જમીનમાં ભેજ પૂરતો અને વાવેતર વધતાં સારા ઉતારાની આશા
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
દેશમાં ચાલુ વર્ષે રવી પાકોનું વાવેતર સારું થવાની ધારણા છે અને બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ, એમ સરકારે જણાવ્યું હતું.
કૃષિપ્રધાન નરેન્દ્ર સિંહ તોમરે જણાવ્યું હતું કે સારો વાવણી વિસ્તાર અને જમીનમાં ભેજની અનુકૂળ સ્થિતિને કારણે ચાલુ રવી (શિયાળુ-વાવણી) સીઝનમાં કૃષિ પાકોના ‘સારા’ ઉત્પાદનની સરકાર અપેક્ષા રાખે છે.
ADVERTISEMENT
તોમરે રવી પાકની સ્થિતિનો અભ્યાસ કરવા મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ સાથે બેઠક યોજી, એમ એક સત્તાવાર નિવેદનમાં જણાવાયું છે. તેમણે હાઇલાઇટ કર્યું હતું કે રવી સીઝનમાં વાવણીનો વિસ્તાર એક વર્ષ અગાઉના સમયગાળાની સરખામણીએ અત્યાર સુધીમાં ૨૪.૧૩ લાખ હેક્ટર વધી ગયો છે.
તોમરે સંતોષ વ્યક્ત કર્યો હતો કે ગયા વર્ષના સમાન સમયગાળામાં ૧૩૮.૩૫ લાખ હેક્ટરની સરખામણીએ અત્યાર સુધીમાં ઘઉં હેઠળ ૧૫૨.૮૮ લાખ હેક્ટર વિસ્તાર નોંધાયો છે. ઘઉં માટે, ગયા વર્ષની સરખામણીમાં ૧૪.૫૩ લાખ હેક્ટર વિસ્તારના કવરેજમાં વધારો થયો છે અને આ છેલ્લાં ચાર વર્ષથી અત્યાર સુધીનો સૌથી વધુ છે.
તોમરે આશા વ્યક્ત કરી હતી કે જમીનમાં ભેજની સાનુકૂળ સ્થિતિ, સારી જીવંત જળસંગ્રહ સ્થિતિ અને દેશભરમાં ખાતરોની આરામદાયક ઉપલબ્ધતા સાથે, આગામી દિવસોમાં રવી પાકના વિસ્તારના કવરેજમાં વધુ વેગ આવવાની અપેક્ષા છે અને સારા રવી પાકની અપેક્ષા રાખી શકાય છે, એમ નિવેદનમાં જણાવાયું છે.
દેશભરનાં ૧૪૩ મહત્ત્વનાં જળાશયોમાં વર્તમાન જીવંત પાણીનો સંગ્રહ ૧૪૯.૪૯ અબજ ક્યુબિક મીટર (૨૦૨૨ની ૨૪ નવેમ્બરે સમાપ્ત થયેલ સપ્તાહ) છે, જે ગયા વર્ષના સમાન સમયગાળાના ૧૦૬ ટકા અને અનુરૂપ છેલ્લાં ૧૦ વર્ષના સરેરાશ સંગ્રહના ૧૧૯ ટકા છે.
મોટા ભાગના જિલ્લાઓમાં ૧૫-૨૧ નવેમ્બર, ૨૦૨૨ દરમ્યાન જમીનમાં ભેજની સ્થિતિ છેલ્લાં સાત વર્ષની સરેરાશ કરતાં વધુ છે. મંત્રાલયે જણાવ્યું હતું કે રવી સીઝન માટે જરૂરિયાત સામે ખાતરોની ઉપલબ્ધતા પણ સમગ્ર દેશમાં આરામદાયક છે, પરિણામે તમામ પરિસ્થિતિ સાનુકૂળ હોવાથી સરેરાશ રવી પાકોના ઉત્પાદનમાં વધારો થાય એવી સંભાવના દેખાઈ રહી છે.