Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > બિઝનેસ સમાચાર > સોના-ચાંદીમાં તેજીની છલાંગ : હાલમાં ખરીદી કરવી કે ઘટાડા માટે રાહ જોવી?

સોના-ચાંદીમાં તેજીની છલાંગ : હાલમાં ખરીદી કરવી કે ઘટાડા માટે રાહ જોવી?

10 April, 2023 03:26 PM IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

અમેરિકાના ઇકૉનૉમિક ડેટામાં રિસેશનના સ્પષ્ટ સંકેતો દેખાવા લાગતાં ફેડને માટે કપરાં ચઢાણઃ ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની ખરીદીના સપોર્ટથી સોનામાં તેજી લાંબી ચાલશે

પ્રતીકાત્મક તસવીર

કૉમોડિટી વૉચ

પ્રતીકાત્મક તસવીર


સોનું-ચાંદીમાં તેજીની છલાંગ જોવા મળી છે. ગયા સપ્તાહે ભારતીય માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૧,૦૦૦ રૂપિયાની ઉપર અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૭૬,૦૦૦ રૂપિયાની ઉપર પહોંચી ગયો છે. છેલ્લા એક સપ્તાહમાં સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૦૦થી ૨૫૦૦ રૂપિયા અને ચાંદીમાં પ્રતિ કિલો ૪૦૦૦થી ૪૫૦૦ રૂપિયાની તેજી જોવા મળી છે. જગત જમાદાર ગણાતા અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં સોનામાં આટલી ઝડપી તેજી જોવા મળી હતી. ત્રણ સપ્તાહ અગાઉ જોવા મળેલી બૅ​ન્કિંગ ક્રાઇસિસને કારણે પણ સોના-ચાંદીના ભાવ ઘટ્યા હતા, પણ બૅન્કિંગ ક્રાઇસિસ શમી જતાં સોનું-ચાંદી ઝડપથી ઘટી રહ્યું છે. એવામાં અમેરિકાના ઇકૉનૉમિક ડેટા ગયા સપ્તાહે નબળા આવતાં સોનામાં ફરી તેજીની આગ ભભૂકી ઊઠી હતી. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવતાં ફેડની મે મહિનાની મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધશે કે કેમ? એ શંકા વધી હતી. અમેરિકાના ઇકૉનૉમિક ડેટા નબળા આવવાની સાથે ઓપેક (ઑર્ગેનાઇઝેશન ઑફ પેટ્રોલિયમ એક્સપોર્ટિંગ કન્ટ્રીઝ) તથા રશિયાએ ભેગા મળીને રોજિંદું ૧.૬૦ લાખ બૅરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કરતાં ઇન્ફ્લેશનની આગ ફરી આગળ વધશે એવી શક્યતાએ સોનામાં ચારે તરફથી ખરીદીની દોટ લાગતાં ભાવ મહત્તમ ઊંચાઈએ પહોંચ્યા હતા. 


સોનામાં તેજીનું ભાવિ અને કારણો 



અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ડેટા છેલ્લા પાંચ મહિનાથી નબળા આવી રહ્યા છે અને અમેરિકાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ૩૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. અમેરિકાના જૉબ ઓપનિંગ ડેટા માર્ચમાં ૨૨ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથની જેમ સર્વિસ સેક્ટરના ગ્રોથના ડેટા પણ નબળા આવ્યા હતા. અમેરિકામાં સતત વધી રહેલા ઇન્ટરેસ્ટ રેટને કારણે હાઉસિંગ સેક્ટરમાં પણ મંદીના સ્પષ્ટ સંકેતો દેખાવા લાગ્યા હતા. માર્ચના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા નબળા આવ્યા હતા તેમ જ માર્ચના જનરલ નૉન ફાર્મ પે-રોલ ડેટા પણ નબળા આવ્યા હતા. આખા વિશ્વમાં સોનાના ભાવ ડૉલરમાં બોલાય છે. અમેરિકાના એક પછી એક ડેટા નબળા આવતાં ડૉલરનું મૂલ્ય જે એક તબક્કે ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું અને ડૉલર ઇન્ડેક્સ ૧૧૪થી ૧૧૫ના લેવલે હતો એ ઘટીને ૧૦૧થી ૧૦૨ના લેવલે પહોંચતાં સોનામાં ખરીદીનું આકર્ષણ એકાએક વધ્યું હતું. સોનું ઇન્ફ્લેશનના વધારા સામેનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ મનાતું હોવાથી ઓપેક તથા રશિયાએ રોજિંદું ૧.૬૦ લાખ બૅરલ ક્રૂડ તેલના ઉત્પાદનમાં કાપ મૂકવાનો નિર્ણય કરતાં અનેક દેશોના ઇન્ફ્લેશનમાં ફરી વધારો થશે એવી શક્યતા દેખાતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. આમ એકસાથે અનેક કારણો ભેગાં થતાં સોનામાં તેજી વધી હતી. અમેરિકન ડૉલરની મંદી, ક્રૂડ તેલની તેજી ઉપરાંત ચીન સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની સોનાની ખરીદીએ તેજીનો સપોર્ટ કર્યો હતો. ૨૦૨૨માં વિશ્વની સેન્ટ્રલ બૅન્કોએ ૧૧૩૬ ટન સોનાની ખરીદી કરી હતી જે છેલ્લાં પંચાવન વર્ષની સૌથી વધુ હતી. ૨૦૨૩ના આરંભથી સેન્ટ્રલ બૅન્કોની ખરીદીનો દોર ચાલુ છે. જાન્યુઆરીમાં સેન્ટ્રલ બૅન્કોએ ૭૪ ટન અને ફેબ્રુઆરીમાં બાવન ટન સોનાની ખરીદી કરી હતી. ચીન નવેમ્બર મહિનાથી સોનાની ખરીદી સતત વધારી રહ્યું છે. નવેમ્બરથી માર્ચ દરમ્યાન પાંચ મહિનામાં ચીને ૧૨૦ ટન સોનાની ખરીદી કરી હતી. 


સોના કરતાં ચાંદીમાં તેજીની ઝડપ વધારે 

સોનાની તેજીની સાથે ચાંદીમાં પણ તેજી જોવા મળી હતી, પણ સોના કરતાં ચાંદીમાં ઝડપી તેજી જોવા મળી હતી. ચાંદીમાં તેજી માટે સોનું ઉપરાંત બેઝ મેટલની તેજી પણ અસર કરે છે. ચીને કોરોનાનાં નિયંત્રણો દૂર કર્યા બાદ ચીનની ઇકૉનૉમિક ગ્રોથ ઝડપથી ઊંચે જઈ રહ્યો છે. કૉપર, ઍલ્યુમિનિયમ, ઝિંક, નિકલ, ટીન અને લીડ તમામ બેઝમેટલના વપરાશમાં ચીન સર્વોપરી છે. ચીનનો ઇકૉનૉમિક ગ્રોથ ઊંચે જતાં તમામ બેઝમેટલના ભાવ પણ વધ્યા હતા. આમ ચાંદીને સોનાની તેજી ઉપરાંત બેઝ મેટલની તેજીનો પણ લાભ મળતાં ચાંદીમાં તેજી વધુ ઝડપી રહી હતી. નિષ્ણાતોના મતે ચાંદીમાં મક્કમ તેજી જોવા મળશે. ૨૦૦૮થી ૨૦૧૨ દરમ્યાન ભારતીય માર્કેટમાં ચાંદી પ્રતિ કિલો ૨૦ હજાર રૂપિયાથી વધીને ૭૪ હજાર રૂપિયા થઈ હતી ત્યાર બાદ ફરી ઘટીને ૩૩,૦૦૦ રૂપિયા થઈ હતી. તાજેતરમાં સપ્ટેમ્બર ૨૦૨૨માં ચાંદી પ્રતિ કિલો ૫૨,૦૦૦ હતી એ વધીને હાલ ૭૬,૦૦૦ ઉપર વધી છે. ચાંદીમાં તેજીની જેમ કરેક્શન પણ મોટું રહે છે, પણ આ વખતે ચાંદીને સોનું ઉપરાંત બેઝ મેટલની તેજીનો સહારો હોવાથી તેજી લાંબી ચાલશે એવી ધારણા છે. 


સોનામાં તેજીના મોટા તોફાનનો ઇતિહાસ 

સોનામાં એકવીસમી સદી ચાલુ થઈ ત્યારથી તેજીનાં મોટાં તોફાનો આવતાં રહ્યાં છે. ૨૦૦૮થી ૨૦૧૨ દરમ્યાન સોનું ૫૫૦ ડૉલરથી વધીને ૧૯૨૨ ડૉલર થયું હતું એ જ રીતે ૨૦૦૦ની શરૂઆતે સોનું ૨૫૧ ડૉલર હતું જે ૨૦૦૭ સુધીમાં વધીને ૮૭૦ ડૉલર થયું હતું. ૨૦૨૧માં સોનું વધીને ૨૦૭૮ ડૉલર થયું હતું. ૨૦૨૨માં રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનું વધીને ૨૦૭૦ ડૉલર થયું હતું અને ૨૦૨૩માં બૅન્કિંગ ક્રાઇસિસ વખતે સોનું વધીને ૨૦૧૧ ડૉલર થયા બાદ ઘટ્યું હતું, પણ છેલ્લા સપ્તાહમાં સોનું ૧૯૫૦ ડૉલરથી વધીને ૨૦૪૫ ડૉલર સુધી વધ્યું છે. ભારતીય માર્કેટમાં સોનું ઘટીને ૪૪,૦૦૦ રૂપિયા થયા બાદ વધીને ૫૫,૦૦૦ રૂપિયા થયું હતું ત્યાર બાદ ઘટીને ૪૯,૦૦૦ રૂપિયા થયા બાદ વધીને ૫૬,૦૦૦ રૂપિયા થયું હતું અને હાલ ૫૮,૮૦૦ રૂપિયા ઘટીને થયા બાદ વધીને ૬૨,૦૦૦ રૂપિયાની નજીક પહોંચ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ શરૂ થયા બાદ સોનામાં વારંવાર ઉછાળો આવી રહ્યો છે. સોનામાં નિષ્ણાતોના મતે હજુ અન્ડરટોન મજબૂત છે. 

સોનું-ચાંદી ખરીદવાં કે રાહ જોવી?

સોનું-ચાંદીના ભાવ સતત વધી રહ્યા છે ત્યારે બધાના મનમાં એક જ પ્રશ્ન ઊભો થાય છે કે હાલના ઊંચા લેવલે ખરીદવું કે ભાવ ઘટવાની રાહ જોવી? છેલ્લા બે મહિનામાં સોનું-ચાંદી ઘટે ત્યારે ખરીદવું એવું કહેનારા દરેક વખતે ખોટા પડ્યા છે. બૅન્કિંગ  ક્રાઇસિસ હળવી થઈ ત્યારે બધાને લાગતું હતું કે સોનું-ચાંદી ઘટશે અને બન્નેના ભાવ ઘટ્યા હતા, પણ આ ઘટાડો માત્ર પાંચથી છ દિવસનો જ રહ્યો હતો. આમ સોના-ચાંદીમાં હજુ તેજીની દોડ લાંબી ચાલવાની છે એટલે જ્યારે પણ સોનું-ચાંદી ઘટે ત્યારે થોડું-થોડું ખરીદીને રાખવું અને દરેક ઉછાળે થોડું-થોડું વેચીને નફો ઘરભેગો કરતો રહેવો એ અત્યારની માર્કેટની સ્થિતિમાં બેસ્ટ ઉપાય ગણાશે. ઇન્ટરેસ્ટ રેટ વધારાની દોડ હજુ શમે એમ નથી એ જ રીતે ઇન્ફ્લેશન પણ હજુ લાંબો સમય વધતું રહેશે. અમેરિકાની દાદાગીરી ખતમ કરવા ચીન, રશિયા અને અન્ય દેશો તેમની રિઝર્વમાં સોનું ઉમેરી રહ્યા હોવાથી સેન્ટ્રલ બૅન્કોની ખરીદી પણ લાંબી ચાલશે અને રશિયા-યુક્રેન વચ્ચે તનાવ, તાઇવાન મુદ્દે અમેરિકા-ચીન વચ્ચેનો તનાવ અને અન્ય દેશો વચ્ચે વધી રહેલો તનાવ જિયોપોલિટિકલ ટેન્શન પણ વધારશે. આથી તેજીનાં કારણોનું લિસ્ટ મોટું છે  આથી હવે ભાવ ઘટે ત્યારે ખરીદી કરીએ એવો મોકો મળે કે કેમ એ શંકા છે. 

Whatsapp-channel Whatsapp-channel

10 April, 2023 03:26 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK