સોનાના ભંડાર થકી ચીન ભૂરાજકીય તનાવ વચ્ચે અને વૈશ્વિક આર્થિક નબળાઈ વચ્ચે પોતાને કરન્સી-જોખમોથી બચાવી શકશે.
પ્રતીકાત્મક તસવીર
ભારતના પાડોશી દેશ ચીને તાજેતરમાં અદ્યતન પ્રૉસ્પેક્ટિંગ ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને હુનાન પ્રાંત અને લિયાઓનિંગ પ્રાંતમાં ૧૦૦૦ ટનના સોનાના બે વિશાળ ભંડારો શોધી કાઢ્યા છે જેની માર્કેટ-વૅલ્યુ અબજો ડૉલરમાં છે. જો ચકાસવામાં આવે તો આ સોનાના ભંડાર સાઉથ આફ્રિકાની સાઉથ ડીપ ગોલ્ડ માઇનને પણ વટાવી શકે છે. હાલમાં શોધી કાઢવામાં આવેલા ભંડારમાં સોનાનું મૂલ્ય ૮૩ અબજ ડૉલર (આશરે ૭,૧૦,૧૩૭ કરોડ રૂપિયા) છે. આ સોનાના ભંડાર થકી ચીન ભૂરાજકીય તનાવ વચ્ચે અને વૈશ્વિક આર્થિક નબળાઈ વચ્ચે પોતાને કરન્સી-જોખમોથી બચાવી શકશે.
આ મુદ્દે ચીનના સ્થાનિક અખબારના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ચીનના વૈજ્ઞાનિકોએ અદ્યતન ટેક્નૉલૉજીનો ઉપયોગ કરીને મધ્ય અને ઉત્તર પૂર્વ ચીનમાં બે સંભવિત રેકૉર્ડ-બ્રેક સોનાના ભંડાર શોધી કાઢ્યા છે અને પ્રત્યેક ૧૦૦૦ ટનના આ ભંડાર ચીનના સોનાના ભંડારને વધારી શકે છે.

