વૈશ્વિક ગ્રોથનું પ્રોજેક્શન ઘટતાં સોનામાં નવેસરથી તેજીનો આરંભ
સોનામાં તેજીનો આરંભ
બુલિયન બુલેટિન
વૈશ્વિક ગ્રોથનું પ્રોજેક્શન ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (IMF)એ ઘટાડતાં ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વધી હતી અને સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું જેને કારણે વર્લ્ડ માર્કેટમાં સોનામાં નવેસરથી તેજીનો આરંભ થયો હતો. અધૂરામાં પૂરું બ્રેક્ઝિટની પ્રક્રિયા કોઈ પણ પ્રકારના ડીલ વગર થવાની શક્યતા વધતાં તેમ જ ઇકૉનૉમિક ઇન્ડિકેટરો સુધરતાં પાઉન્ડ ડૉલર સામે સુધરતાં સોનાની તેજીને સપોર્ટ મળ્યો હતો.
ADVERTISEMENT
ઇકૉનૉમિક ઇન્ડિકેટરનો સંકેત
યુરો ઝોનનું ઇન્વેસ્ટર મોરલ જાન્યુઆરીમાં સુધરીને માઇનસ 20.9 પૉઇન્ટ રહ્યું હતું જે ડિસેમ્બરમાં માઇનસ 21 પૉઇન્ટ હતું અને માર્કેટની ધારણા માઇનસ 20.1 પૉઇન્ટની હતી. બ્રિટનનો જૉબલેસ રેટ નવેમ્બરમાં પૂરા થતા ત્રણ મહિના દરમ્યાન ચાર ટકા ઘટીને 44 વર્ષના તળિયે પહોંચ્યો હતો અને વર્કરોના વેતનમાં 3.4 ટકાનો વધારો નોંધાયો હતો જે 2008 પછીનો સૌથી ઊંચો હતો. ચીનના ગ્રોથરેટના ડેટા 28 વર્ષના સૌથી નીચા આવ્યા છતાં અન્ય ઇકૉનૉમિક ડેટા પ્રમાણમાં સારા આવ્યા હતા. ચીનના રીટેલ સેલ્સમાં ડિસેમ્બરમાં 8.2 ટકાનો વધારો નોંધાયો હતો જે અગાઉના મહિને 8.1 ટકાનો વધારો થયો હતો. ચીનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં ડિસેમ્બરમાં 5.7 ટકાનો વધારો નોંધાયો હતો જે નવેમ્બરમાં 5.4 ટકાનો વધારો થયો હતો. ચીનનો ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ગ્રોથ 2018માં 5.7 ટકા વધ્યો હતો જે માર્કેટની છ ટકાની ધારણા કરતાં સહેજ ઓછો રહ્યો હતો. અમેરિકી ડૉલર સોમવારે બે સપ્તાહની ઊંચાઈએ પહોંચતાં સોના પર દબાણ વધ્યું હતું પણ પાઉન્ડ સુધરતાં ડૉલર પર દબાણ વધતાં સોનું ફરી મંગળવારે સુધર્યું હતું.
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ
ચીનનો ગ્રોથરેટ 28 વર્ષના તળિયે પહોંચ્યાના રિપોર્ટ બાદ તરત જ IMFનો રિપોર્ટ આવતાં ગ્લોબલ સ્લોડાઉનની શક્યતા વધી હતી. IMFએ વર્લ્ડનો ગ્રોથરેટ 2019 માટે 3.૫ ટકા અને 2020 માટે 3.૬ ટકા અંદાજ્યો હતો. 2018માં વર્લ્ડનો ગ્રોથરેટ 3.7 ટકા રહ્યો હતો. અમેરિકાનો ગ્રોથરેટ 2018માં 2.9 ટકા રહ્યા બાદ 2019માં ઘટીને ૨.૫ ટકા અને 2020માં 1.8 ટકા અંદાજવામાં આવ્યો છે. ચીનનો ગ્રોથરેટ 2018માં 6.6 ટકા રહ્યા બાદ 2019 અને 2020માં 6.2 ટકા રહેવાની ધારણા મુકાઈ હતી. યુરો એરિયાનો ગ્રોથરેટ 2018માં 1.8 ટકા રહ્યા બાદ 2019માં 1.6 ટકા અને 2020માં 1.7 ટકા રહેવાની ધારણા છે. જપાનનો ગ્રોથરેટ 2018માં ૦.9 ટકા રહ્યા બાદ 2019માં 1.1 ટકા અને 2020માં ૦.૫ ટકા રહેવાની ધારણા છે. એકમાત્ર ભારતનો ઇકૉનૉમિક ગ્રોથ 2018માં 7.3 ટકા રહ્યા બાદ 2019માં 7.5 ટકા અને 2020માં 7.7 ટકા રહેવાની આગાહી કરાઈ છે. IMFના તમામ ડેટા ગ્લોબલ સ્લોડાઉનની શક્યતાને વધારતાં હોવાથી સોનામાં લૉન્ગ ટર્મ તેજીના સંજોગો ધીમે-ધીમે મજબૂત બની રહ્યા છે.