ચણાના ભાવમાં તહેવારો સમયે આગઝરતી તેજી:એક મહિનામાં 12 ટકાનો ઉછાળો
ચણા
જન્માષ્ટમી, ગણેશચતુર્થી અને દિવાળીના તહેવારોના દિવસો હવે નજીક દેખાવા લાગ્યા છે ત્યારે ચણાના ભાવ સતત વધી રહ્યા છે. છેલ્લા બે સપ્તાહથી ચણાના ભાવ સતત વધી રહ્યા છે. માર્કેટની સ્થિતિ જોતાં ચણાના ભાવ હજી વધીને દિવાળી આસપાસ પ્રતિ ક્વિન્ટલ ૫૦૦૦થી ૫૨૦૦ રૂપિયા થવાની આગાહી માર્કેટના વર્તુળો કરી રહ્યા છે. ચણા વાયદામાં તા. ૨૮ જુલાઈએ ચણાનો ભાવ પ્રતિ ક્વિન્ટલ ૪૧૦૮ રૂપિયા હતો તે વધીને તા. ૨૮મી ઑગસ્ટે પ્રતિ ક્વિન્ટલ ૪૭૯૯ રૂપિયા બોલાયો હતો. તહેવારો દરમ્યાન ફરસાણ, મીઠાઇ અને અન્ય ચીજવસ્તુઓમાં ચણાની મોટી જરૂરિયાત રહે છે.
તેજીનું મુખ્ય કારણ
ADVERTISEMENT
ચણામાં તેજીનાં અનેક કારણો બજારમાં એકસાથે ઊભા થયાં છે. ચાલુ વર્ષે ચણાનું ઉત્પાદન દેશમાં ૧૦૯ લાખ ટન થયાનો સરકારે અંદાજ મૂકયો હતો પણ વેપારીઓના અંદાજ પ્રમાણે ચણાનું ઉત્પાદન ૮૮ લાખ ટન જ થયું હતું જે ગત વર્ષે ૭૬ લાખ ટન થયું હતું. ચણાનું ઉત્પાદન ૧૬ ટકા વધવા સામે ચણાની વપરાશ પણ ૧૧ ટકા વધીને ૮૦ લાખ ટન થઈ હતી. ખાસ કરીને પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ સરકારે દરેક કુટુંબદીઠ નવેમ્બર મહિના સુધી દર મહિને એક કિલો ચણાદાળ આપવાનો નિર્ણય કરતાં ચણાની વપરાશ વધી છે, આ ઉપરાંત લૉકડાઉનના પાંચ મહિના દરમ્યાન લોકો ઘરની બહાર નીકળ્યા ન હોઈ અન્ય ખર્ચા બચતાં ચણાની ઘરેલું વપરાશ પણ વધી હતી. વળી એક વર્ષ અગાઉ ચણાના ભાવને વધુ ઘટતાં અટકાવવા સરકારે આયાત પર ડયુટી લાદી હતી તેને કારણે હાલ ચણાની આયાત પર ૬૬ ટકા ડયુટી લાગુ પડે છે. આટલી આયાત ડયુટી ભરીને વિદેશથી ચણા લાવવાનું કોઈને પોસાય તેમ નથી.
અગાઉનાં વર્ષો દરમ્યાન ચણાના ભાવ અત્યંત નીચા હોઈ તેમ જ ચાલુ વર્ષે પણ સીઝનના આરંભે નીચા જ રહ્યા હોઈ સરકારે ખેડૂતો પાસેથી એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી ૩૨ લાખ ટન ચણાની ખરીદી કરી હતી. નાફેડના ચણા જો માર્કેટમાં નીચા ભાવે ઉપલબ્ધ હોત તો અત્યારે ચણાના ભાવમાં આટલો વધારો ન થાત, પણ પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના હેઠળ નવેમ્બર સુધી પ્રત્યેક કુટુંબને એક કિલો ચણા આપવાના હોઈ નાફેડના ૩૨ લાખ ટન ચણામાંથી ૧૦થી ૧૧ લાખ ટન ચણા સરકારની યોજનામાં ડાઇવર્ટ થયા છે. આ ઉપરાંત આર્મી, મિડ-ડે મિલ વિગેરે યોજના અને બફર સ્ટૉક માટે ચણા અનામત રાખવાના હોઈ નાફેડ ઑપન માર્કેટમાં છૂટથી ચણા વેચી શકે તેમ નથી. નાફેડ દ્વારા એક મહિના અગાઉ ચણાનું વેચાણ ચાલુ થયું છે પણ આ વેચાણ બજારભાવથી ઉપરના ભાવે થતું હોઈ એક મહિનામાં નાફેડના ફક્ત ૧.૮૦ લાખ ટન જ ચણા ખુલ્લી બજારમાં વેચાયા છે. નાફેડ દ્વારા ચણાની ખરીદી એમએસપીના ભાવે પ્રતિ ક્વિન્ટલ ૪૮૭૫ રૂપિયામાં થઈ હતી તેની સામે બજારમાં નાફેડે ચણાનું વેચાણ શરૂ કર્યું ત્યારે ભાવ ૪૨૦૦ રૂપિયા બોલાતો હતો. નાફેડ દ્વારા ચણાની ખરીદી થઈ ત્યારથી માંડીને ગોડાઉનમાં ચણા રાખવાનો ખર્ચ અને અન્ય ખર્ચ ગણતાં નાફેડને ચણાની પડતર પ્રતિ ક્વિન્ટલ ૫૦૦૦ રૂપિયા થઈ છે. આમ નાફેડ પણ ખોટ ખાઈને બજારમાં ચણા વેચવા માગતી નહોતી. આમ હાલની ચણાની તેજીમાં ગવર્મેન્ટ એજન્સી નાફેડની પૉલિસી સૌથી વધુ જવાબદાર છે. એક રીતે હાલ ચણાના ભાવ જે રીતે વધી રહ્યા છે તેમાં સરકારનો પણ આડકતરો સપોર્ટ છે.
સરકારે તાજેતરમાં આવશ્યક ચીજવસ્તુ ધારો રદ કર્યો હોઈ હવે જીવનજરૂરી ચીજોનો સંગ્રહ કરવા માટે માર્કેટમાં કોઈ સ્ટૉકમર્યાદા નથી તેના કારણે સંગ્રહખારો અને કાળાબજારિયાઓને મોકળું મેદાન મળી ગયું છે. હાલ કોઈ પણ વેપારી કે બેસન-દાળ મિલધારક ચણાનો ગમે તેટલો સ્ટૉક કરે છે. બજારનો એક વર્ગ એવું માની રહ્યો છે કે ચણાના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો એટલે ભાવ ઊંચા લાગી રહ્યા છે, પણ વાસ્તવમાં ચણાના ભાવ વધુ પડતાં ઘટી ગયા હતા જે હાલ વાસ્તવિક સ્તરે આવ્યા છે. સરકારે ચણાની એમએસપી પ્રતિ ક્વિન્ટલ ૪૮૭૫ રૂપિયા લાદી હતી જેની સામે ઑપન માર્કેટમાં ચણાના ભાવ લાંબો સમય ૪૧૦૦થી ૪૨૦૦ રૂપિયા વચ્ચે રહ્યો હતો. આમ એમએસપીથી ભાવ ઘણો જ નીચો રહ્યો હતો.
ચણાની માર્કેટનું ભાવિ
ચણાની માર્કેટના ભાવિ વિશે બજારના અગ્રણીઓ, અભ્યાસુઓ અને ટેક્નિકલ ચાર્ટિસ્ટો ચણાની બજારમાં હજી વધુ તેજી થવાની આગાહી કરી રહ્યા છે. ચણાની આયાત પર ૬૬ ટકા ડયુટી લાગતી હોઈ આંતરરાષ્ટ્રીય માર્કેટમાંથી ચણાની આયાત કરવામાં આવે તો ભારતમાં ચણાની પડતર પ્રતિ ક્વિન્ટલ ૬૫૦૦ રૂપિયા થાય છે. સરકાર ચણાની આયાત ડયુટી ઘટાડે તો પણ ચણાનો પુરવઠો ભારતીય પોર્ટ પર આવતાં દોઢથી બે મહિનાનો સમય વીતી જાય તેમ છે. અહીં ચણાની નવી સીઝન આડે હજુ છ મહિના બાકી છે. ચણાનો જે પણ સ્ટૉક છે તે ખેડૂતો અને નાફેડ પાસે છે અને બન્ને નીચા ભાવે ચણા વેચવા માગતા નથી. બેસન-દાળ મિલો, વેપારીઓ અને સ્ટૉકિસ્ટો પાસે બહુ જ ઓછો સ્ટૉક બચ્યો છે. આ સંજોગોમાં ચણાના ભાવ દિવાળી સુધીમાં પ્રતિ ક્વિન્ટલ ૫૦૦૦થી ૫૨૦૦ થવાની ધારણા વેપારીઓ વ્યક્ત કરી રહ્યા છે. ટેક્નિકલ એનલિસ્ટોની આગાહી અનુસાર ચણાના ભાવમાં ઝડપી ઉછાળો આવ્યો હોઈ એક પ્રત્યાઘાતી ઘટાડા બાદ ચણાના ભાવ સતત વધતા રહેશે અને વધીને પ્રતિ ક્વિન્ટલ ૫૪૫૦થી ૫૫૦૦ ડિસેમ્બર સુધીમાં થશે.