એક વિશ્લેષકનું કહેવું છે કે જો ક્રિપ્ટો માટે સાનુકૂળ વલણ ધરાવનારા ડોનલ્ડ ટ્રમ્પનો વિજય થશે તો બિટકૉઇનનો ભાવ આગામી બે મહિનામાં ૮૦,૦૦૦થી ૯૦,૦૦૦ ડૉલર જેટલો થઈ જવાની શક્યતા છે
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં થઈ રહેલી પ્રમુખપદની ચૂંટણીને અનુલક્ષીને વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં મંગળવારે સાધારણ ઉતાર-ચડાવ નોંધાયો હતો. એક વિશ્લેષકનું કહેવું છે કે જો ક્રિપ્ટો માટે સાનુકૂળ વલણ ધરાવનારા ડોનલ્ડ ટ્રમ્પનો વિજય થશે તો બિટકૉઇનનો ભાવ આગામી બે મહિનામાં ૮૦,૦૦૦થી ૯૦,૦૦૦ ડૉલર જેટલો થઈ જવાની શક્યતા છે.
આની પહેલાં ગયા માર્ચમાં ૭૩,૮૦૦ ડૉલરનો સર્વોચ્ચ ભાવ નોંધાયો હતો. આ જ નિષ્ણાતનું કહેવું છે કે જો કમલા હૅરિસનો વિજય થશે તો બિટકૉઇન ઘટીને ૫૦,૦૦૦ ડૉલરની સપાટી સુધી પણ જઈ શકે છે. અત્યાર સુધીની જો બાઇડનની સરકારે ક્રિપ્ટો ઉદ્યોગના નિયમન બાબતે સાવચેતીભર્યો અભિગમ રાખ્યો હતો. એનાથી વિપરીત, ટ્રમ્પ ક્રિપ્ટોની તરફેણ કરનારા મનાય છે. અન્ય એક નિષ્ણાતે તો ટ્રમ્પના વિજય બાદ બિટકૉઇનનો ભાવ ૧,૨૫,૦૦૦ ડૉલર સુધી પહોંચવાની પણ ધારણા રાખી છે. આ સંજોગોમાં બિટકૉઇન મંગળવારે સાંજે આ લખાઈ રહ્યું છે ત્યારે ૦.૩૫ ટકાની વૃદ્ધિ સાથે ૬૮,૮૨૬ ડૉલર ચાલી રહ્યો છે. ઇથેરિયમમાં ૦.૭૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. બાઇનૅન્સ ૦.૨૨ ટકા, ડોઝકૉઇન ૯.૨૪ ટકા, કાર્ડાનો ૦.૯૪ ટકા અને શિબા ઇનુ ૫.૬ ટકા વધ્યા હતા, જ્યારે અવાલાંશમાં ૦.૦૪ ટકા, ટ્રોન ૨.૦૧ ટકા અને રિપલ ૦.૬૭ ટકા ઘટ્યા હતા.