Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો વિશ્વવિક્રમ ભારતના નામે

ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પહોંચવાનો વિશ્વવિક્રમ ભારતના નામે

Published : 28 August, 2023 02:46 PM | IST | Mumbai
Jitendra Sanghvi

જગતગુરુ બનવાની દિશામાં એક કદમ આગે : ચીન, યુરો ઝોન અને અમેરિકાની માઠી દશા ચાલુ

પ્રતીકાત્મક તસવીર

આર્થિક પ્રવાહ

પ્રતીકાત્મક તસવીર


ગયા અઠવાડિયે ભારતના ચંદ્રયાન-3 વિક્રમે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર સફળ ઉતરાણ કરીને એક ઇતિહાસ રચ્યો છે. ઇસરો દ્વારા ભરાયેલ આ હરણફાળને કારણે ઑગસ્ટ ૨૩, ૨૦૨૩ ભારતના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાશે.


આ સિદ્ધિ સાથે ચંદ્ર પર પહોંચવામાં ભારત ભલે ચોથા નંબરે (અમેરિકા, રશિયા (ફૉર્મર સોવિયેત યુનિયન) અને ચીન પછી) હોય; પણ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરવાની અભૂતપૂર્વ સિદ્ધિ મેળવવામાં ભારત વિશ્વનો પ્રથમ દેશ બન્યો છે. ભારતને સ્પેસ ટેક્નૉલૉજી ક્ષેત્રે ‘સુપર પાવર’ બનવાનું માન અપાવવા માટે ઇસરોના અધ્યક્ષ સોમનાથ અને તેમના સાથી વૈજ્ઞાનિકો/સંશોધકો ૧૪૦ કરોડ ભારતવાસીઓનાં અભિનંદનના અધિકારી બને છે. ભારતની આ સિદ્ધિને વિશ્વના અનેક દેશો સાથે પાકિસ્તાન અને ચીને પણ બિરદાવી છે.



ગ્લોબલાઇઝેશનનાં વળતાં પાણી થઈ રહ્યાં છે ત્યારે પણ બ્રિક્સ દેશોના સમૂહમાં છ દેશો (આર્જેન્ટિના, ઇજિપ્ત, ઇથિયોપિયા, ઈરાન, સાઉદી અરેબિયા અને યુએઈ)ના સમાવેશની જાહેરાત બહુપક્ષીય (મલ્ટિલેટરલ) સંબંધોને અપાતા મહત્ત્વનું પ્રતીક છે. એટલું જ નહીં, વિશ્વના આતંકવાદને ડામવા પર ભાર મૂકતા બ્રિક્સ દેશોનું આ સંગઠન યુરોપ અને અમેરિકાને વિશ્વ પર સતત પ્રભુત્વ જમાવીને અને દાદાગીરી કરીને મનમાની કરતા અટકાવવામાં મોટું પ્રતિબળ (કાઉન્ટર ફોર્સ) બની રહેશે.


ભારતે એની એક વરસની પ્રેસિડેન્સી દરમ્યાન G20ની અનેક મીટિંગો/કૉન્ફરન્સો દ્વારા મહત્ત્વના પાંચ એજન્ડા - આર્થિક વિકાસ અને સમૃદ્ધિ, લઘુતમ, નાના અને મધ્યમ ઉદ્યોગોનો વિકાસ, કાર્યક્ષમ ટ્રાન્સપોર્ટ અને ટ્રાન્ઝૅક્શન કૉસ્ટના ઘટાડા દ્વારા લૉજિસ્ટિક્સની કિંમત ઘટાડી હરીફશક્તિ વધારવી, સ્થિતિસ્થાપક વૈશ્વિક વૅલ્યુ ચેઇન અને વિશ્વવેપાર સંસ્થા (WTO)ના સુધારા - પર સર્વ સંમતિ સાધવાના પ્રયાસ કર્યા છે.

ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી આંતરરાષ્ટ્રીય સ્તર (બ્રિક્સ હોય કે G7)ની મીટિંગોમાં હાજરી આપીને પાછા ફરતી વખતે કોઈ એક-બે દેશની ઊડતી મુલાકાત લઈને ભારતના જે-તે દેશો સાથેના દ્વિપક્ષી સંબંધો મજબૂત કરતા રહે છે. જોહનિસબર્ગમાં બ્રિકસ સમિટમાં હાજરી આપ્યા પછી ગ્રીસની શુભેચ્છા મુલાકાત લઈને ગ્રીસ સાથેના રાજકીય અને આર્થિક સંબંધો સુધારવાનો પ્રયાસ આપણા વડા પ્રધાને કર્યો છે. છેલ્લાં ૪૦ વરસમાં ગ્રીસની મુલાકાત લેનાર એ પહેલાં વડા પ્રધાન છે. આ મુલાકાતથી ભારતને માટે ઈરાનને બદલે ગ્રીસ યુરોપમાં પ્રવેશવાનો ગેટવે બની શકે.


 આ પહેલાં હમણાં જ તેમણે અમેરિકા, સાઉદી અરેબિયા અને યુએઈની મુલાકાત પણ લીધેલી.

વધુ ને વધુ દેશો સાથેના સંબંધો મજબૂત બનાવવા જેથી કોઈ અમુક ચોક્કસ દેશ સાથેના સંબંધોમાં કોઈ પણ કારણસર તિરાડ પડે તો અન્ય દેશ એ વખતે ભારતની મદદે આવી પહોંચે. વર્તમાન સરકારની વિદેશનીતિનું આ મહત્ત્વનું પાસુ (કૉર્નરસ્ટોન) ગણાય.

આની સરખામણીએ એક યા બીજા વિવાદમાં સપડાયેલા રશિયા અને ચીનના પ્રમુખ આંતરરાષ્ટ્રીય સ્તરે મહત્ત્વની મીટિંગોમાં હાજર રહેવાનું પણ ટાળે છે. રશિયાના પ્રમુખ બ્રિકસની જોહનિસબર્ગ સમિટમાં હાજર ન રહ્યા. G20ની દિલ્હીમાં મળનાર સમિટ (સપ્ટેમ્બર ૯-૧૦)માં પણ હાજર રહેશે નહીં એવા સમાચાર છે. ચીનના પ્રમુખ બ્રિક્સની સમિટમાં હાજર રહ્યા. મોદીએ તેમની સાથે અનૌપચારિક વાતચીત પણ કરી. જોકે ચીનના પ્રમુખ G20ની દિલ્હી સમિટમાં હાજર ન રહે એવી શક્યતા વધુ છે. આમ મોદી ભારતના મિત્ર દેશો ન હોય એની સાથે પણ કમ્યુનિકેશનની ચૅનલ ચાલુ રાખવાના હિમાયતી છે.

અમેરિકાના કેટલાક ભૂતપૂર્વ પ્રમુખો વિવાદ અને કૉર્ટ કેસમાં ફસાયેલા છે, પણ તેમાંના એક ડોનલ્ડ ટ્રમ્પે તો ગણતરીની મિનિટો માટે કેદી તરીકે જેલમાં જઈ આવવાનો નવો વિક્રમ સ્થાપ્યો છે.

છેલ્લા એક મહિનાથી સમગ્ર દેશમાં ચોમાસું નબળું રહ્યું છે. ઑગસ્ટ મહિને અત્યાર સુધીના  ઑગસ્ટ મહિનાનો સૌથી ઓછો વરસાદ થયો છે. એક બાજુ દેશના મોટા ભાગના વિસ્તારમાં વરસાદની ખાધ (દુકાળ જેવી પરિસ્થિતિ) છે તો બીજી તરફ હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડ અતિવૃષ્ટિને કારણે ઘોડાપુરની પરિસ્થિતિમાં ફસાયા છે. કુલુમાં રસ્તા ધોવાઈ જતાં એ આજે પણ બંધ છે અને બાકીના હિમાચલ પ્રદેશથી એ છૂટા પડી ગયા છે. ઑગસ્ટ મહિનાના બહુ ઓછા વરસાદને કારણે જમીનનો ભેજ ઘટશે; જેની અસર ખરીફ પાક પર અને ઓવરઑલ કૃષિ ઉત્પાદકતા પર પડવાની.

શાકભાજીનો ભાવવધારો કામચલાઉ નીવડી શકે, આવતા મહિનાથી જ આ ભાવો ઘટવા પણ માંડે એમ બને. તો પણ બૅન્કો પાસે જમા થયેલ ડિપોઝિટના મોટા વધારાને કારણે સિસ્ટમમાં વધારે રોકડ નાણાં (લિક્વિડિટી)નો પ્રશ્ન ઊભો થયો છે, જે ભાવવધારા સામેનું મોટું જોખમ છે. એટલે રિઝર્વ બૅન્કના ગવર્નર ડૉ. દાસે સ્પષ્ટતા કરી છે કે ખાદ્ય પદાર્થોનો ભાવવધારો સર્વસામાન્ય ભાવવધારામાં પરિણમવાની શક્યતા નકારી શકાય એમ નથી. એ પરિસ્થિતિ સર્જાવાની સંભાવના વધે તો એને અટકાવવા માટે આપણે પણ વ્યાજના દર વધારવા પડે.

વૈશ્વિક અર્થતંત્ર સામેની અનિશ્ચિતતાઓ હજી જેમની એમ ઊભી જ છે. વિશ્વની નાણાકીય સ્થિતિ પણ ટાઇટ અને ચંચળ  છે.

૨૬ જેટલા રાજકીય પક્ષોનો શંભુમેળો (ઇન્ડિયા) મુંબઈમાં મળી રહ્યો છે. એનું કંઈ નક્કર પરિણામ આવે એવી અપેક્ષા બહુ ઓછી છે.

ચીન, અમેરિકા અને યુરોપની માઠી દશા ચાલુ

ચીનમાંથી મોટા સ્કેલ પર વિદેશી પોર્ટફોલિયો મૂડીનો આઉટફ્લો ચાલુ થયો છે (૧૩ દિવસના ટૂંકા ગાળામાં ૧૧ બિલ્યન ડૉલર). આર્થિક વિકાસના ધીમા પડી ગયેલ દરને વધારવા માટે ચીને ટૂંકા ગાળાની લોન માટેના પ્રાઇમ દરમાં નજીવો ઘટાડો કર્યો છે, જે ચીનમાં કૉર્પોરેટ લોન માટેનો બેન્ચમાર્ક ગણાય છે.

અમેરિકામાં માગ સ્થગિત થવાને કારણે અર્થતંત્ર ધીમું પડી રહ્યું છે. ઑગસ્ટ મહિને ઉત્પાદન માટેનો પીએમઆઇ તો ૫૦થી નીચો ઊતરી ગયો છે, જે અર્થતંત્રનું કૉન્ટ્રૅક્શન દર્શાવે છે. ફેડરલ રિઝર્વ ફુગાવાને અંકુશમાં લાવવા માટે કંઈ પણ કરવા તૈયાર છે એટલે માગ ઘટી રહી હોવાનું દર્શાવતા આ આંકડાઓને એ આવકારે તો નવાઈ નહીં.

યુરોપની માઠી દશા ઑગસ્ટ મહિને પણ ચાલુ જ રહી છે. વધતા જતા વ્યાજના દરોને કારણે લોન લેનાર વપરાશકારો ખર્ચ ઘટાડતા રહ્યા જેથી માગમાં ઘટાડો ચાલુ રહ્યો. સેવા માટેનો પીએમઆઇ  ઑગસ્ટમાં પહેલી વાર ૫૦ નીચે ચાલ્યો જતાં યુરો ઝોનમાં આર્થિક પ્રવૃત્તિઓ સંકોચાઈ રહી હોવાની ખાતરી થઈ. સેવાઓ માટેની પ્રવૃત્તિઓમાં ઑગસ્ટમાં ઘટાડો થયો જ્યારે મૅન્યુફૅક્ચરિંગ માટેની પ્રવૃત્તિઓનું સંકોચન ચાલુ રહ્યું. 

યુરો ઝોનમાં સપ્ટેમ્બરમાં વ્યાજના દર ઘટે તો પણ ૨૦૨૩ના અંત પહેલાં હજી વ્યાજના દર વધવાની શક્યતા નકારી શકાય એમ નથી.

સ્પેસ ટેક્નૉલૉજી ક્ષેત્રે ભારતની બોલબાલા ઃ અમેરિકા, રશિયા અને ચીનને પણ મહાત કર્યા

ચંદ્રયાન-3એ ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર ઉતરાણ કરી સ્પેસ ટેક્નૉલૉજીના ક્ષેત્રે નવો વિશ્વવિક્રમ સ્થાપિત કરીને અમેરિકા, રશિયા અને ચીન પર પોતાની સર્વોપરિતા (સુપ્રીમસી) સાબિત કરી છે. ભારત હાલના પાંચમા નંબરની આર્થિક મહાસત્તામાંથી નજીકના ભવિષ્યમાં ત્રીજા નંબરે પહોંચવા  માટેની હોડમાં ઊતર્યું છે. એ તો આવતાં ચાર-પાંચ વરસમાં બનશે ત્યારે ખરું, પણ સ્પેસ ટેક્નૉલૉજીમાં તો એ વિશ્વના સુપર પાવર તરીકે સ્થાપિત થઈ ચૂકયું છે. ૨૦૧૯માં ચંદ્રયાન-2ની નિષ્ફળતા પછી ભારતે હાર નથી સ્વીકારી.

ચંદ્રયાન-3એ ચંદ્ર પર સફળ ઉતરાણ કર્યાના અરસામાં જ ચીનના સહયોગવાળું રશિયાનું આવું જ મિશન નિષ્ફળ ગયું છે. ભારત ચંદ્ર પર તિરંગો ફરકાવવામાં સફળ તો રહ્યું અને એ પણ સૌથી ઓછા ખર્ચે. આ માટે ગ્રેવિટીના સિદ્ધાંતનો અને સનલાઇટનો ભરપૂર ઉપયોગ કરાયો. આ સફળતા થોડી સદીઓ પછી ભારતની ફરી એક વાર જગતગુરુ બનવાની યાત્રાની શરૂઆત થઈ હોવાનો અહેસાસ કરાવે છે. જગતગુરુ કહેવાતા નાસાએ પણ આ સફળતા પછી ભારત સાથે જોડાવાની તૈયારી બતાવી છે. 

ભારત હવે ચંદ્રના દક્ષિણ ધ્રુવ પર પાણીનો સોર્સ મળવાની આશા રાખે છે. આગળ વધીને આ સફળતાની ઉજવણીરૂપે ભારતે હવે સૂર્ય અને શુક્ર પર પહોંચવાની પણ તૈયારી કરવા માંડી છે.

ઑગસ્ટનો ઓછો વરસાદ ખરીફ પાકની ઊપજને નુકસાન પહોંચાડશે

ચોમાસું મોડું થતાં જૂન મહિનાના અંતે વરસાદની ખાધ (૯ ટકા) હતી. જુલાઈની અતિવૃષ્ટિને કારણે જુલાઈના અંતે વરસાદની પુરાંત (૧૩ ટકા) રહી. ઑગસ્ટના ઓછા વરસાદને કારણે ફરી એક વાર વરસાદની ખાધ (૭ ટકા) રહી છે. ચાલુ વરસે ડાંગરનું વાવેતર વધુ કરાયું, જ્યારે ઘઉં, કઠોળ અને તેલિબિયાનું ઓછું. ઑગસ્ટના ઓછા વરસાદને લીધે ખરીફ પાકની એકરદીઠ ઊપજ ઓછી થવાની સંભાવના છે.

જૂન-સપ્ટેમ્બરનું સાઉથ-વેસ્ટ મૉન્સૂન આજે પણ આપણા ૩૦૦૦ બિલ્યન ડૉલરના અર્થતંત્ર માટેનો ડ્રાઇવિંગ ફોર્સ છે. વરસનો ૭૫ ટકા વરસાદ આ સીઝનમાં થાય છે જે ખરીફ ધાન્ય અને અન્ય પાકને માટે, પીવાના પાણી તથા વીજળી માટે બહુ મહત્ત્વનું પરિબળ છે. દેશમાં વાવેતર હેઠળનો અડધા જેટલો વિસ્તાર વરસાદ પર આધાર રાખે છે અને કૃષિ ક્ષેત્ર દેશમાં સૌથી વધુ રોજગારી પૂરી પાડે છે.

થોડી વિચિત્ર લાગે એવી વાત પણ એક નક્કર હકીકત એ છે કે સ્પેસ ટેક્નૉલૉજીમાં મહાસત્તાઓને મહાત કરીને ચંદ્ર પર પહોંચી જનાર ભારત આઝાદીનાં ૭૬ વરસ પછી ડ્રિપ ઇરિગેશન બાબતે આજે પણ ઇઝરાયલથી ઘણું પાછળ છે. આમ કેમ એ પ્રશ્ન સહેજે ઊઠે.

ઓન્લી ચાઇના, ચાઇના+ અને હવે ઓન્લી ઇન્ડિયા

૨૧મી સદી એશિયાની નહીં, પણ ભારતની હશે એ હકીકત વીતતાં વરસો સાથે સદીની શરૂઆતમાં જ વધુ ને વધુ દૃષ્ટિગોચર થતી જાય છે. આજથી થોડાં વરસો પહેલાં ચીન બધી બાબતે સર્વેસર્વા ગણાતું હતું. પછી ચીન સાથે જે એક નામ જોડાયું એ ભારતનું. એટલે કે ચાઇના પ્લસ (ભારત). મહામારીનાં બે વરસ પછી આ સમીકરણ પણ બદલાયું. થોડા કાવાદાવા કરી દુનિયાને (અમેરિકા સહિત) પછાડવાની રમત રમનાર ચાઇના વિશ્વના અર્થતંત્રના કેન્દ્રમાંથી દૂર થતું જાય છે, છતાં ચાઇનાની અવગણના કરવાનું એટલું આસાન પણ નહીં હોય.

આજનું સ્લોગન છે ઃ ઇન્ડિયા ઓન્લી. જોકે ટોચ પર પહોંચવા માટે ભારતે હજી ઘણો લાંબો રસ્તો કાપવાનો છે. ભારતને રાહ છે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની, જે માત્ર ભારતના જ નહીં, પણ સમસ્ત માનવજાતના ભાવિ પર ઊંડો પ્રભાવ પાડી શકે એમ છે.

Whatsapp-channel Whatsapp-channel

28 August, 2023 02:46 PM IST | Mumbai | Jitendra Sanghvi

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK