Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > મંદીવાળા ઉપર ચીન સરકારની સર્જિકલ સ્ટ્રાઇક, ડૉલેક્સમાં નરમાઈ

મંદીવાળા ઉપર ચીન સરકારની સર્જિકલ સ્ટ્રાઇક, ડૉલેક્સમાં નરમાઈ

26 February, 2024 07:28 AM IST | Mumbai
Biren Vakil | vakilbiren@gmail.com

એઆઇ મેનિયાના સહારે અમેરિકા ટેક્નૉલૉજી શૅરોમાં ઉછાળો

પ્રતીકાત્મક તસવીર

કરન્સી કૉર્નર

પ્રતીકાત્મક તસવીર


ચીને પ્રૉપર્ટી અને શૅરબજારની મંદી રોકવા આર યા પારની લડાઈ આદરી છે. મંદીવાળા ઉપર લગાતાર સર્જિકલ સ્ટ્રાઇક થઈ રહી છે. શરૂઆતમાં ચીને શૅરબજારમાં શૉર્ટ સેલિંગ પર પ્રતિબંધ મૂક્યો એ પછી સંસ્થાકીય રોકાણકારો ઇક્વિટી હોલ્ડિંગ ઘટાડવા ઉપર પ્રતિબંધ મૂક્યો અને આત્યંતિક પગલામાં ક્વૉન્ટ હેજફન્ડોનાં ખાતાં અચાનક સ્થગિત કરી દીધાં. યેનકેન પ્રકારે તેજી કરવાના આ પ્રયાસથી શૅરબજાર ઘટ્યા ભાવથી ૧૦-૧૨ ટકા વધ્યું છે, પણ આ માત્ર અને માત્ર સરકારી જીદની તેજી છે. વિશ્વભરનાં તમામ શૅરબજારો ઐતિહાસિક ઊંચી સપાટીએ છે, જપાનનો નિક્કી પણ ડિફ્લેશનના ભણકારા વચ્ચે ઐતિહાસિક સપાટી વટાવી ગયો છે, એની સામે ચીનનાં શૅરબજારો હજી પણ ટોચના ભાવથી ૪૦-૫૦ ટકા નીચે ચાલી રહ્યાં છે. ચીનની તેજી માટે લગાતાર રાહત-પૅકેજ તેમ જ નીચા વ્યાજદરને સપોર્ટ આપી રહ્યું છે. ગયા સપ્તાહે મૉર્ગેજ ધિરાણદરમાં ઘટાડા પછી મૉર્ગેજ દરો ૧૫ વર્ષની નીચી સપાટીએ છે. રિઝર્વ રેશિયોમાં પણ ઘટાડો કરાયો છે. અમેરિકા, યુરોપ, યુ.કે. અને કૅનેડા જેવા દેશોમાં વ્યાજદર ૩૦-૪૦ વર્ષની ઊંચી સપાટીએ છે, પણ ચાઇનામાં દર લગાતાર નીચા રહ્યા છે. આટલા નીચા વ્યાજદરોમાં પણ પ્રૉપર્ટી કે શૅરબજારમાં તેજી થઈ શકતી નથી. આર્થિક વિકાસ દર ઘણો નીચો છે અને સૌથી વધુ ચિંતાજનક વાત લિક્વિડિટીના અમર્યાદિત સપ્લાય પછી પણ જાગતા બંધ ભાવ અને વપરાશી ભાવો લગભગ શૂન્ય બરાબર અથવા માઇનસ છે. એટલે કે સાદી ભાષામાં કહીએ તો ચીનમાં લાંબી મંદીનો આરંભ થઈ ગયો છે. પંડિતો આને જપાની થિકનેસ ઑફ ચાઇના કહે છે. 


સરકારી તેજીને કારણે કામચલાઉ મંદી અટકી છે અને યુઆન પણ સુધર્યો છે, પણ તેજી ટકાઉ દેખાતી નથી. લિક્ડિવિટીની આડઅસર રૂપે કૉમોડિટી ઇમર્જિંગ બજારોમાં તેજી દેખાય રહી છે. ડૉલર ઉપર થોડું દબાણ આવ્યું છે અને ડૉલર ઇન્ડેક્સ થોડો નબળો પડ્યો છે. એકંદરે નૅસ્ડૅક, નિફ્ટી, સેન્સેક્સ, નિક્કી, લગભગ તમામ શૅરબજાર ઐતિહાસિક સપાટીએ અથવા એની નજીક છે. અમેરિકામાં વ્યાજદરો નીચા આવવાની આશા લાંબા સમયથી પ્રવતે છે, પણ જે રીતે જૉબડેટા રીટેલ સેલ તેમ જ શૅરબજારમાં નિરંતર તેજી બની છે એ જોતાં ફેડ નજીકના વ્યાજદર ઘટાડાનું જોખમ લે એવું દેખાતું નથી, કારણ કે હાલ એઆઇ મેનિયાને કારણે ટેક શૅરોમાં તેજી બેકાબૂ બની છે. ચિપ્સ સેક્ટરની હૉટ ફેવરિટ ​સ્ક્રિપ એનવિડિયામાં ૨૨ ફેબ્રુઆરીએ એક જ દિવસમાં ૨૩૪ અબજ ડૉલર માર્કેટ કૅપ વધ્યું, ચીનમાં ૭૦ દિવસમાં જે આખાય બજારનું માર્કેટ કૅપ વધ્યું એટલું માર્કેટ એનવિડિયામાં માત્ર એક જ દિવસમાં વધ્યું હતું. થોડા બ્રૉડ ટર્મ વિચારીએ તો એનવિડિયા ત્રણ વર્ષ પહેલાં ૭૦ અબજ ડૉલરનું માર્કેટ કૅપ હતું જે હવે બે ટ્રિલ્યન ડૉલરના માર્કેટ કૅપ નજીક પહોંચ્યું છે. અમેરિકાની આર્થિક સ્થિતિ બાબતે એક વાત એ પણ નોંધવી જોઈએ કે અમેરિકાનું ફેડરલ ડેબ્ટ ૩૫ ટ્રિલ્યન ડૉલર જેવી ઐતિહાસિક ઊંચી સપાટીએ છે, એની સામે ઘરેલું વેલ્થ ૧૬૦ ટ્રિલ્યન ડૉલર જેટલી ઊંચી છે. વૉરન બફેટની કંપની બર્કશાયર હેથવે પાસે જ ૧૬૮ બિલ્યન ડૉલર કૅશ જમા થઈ છે. અમેરિકાના મની-માર્કેટ ફન્ડમાં છ ટ્રિલ્યન ડૉલર જેટલી કૅશપડી છે. ભારતમાં સામાન્ય ચૂંટણી છે અને નવેમ્બરમાં અમેરિકામાં સામાન્ય ચૂંટણી છે એ સંજોગોમાં વિશ્વમાં મોટા પાયે કૅશ સાઇડલાઇન છે અને અત્યારે આમ પણ બજારો લિક્વિડિટીથી લથપથ છે. 



સાઇડલાઇન રહેલી આ કૅશ બજારમાં આવે તો તેજી ક્યાં પહોંચે એ કલ્પના કરવા જેવી ખરી. કરન્સી બજારની વાત કરીએ તો રૂપિયા પર રિઝર્વ બૅન્કનો સંપૂર્ણ કાબૂ છે. રૂપિયો થોડો-થોડો મજબૂત થઈ રહ્યો છે. ગયા વર્ષે ૮૩.૭૦ ઘટીને ૮૨.૯૦ આસપાસ છે. મીડિયમ ટર્મ ટ્રેન્ડ થોડો પૉઝિટિવ દેખાય રહ્યો છે. એકંદરે રુપીની રેન્જ ૮૨.૭૩થી ૮૩.૩૩ની છે, પણ જો ૮૨.૭૩નું લેવલ તોડે તો રૂપિયો સુધરીને ૮૨.૪૦, ૫૦ સુધી આવી શકે છે. ડૉલેક્સ સાંકડી વધઘટે કન્સોલિડેટ થઈ રહ્યો છે. લાંબા સમયથી ૧૦૨.૫૦-૧૦૪.૫૦ વચ્ચે છે અને અત્યારે ચોક્કસ દિશા દેખાતી નથી. ઘણી બધી અનિશ્ચિતતા પ્રવતે છે. બજારમાં હાલ મોટી મૂવમેન્ટ દેખાતી નથી. રેન્જ બાઉન્ડ બજારો રહેશે.


Whatsapp-channel Whatsapp-channel

26 February, 2024 07:28 AM IST | Mumbai | Biren Vakil

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK