શૅરબજાર અને આઇપીઓ માર્કેટ જોરમાં તો છે જ, પરંતુ મજાની વાત એ છે કે આને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનું જોર પણ સતત વધી રહ્યું છે. ભારતીય રોકાણજગત, રોકાણકારો અને સ્ટૉક માર્કેટ, ઉદ્યોગો-કંપનીઓ અને ઓવરઑલ અર્થતંત્ર માટે આ સારા સંકેત અને ચિહ્નો કહી શકાય
ફંડ ના ફંડા
પ્રતીકાત્મક તસવીર
શૅરબજાર અને આઇપીઓ માર્કેટ જોરમાં તો છે જ, પરંતુ મજાની વાત એ છે કે આને પરિણામે મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગનું જોર પણ સતત વધી રહ્યું છે. ભારતીય રોકાણજગત, રોકાણકારો અને સ્ટૉક માર્કેટ, ઉદ્યોગો-કંપનીઓ અને ઓવરઑલ અર્થતંત્ર માટે આ સારા સંકેત અને ચિહ્નો કહી શકાય. મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગ પાસે ૨૪ મહિના પહેલાં ૩૦ લાખ કરોડ રૂપિયા જેટલું ભંડોળ મૅનેજમેન્ટ હેઠળ હતું, જેને માર્કેટના શબ્દોમાં એયુએમ (ઍસેટ્સ અન્ડર મૅનેજમેન્ટ) કહે છે. ૨૪ મહિનામાં એ વધીને ૪૦ લાખ કરોડ રૂપિયા થયું અને હવે તાલ એવો છે કે આ ૧૨ મહિનામાં આ ભંડોળ વધીને ૫૦ લાખ કરોડ રૂપિયા થવાનું છે. આ ઉદ્યોગમાં આવી રહેલો નાણાં-રોકાણ પ્રવાહ એના સજ્જડ પુરાવા છે. આ ઑક્ટોબર સુધીમાં એ ૪૮ લાખ કરોડ રૂપિયા સુધી તો પહોંચી જ ગયું છે. હવેના આ બે મહિનામાં એટલે કે ડિસેમ્બર સુધીમાં એ ૫૦ લાખ કરોડ રૂપિયાએ પહોંચી જવાની શક્યતા ઉજ્જ્વળ છે. આ એક બહુ મહત્ત્વની-આવકાર્ય ઘટના હશે.
ન્યુ જનરેશનના અભિગમ
આપણે આ ગ્રોથની વાત નીકળે ત્યારે એસઆઇપીના પ્રવાહની વાતને ટાળી શકીએ નહીં, કારણ કે આ ઝડપી ગ્રોથમાં એસઆઇપીનો ફાળો નોંધપાત્ર છે અને હજી રહેશે. વધુ એક આનંદની વાત એ છે કે આ ઉદ્યોગની સ્વનિયમન સંસ્થા ઍમ્ફી (અસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફન્ડ્સ ઑફ ઇન્ડિયા) જે રીતે વિઝન અને લક્ષ્ય સાથે પ્લાન કરી રહી છે એમાં ઉદ્યોગના એયુએમને ૧૦૦ લાખ કરોડ રૂપિયા સુધી લઈ જવામાં બને એટલી વહેલી સફળતા મેળવી શકશે એવી આશા છે. સરકાર અને સેબી પણ ઇચ્છે છે કે રોકાણકારો મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ પસંદ કરે. મજાની વાત એ છે કે રોકાણકારો હાલમાં પોતે એટલા બુલિશ છે કે તેઓ શૅરબજારમાં સીધું રોકાણ કરવા ઉપરાંત પણ મ્યુચ્યુઅલ ફન્ડનો માર્ગ અપનાવી રહ્યા છે. આ જ વર્ગ આઇપીઓમાં પણ એટલો જ તીવ્ર રસ લઈ રહ્યો છે. ઇન શૉર્ટ, રોકાણકારોની એક એવી જનરેશન તૈયાર થઈ રહી છે, જેને બૅલૅન્સ અભિગમ સાથે આગળ વધવું છે, તેમને ગ્રોથ જોઈએ છે, પરંતુ સાથે-સાથે સલામતી અને સ્થિરતા પણ જોઈએ છે. આ જનરેશનમાં સસલાં છે તો કાચબા પણ છે.
ADVERTISEMENT
વિકાસનાં કારણો આ રહ્યાં
આમ શા માટે? કારણમાં કોરોના નિમિત્ત હોઈ શકે, નવી લાઇફ સ્ટાઇલ અને નવી વિચારધારા પણ નિમિત્ત હોઈ શકે. કોરોનામાં લોકોનો સ્ટૉક માર્કેટનો રસ વધી ગયો, એ સમયે કમાણી માટે એ એક સાધન-માર્ગ બન્યું હતું. બીજું, લોકો બચતને પણ મહત્ત્વ આપતા થયા છે, જેમાં તેઓ પરંપરાગત બચતને બદલે અથવા એને સાથે રાખીને પણ મ્યુચ્યુઅલ ફન્ડની યોજનાઓ જેવાં નવાં સાધનોમાં રસ લેતા થયા છે. ઉદ્યોગ તરફથી થઈ રહેલા સતત અને સાતત્યપૂર્ણ પ્રયાસ પણ પરિણામ આપી રહ્યા છે. ડિસ્ટ્રિબ્યુટર એજન્ટ્સ પણ સક્રિય ભૂમિકા ભજવી રહ્યા છે. આ વર્ગ વધુ ને વધુ પ્રોફેશનલ અને શિસ્તબદ્ધ બનતો જાય છે. એક સારું પાસું તેમનામાં એ ઉમેરાયું છે કે તેઓ ફાઇનૅન્શિયલ પ્લાનર્સની જેમ રોકાણકારોને ધ્યેયલક્ષી તેમ જ લાંબા ગાળાના રોકાણ તરફ આગળ વધવા સમજાવી રહ્યા છે અને મહત્તમ સફળ પણ થઈ રહ્યા છે. આ વર્ગમાં પણ સતત નવી પેઢી જોડાઈ રહી છે.
ટેક્નૉલૉજીનો સપોર્ટ
વધુ એક મહત્ત્વની વાત એ છે કે હવેના સમયમાં ટેક્નૉલૉજી પણ મ્યુચ્યુઅલ ફન્ડ ઉદ્યોગને જબરદસ્ત સપોર્ટ કરી રહી છે. ડેટા ઍનૅલિસિસ કંપનીઓને સમજવામાં અને રોકાણકારોને સમજાવવામાં સારી ભૂમિકા ભજવી રહી છે. ટેક્નૉલૉજીને કારણે દૂર-દૂર સુધીના રોકાણકારો સુધી પહોંચવાનું સરળ બન્યું છે. રોકાણની વિધિ કે પ્રોસેસ સરળ અને પારદર્શક બની છે. ઑનલાઇન અને ડિમેટ સ્વરૂપનાં કામકાજ સાથે સ્ટૉક એક્સચેન્જના મ્યુચ્યુઅલ ફન્ડ મંચ પણ મહત્ત્વનો રોલ ભજવી રહ્યાં છે. નિયમન સંસ્થા ક્યાંક સંકુચિત અભિગમ સાથે પણ રોકાણકારોનાં હિતની રક્ષા પર વધુ જોર આપી રહી છે. અલબત્ત, આમાં ક્યાંક સેબીએ વ્યવહારુ અભિગમ અપનાવવાની જરૂર ખરી. ઇન શૉર્ટ, આ ઉદ્યોગને દોડવા માટે ઢાળ અને ઊડવા માટે આકાશ મળ્યાં છે.
સવાલ તમારા…
શું મ્યુચ્યુઅલ ફન્ડમાં રોકાણ વધશે તો એનો લાભ શૅરબજારને પણ થશે?
ચોક્કસ. મ્યુચ્યુઅલ ફન્ડની ઇક્વિટી યોજનાઓને બહુ મોટા પ્રમાણમાં રોકાણપ્રવાહ મળતો રહેતો હોવાથી આ નાણાં આખરે તો શૅરબજારમાં આવે છે. આજે શૅરબજારના ટેકામાં કે ખરીદીમાં મ્યુચ્યુઅલ ફન્ડનો ફાળો બહુ ઊંચો થયો છે. ફૉરેન ઇન્વેસ્ટર્સ પરની નિર્ભરતા ઘટાડવામાં અથવા તેમની વેચવાલી સામે લેવાલી કરવામાં સ્થાનિક ફન્ડ્સ મોટી-મહત્ત્વની ભૂમિકા ભજવી રહ્યાં છે.