયો હતો એની સામે ૪૪૭.૫ અબજ ડૉલરની નિકાસ કરી હતી, એમાં માત્ર છ ટકાનો વધારો થયો હતો. ભારત મુખ્યત્વે પેટ્રોલિયમ પ્રોડક્ટ, સોનું અને ખાદ્ય તેલો; આ ત્રણની મુખ્ય આયાત કરી રહ્યું છે. ત્રણ વર્ષ અગાઉ ભારતની ખાદ્ય તેલોનું આયાત બિલ ૭૦,૦૦૦ કરોડ રૂપિયાથી ૮૦,૦૦૦ કરોડ રૂપિયા હતું જે વધીને ગયા નાણાકીય વર્ષમાં ૧.૫૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચ્યું હતું. આમ ખાદ્ય તેલોનું આયાત બિલ જેટ ગતિએ ઊંચે જઈ રહ્યું છે. એની ભારતીય તિજોરી પર મોટી અસર થઈ રહી છે. મલેશિયા અને ઇન્ડોનેશિયાથી ભારત પામતેલની આયાત કરે છે; આર્જેન્ટિના, બ્રાઝિલથી ભારત સોયાતેલની આયાત કરે છે અને રશિયા-યુક્રેન-કઝાકિસ્તાનથી ભારત સનફલાવર ઑઇલની આયાત કરે છે. ખાદ્ય તેલોનું જે દેશો સરપ્લસ ઉત્પાદન કરે છે એ દેશોએ ખાદ્ય તેલોમાંથી બાયોડીઝલ બનાવવાનું ઝડપથી શરૂ કર્યું હોવાથી આગામી વર્ષોમાં ખાદ્ય તેલોના ભાવ આસમાની ઊંચાઈએ પહોંચવાના છે જેને કારણે ભારતીય તિજોરી પર ખાદ્ય તેલોની આયાતનો બોજો અનેકગણો વધવાનો છે. 


આ પણ વાંચો : દેશની નિકાસ ૧૪ ટકા વધીને ૭૭૦ અબજ ડૉલરની થઈ

ખાદ્ય તેલોની વધતી આયાતથી ખેડૂતો બેહાલ

સરકાર ખાદ્ય તેલોની આયાત ઘટાડવા ભરપૂર પ્રયત્નો કરી રહી છે, પણ ભારતીય ખેડૂતોને તેલીબિયાંનું ઉત્પાદન વધારવા પ્રોત્સાહન આપવામાં સરકાર સાવ નિષ્ફળ રહી છે. હાલ રાયડાની નવી આવકો ચાલુ થઈ છે. સરકારે રાયડાના ખેડૂતોને પ્રોત્સાહન આપવા રાયડાની મિનિમમ સપોર્ટ પ્રાઇસ પ્રતિ ​ક્વિન્ટલ ૫૪૫૦ રૂપિયા નક્કી કરી છે, પણ હાલ રાયડાના ખેડૂતોને રાયડાના પ્રતિ ​ક્વિન્ટલ ૪૬૦૦થી ૪૮૦૦ રૂપિયા મળી રહ્યા હોવાથી આગામી સીઝનમાં ખેડૂતો રાયડાની ખેતી ઘટાડશે અને ફરી ભારતને વધુ આયાત કરવી પડશે. છેલ્લાં બે વર્ષથી રાયડાના ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી ઊંચા ભાવ મળી રહ્યા હતા. એને કારણે ભારતીય ખેડૂતોએ છેલ્લાં બે વર્ષથી બમ્પર માત્રામાં રાયડાનું ઉત્પાદન કર્યું છે. ઍવરેજ ૮૦થી ૯૦ લાખ ટનનું રાયડાનું ઉત્પાદન છેલ્લાં બે વર્ષ દરમ્યાન ૧૧૫થી ૧૨૦ લાખ ટન થયું છે. ચાલુ વર્ષે રાયડાના ખેડૂતોને મિનિમમ સપોર્ટ પ્રાઇસથી નીચે ભાવ મળતાં ફરી આગામી વર્ષે રાયડાનું ઉત્પાદન ૧૦૦ લાખ ટનથી ઓછું થવાની સંભાવના છે. આમ ખાદ્ય તેલોની સતત વધી રહેલી આયાતને કારણે ખેડૂતો નિરુત્સાહ થઈ રહ્યા છે. 

લોકલ ઇન્ડસ્ટ્રીઝ પરેશાન

સરકારે ખાદ્ય તેલોની આયાત ડ્યુટીનું સ્ટ્રક્ચર પણ આયાતને ઘટાડવાને બદલે આયાત વધે એવું બનાવી રાખ્યું છે. હાલ કાચા એટલે કે ક્રૂડ પામતેલ અને રીફાઇન્ડ પામતેલની આયાત ડ્યુટી વચ્ચે ૭.૫ ટકાનો ફરક છે, જેનાથી ખાદ્ય તેલોનું રીફાઇન્ડ કરનારી ઇન્ડસ્ટ્રીઝને કોઈ પ્રોત્સાહન નથી, કારણ કે ઓછા ડ્યુટી ફરકને કારણે રીફાઇન્ડ ખાદ્ય તેલોની આયાત ક્રૂડ તેલ કરતાં સસ્તી પડી રહી છે. સરકાર જો ક્રૂડ પામતેલ અને રીફાઇન્ડ પામતેલ વચ્ચે ૧૫ ટકા આયાત ડ્યુટીનો ફરક રાખે તો ઇન્ડસ્ટ્રીઝને પ્રોત્સાહન મળે અને ખાદ્ય તેલોની આયાત પણ થોડી ઘટી શકે. 

Whatsapp-channel Whatsapp-channel

17 April, 2023 02:24 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK