બજેટ દેશની ઇકૉનૉમીને બેઠી કરવાનાં પગલાં લેવામાં પણ નિષ્ફળ ગયું છે
બજેટ 2020
નાણાપ્રધાન નિર્મલા સીતારમણનું બજેટ જેટલું લાંબું હતું એના કરતાં વધારે બિનઅસરકારક પણ છે. ડ્રીમ બજેટ રજૂ કરવાની લાહ્યમાં નથી તેઓ બજેટ આપી શક્યાં અને નથી લોકોનાં સપનાં પૂરાં કરી શક્યાં! રજૂઆતની ૨૪ કલાકમાં પહેલી સ્પષ્ટતા સરકારે કરવી પડી છે કે બિનરહીશ ભારતીયો માટે નથી, પણ એવા લોકો છે જે ભારતમાં કમાણી કરે છે અને વર્ષે થોડો સમય અન્ય દેશમાં વિતાવી ભારતમાં ટૅક્સ ભરતા નથી.
જુલાઈ ૨૦૧૯માં બજેટ રજૂ કર્યું પછી દેશના એપ્રિલથી જૂન ૨૦૧૯-૨૦ના પ્રથમ ક્વૉર્ટરના જીડીપીના આંકડા જાહેર થયા અને દેશનો આર્થિક વિકાસ ગંભીર રીતે ઘટી રહ્યો છે એવી ચિંતાના કારણે નાણાપ્રધાને દેશભરનો પ્રવાસ કર્યો, આવકવેરાના અધિકારીઓને મળ્યા, વિવિધ ક્ષેત્રના અગ્રણીઓ, ઉદ્યોગ અને વ્યાપાર સંગઠનો સાથે બેઠકો કરી. સપ્ટેમ્બરમાં ત્રણ તબક્કે તેમણે આર્થિક વિકાસ બેઠો થાય એવા પગલાંની જાહેરાત કરી અને ફરી પછી બજેટ ૨૦૨૦-૨૧ માટે બેઠકો કરી. છેલ્લા છ મહિનાથી ચાલતી આ એક્સરસાઈઝ પછી જો આટલું નબળું બજેટ રજૂ થતું હોય તો નસીબ દેશના! આટલું ઓછું નથી. વડા પ્રધાન પોતે પણ દેશના ટોચના ઉદ્યોગપતિઓને મળ્યા હતા. બજેટ માટે બેઠકો કરી હતી પણ તેનો કોઈ પ્રભાવ બજેટમાં જોવા મળતો નથી.
ADVERTISEMENT
બજેટની સમજ કરવેરાની દરખાસ્તની રીતે નહીં પણ અલગ રીતે કરીએ. દેશના અર્થતંત્રમાં જે સમસ્યા છે, પડકાર છે તેની સામે કયાં પગલાં લેવામાં આવ્યાં અને તેનાથી કેવી અસર થશે એ પહેલાં સમજી લઈએ.
પગલાંની અસરો મધ્યમ જ રહેશે
દેશનો આર્થિક વિકાસદર નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં છેલ્લા એક દાયકામાં સૌથી નીચો પાંચ ટકા અને આવતા વર્ષે એટલે કે ૨૦૨૦-૨૧માં ૬ થી ૬.૫ ટકા (વર્તમાન ભાવે, ફુગાવાસહિત ૧૦ ટકા) રહેવાની ધારણા છે. દેશનો આર્થિક વિકાસદર ૨૦૧૮-૧૯માં ૬.૧ ટકા રહ્યો હતો (શુક્રવારે જ ૬.૮ ટકાથી સરકારે તેનો અંદાજ ઘટાડ્યો છે). વર્ષ ૨૦૧૯-૨૦ના બજેટમાં સરકારે ૧૨ ટકાનો વિકાસદર (ફુગાવાસહિત) અંદાજ્યો હતો જે માત્ર ૬.૫ ટકા રહ્યો છે. એટલે સરકારી અંદાજો કરતાં વાસ્તવિકતા વધારે બિહામણી હોય છે.
જેમ નવેમ્બર ૨૦૧૬માં નોટબંધી કે ડિમોનેટાઇઝેશન અંગે પછીની સરકાર અને નાણાપ્રધાન મૌન રહ્યા એમ વર્તમાન નાણાપ્રધાન આર્થિક ગતી ધીમી પડી છે, સ્લોડાઉન છે, જીડીપી ઘટી રહ્યો છે એ અંગે ઐતિહાસિક લાંબી સ્પીચમાં મૌન રહ્યાં છે. સ્લોડાઉન અંગે એક શબ્દ તેમણે ઉચ્ચાર્યો નથી. આ દર્શાવે કે સરકાર માનતી જ નથી કે દેશના અર્થતંત્રમાં ઢીલાશ છે. અને જ્યાં સુધી સમસ્યાનો સ્વીકાર થાય નહીં ત્યાં સુધી તેનું નિરાકરણ પણ આવે નહીં.
ખેર, આર્થિક વિકાસ નબળો પડવા માટે બે સૌથી મોટા પરિબળ રહ્યા છે ઘટી રહેલી ગ્રાહક માગ (પ્રાઇવેટ કન્ઝ્મ્પશન એક્સપેન્ડિચર) અને ઇન્વેસ્ટમેન્ટ (મૂડીરોકાણ) નબળા પડી રહ્યા છે અને આ બન્ને ચીજોને વેગ મળે એવાં પગલાં બજેટમાં અનિવાર્ય હતાં. મંદીનો સ્વીકાર નહીં હોવાથી માગ અને મૂડીરોકાણ માટે પણ અધકચરાં પગલાં લેવામાં આવ્યાં છે.
સૌથી મોટી વાત એવી છે કે વ્યક્તિગત કરદાતાને આપવામાં આવેલા વિકલ્પથી કેન્દ્ર સરકાર ૪૫,૦૦૦ કરોડ રૂપિયાની રાહત આપી રહી છે એવું નાણાપ્રધાનનું નિવેદન સત્યથી વેગળું છે. આવી કોઈ રાહત નથી. હકીકતે જો વ્યક્તિ ટૅક્સ એક્ઝમ્પશન જતાં કરે અને પ્રસ્તાવિત ઓછા દરે ટૅક્સ ભરે તો નુકસાન થાય છે, કરની જવાબદારી વધે છે. એટલે આ ૪૫,૦૦૦ કરોડ રૂપિયાથી ગ્રાહક માગ આવશે એવી ગણતરી કરવી જ ભૂલભરેલી રહેશે.
ઉપરોક્ત ટેબલ સ્પષ્ટ દર્શાવે છે કે સરકારનો મોટો વધારાનો ખર્ચ કોઈ સીમિત ક્ષેત્રમાં જ થવાનો છે. આર્થિક વૃદ્ધિ રવી પાક સારો રહેતા અને કૃષિચીજોના ભાવ વધી રહ્યા હોવાથી થોડો ચોક્કસ વધી શકે છે, પણ તેનાથી દેશના અર્થતંત્રને કોઈ મોટો વેગ મળે એવી શક્યતા જણાતી નથી.
નાણાખાધ ઊંચી રાખી કેન્દ્ર સરકારે બજેટમાં એવી કોઈ જાહેરાત નથી કરી કે નવાં પગલાં લેવામાં આવ્યાં નથી જેના કારણે બહુ મોટો ફર્ક પડે. સરકારે ખર્ચ કરવા માટે વધારે નાણાં બજારમાંથી લોન તરીકે લેવા માટે અને ડિસઇન્વેસ્ટમેન્ટ ઉપર આધાર રાખ્યો છે. ડિસઇન્વેસ્ટમેન્ટનો પડકાર બહુ મોટો છે અને તેને સિદ્ધ કરવો કપરો પણ છે. એટલે સરકારના હાથ સમગ્ર વર્ષ માટે બંધાયેલા રહેશે.
સતત ત્રીજા વર્ષે દેશના બજેટમાં ફિસ્કલ ડેફિસિટ બજેટના અંદાજ કરતાં સુધારેલા અંદાજમાં ઊંચી રહેવાની ધારણા છે.
નિશાનચૂક માફ, પણ નહીં માફ નીચું નિશાન
ઉપરોક્ત ઉક્તિ નાણાપ્રધાન નિર્મલા સીતારમણ માટે પરફેક્ટ છે. એમણે ઊંચા નિશાન તાક્યાં છે. આ એક ફિલોસોફી નથી, ગણિત છે અને તેમાં નિશાનની જેટલી નજીક પહોંચવું એટલી આર્થિક ગતિવિધિઓને ટેકો મળે છે.
કેન્દ્ર સરકાર બજેટમાં જે ખર્ચ કરવાનો ઈરાદો ધરાવે છે તેના માટેનાં નાણાં કરવેરા અને કરવેરા સિવાયની આવકો (ડિસઇન્વેસ્ટમેન્ટ, ડિવિડન્ડ, માર્કેટ બોરોઈંગ)થી ઊભા થાય છે. આવકમાં ઘટાડો થાય તો ખર્ચ પણ ઘટાડવો પડે છે. સરકાર ખર્ચ ઘટાડે તો તેનો લાભ મળતો નથી, મૂડીરોકાણ ઘટે છે અને લોકો વંચિત રહે છે.
વર્ષ ૨૦૧૯-૨૦માં ફિસ્કલ ડેફિસિટ ૩.૩ ટકા રહેશે એવો અંદાજ હતો પણ કરની આવક અને ડિસઇન્વેસ્ટમેન્ટની આવક ઘટી જતાં ફિસ્કલ ડેફિસિટ ૩.૮ ટકા રહી છે. સતત બીજા વર્ષે બજેટના અંદાજ કરતાં ડેફિસિટ વધીને આવી છે.
ક્રિસિલ રેટિંગ એજન્સી દ્વારા છેલ્લાં દસ વર્ષમાં સરકારની આવક અને ખર્ચના અંદાજ અને તેના વાસ્તવિક આંકડાનો અભ્યાસ કરવામાં આવ્યો છે. આ અભ્યાસ અનુસાર ફિસ્કલ ડેફિસિટ કરતાં રેવન્યુ ડેફિસિટ (એટલે કરની આવક અને અન્ય આવક કરતાં સરકારનાં પેન્શન, વ્યાજ અને પગારનો ખર્ચ)નો અંદાજ વધારે ખોટો પડે છે. આ ખોટું પડવાનું મુખ્ય કારણ સરકારની કરની આવક અને સરકારનો પગારખર્ચનો અંદાજ હંમેશાં નબળો રહ્યો છે. સરકાર બજેટમાં પગાર ખર્ચ નીચો રાખે છે અને કરની વસૂલાત વધારે થશે એવું ધારે છે.
નાણાખાધ ૩.૮ ટકા નહીં, વધારે છે
છેલ્લાં બે વર્ષની અર્થશાસ્ત્રીઓ, વિશ્લેષકો અને વિરોધ પક્ષ કેન્દ્ર સરકારની નાણાખાધ વધારે છે એવો દાવો કરી રહ્યા હતા. કેન્દ્ર સરકાર બજેટની બહાર કેટલાંક નાણાં ઊભા કરી કેટલીક યોજનાઓ માટે નાણાં એકત્ર કરી રહી હોવાથી આવા આક્ષેપો થયા હતા. જોકે નાણાપ્રધાને આ વાતનો આડકતરી રીતે સ્વીકાર કરી બજેટની સાથે આવા એક્સ્ટ્રા બજેટરી રિસોર્સની વિગતો જાહેર કરી છે.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦માં કેન્દ્ર સરકારે આવા ૧.૭૩ લાખ કરોડ રૂપિયા ઊભા કર્યા છે અને નાણકીય વર્ષ ૨૦૨૦-૨૧માં પણ ૧.૮૩ લાખ કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવશે એવી જાહેરાત કરી છે. નૅશનલ સ્મોલ સેવિંગ્સ ફન્ડ (પોસ્ટ ઑફિસ બચત, કિસાન વિકાસ પત્ર, નૅશનલ સેવિંગ્સ સર્ટિફિકેટમાં પ્રજાનાં નાણાં) થકી આ રકમ ઊભી થાય છે અને તે પરત કરવામાં આવે છે.
જો, આ એક્સ્ટ્રા બજેટરી રિસોર્સની રકમ નાણાખાધમાં ઉમેરવામાં આવે તો વર્ષ ૨૦૧૯-૨૦ની ખાધ નહીં ૩.૩ ટકા, નહીં ૩.૮ ટકા પણ ૫ ટકા થશે અને વર્ષ ૨૦૨૦-૨૧ની ખાધ નહીં ૩.૫ ટકા પણ ૪.૫ ટકા થશે. આવી જ રીતે સરકારે હજી બે એવી રકમ પણ બજેટમાં દર્શાવી નથી કે જેનો ભાર હજી દેશની જનતાને ભોગવવાનો છે. એક નૅશનલ હાઇવેના એન્યુઇટીની ૪૧,૨૯૨ કરોડ રૂપિયાની રકમ અને બીજી બૅન્કોને મૂડી આપવા માટે ૬૪,૬૧૨ કરોડ રૂપિયાના રિકેપિટલાઇઝેશન બૉન્ડ!
નાણાખાધ વધે તો ચિંતા કરજો
નાણાખાધ વધે તો મારે શું? એવું નહીં વિચારતા. પ્રજા ઉપર જ તેનો બોજ આવવનો છે. સરકારની ખાધ જેટલી વધે એટલું સરકાર બજારમાંથી વધારે નાણાં એકત્ર કરે છે. બજારમાં સરકારી જામીનગીરી વધે એટલે તેનાથી તેના યિલ્ડ વધે છે અને રિઝર્વ બૅન્કના વ્યાજના દર-ઘટાડાની અસર ઘટે છે. રિઝર્વ બૅન્કે વર્ષ ૨૦૧૯-૨૦માં ૧.૧૦ ટકા વ્યાજનો દર ઘટાડ્યો ત્યારે સામે સરકારી જામીનગીરીના યિલ્ડ માત્ર ૦.૮૧ ટકા ઘટ્યા હતા. આવી જ રીતે ટ્રેઝરી બિલ્સ અને જામીનગીરી વચ્ચેના યિલ્ડમાં સરેરાશ અર્ધા ટકાનો તફાવત હોય છે જે અત્યારે ૧.૫૦ ટકા થઈ ગયો છે. એટલી હદે સ્થિતિ બગડી હતી કે રિઝર્વ બૅન્કે ઑપરેશન ટવીસ્ટ થઈ વ્યાજના દર કાબૂમાં લેવા પ્રયત્ન કર્યા હતા.
સરકારી જામીનગીરીમાં સરકારની ગૅરન્ટી હોય છે. સૌથી સલામત રોકાણ ગણાય છે. જ્યારે સરકારી જામીનગીરી ઉપલબ્ધ હોય તો રોકાણકાર જોખમ લેવાનું ટાળી અન્યત્ર રોકાણ કરવાના બદલે આવી જામીનગીરીને પ્રાથમિકતા આપે છે. દેવાં બજારમાં દેશની ટોચની કંપનીઓના બૉન્ડના યિલ્ડ જામીનગીરી કરતાં ૦.૮૫ ટકા વધારે યિલ્ડ આપે છે જે છેલ્લાં આઠ વર્ષમાં સૌથી વધુ છે. એનો મતલબ એમ કે કૉર્પોરેટને મોંઘું ફન્ડ મળે છે.
નૅશનલ સ્મોલ સેવિંગ્સ ફન્ડમાંથી સરકાર નાણાં એકત્ર કરી બજેટની ખાધ છુપાવે છે તેની પણ આડઅસર છે. આ સ્કીમના વ્યાજના દર બૅન્કના ફિક્સ્ડ ડિપોઝિટ કરતાં વધારે છે. એટલે લોકો એમાં રોકાણ કરી રહ્યા છે. સરકારને નાણાંની જરૂર છે એટલે વ્યાજદર ઘટાડી નથી રહી અને બૅન્કોને સસ્તું ફંડ મળતું નથી એટલે રિઝર્વ બૅન્ક ભલે ૧.૩૫ ટકા વ્યાજનો દર ઘટાડે, બજારમાં વ્યાજના દર એટલા ઘટી રહ્યા નથી.
છેલ્લે, કેન્દ્ર સરકારનો પોતાનો વ્યાજનો ખર્ચ પણ ઊંચા બોરોઇંગના કારણે વધે છે, એટલે ખાધમાં ચાલતી સરકાર ઉપર વધારે નાણાબોજ આવે છે. નાણાંની ફાળવણીની દૃષ્ટિએ નહીં પણ વધેલા ખર્ચમાં સૌથી વધુ હિસ્સો કોનો એ દૃષ્ટિએ જોઈએ તો કેન્દ્ર સરકાર સૌથી વધુ રકમ વ્યાજની ચુકવણીમાં કરશે. ૩,૪૩,૬૭૮ કરોડના વધારાના ખર્ચમાં સૌથી વધુ ૮૩,૦૯૮ રૂપિયા કે ૨૪.૧ ટકાનો હિસ્સો વ્યાજ પાછળ થવાનો છે. કેન્દ્ર સરકારની ખાધ વધી જતાં દેવું વધશે અને એટલે વ્યાજનો ખર્ચ પણ. એનો સીધો મતલબ થયો કે સરકાર પાસે નવી મિલકતનું સર્જન થાય, વધુ લોકોને રોજગારી મળે એવા રોડ, રેલ કે પોર્ટ બને એના માટે પૈસા બચશે જ નહીં.