BSEની બોનસ મીટિંગ કાલે, કૅપિટલ માર્કેટ ઇન્ડેક્સ સુધર્યો : IPO પેપર્સ ફાઇલ કરવામાં NSEએ પૂરતું હોમવર્ક કરવું પડશે, બજાજ ફિનસર્વ ટૉપ વીકલી ગેઇનર
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
શુક્રવારે માર્ચ માહિનાના છેલ્લા દિવસે BSEની આગેવાની હેઠળ નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ સૌથી વધુ 3.19 ટકા વધી 3415.75 બંધ હતો. BSEની બોનસ માટેની બોર્ડ મીટિંગ, SEBI દ્વારા એફએન્ડઓના સેટલમેન્ટ દિવસો મંગળ અથવા ગુરુવાર જ રાખવાની વિચારણાના પગલે NSEએ સેટલમેન્ટ દિવસ ગુરુવારનો યથાવત રાખ્યો એ કારણ અને સૌથી મોટું તો NSEએ પેપર્સ ફાઇલ કરતાં પહેલાં પૂરતું હોમવર્ક કરવું પડશે એવું SEBIના મૂડ પરથી જણાતું હોવાથી ઇશ્યુ આવવામાં વિલંબ થશે એવાં પરિબળોની એકત્રિત અસરે BSE 16 ટકા ઉછળી 5438 રૂપિયા થઈ ગયો હતો. 2025ની 20 જાન્યુઆરીએ બાવન સપ્તાહનો 6133 રૂપિયાનો હાઈ બન્યો હતો, એ લેવલથી હજી શૅર ૧૩ ટકા નીચે છે. NSEની વેબસાઇટ પર ઉપલબ્ધ વિગતો મુજબ શૅર પંચોતેરના પી ઈ રેશિયો પર ટ્રેડ થાય છે. મતલબ કે BSEની શૅરદીઠ કમાણી કરતાં વર્તમાન ભાવ 75 ગણો છે. ઉપરાંત છેલ્લાં 4 ક્વૉર્ટરમાં શૅર 50થી વધુના પી ઈ રેશિયો પર રહ્યો હોવાની તથા ગયા 12 મહિનામાં ભાવ દોઢસો ટકા વધ્યો હોવાની ચેતવણી પણ જોવા મળે છે. ઉપરાંત સિક્યૉરિટીઝ કૉન્ટ્રૅક્ટ્સ (રેગ્યુલેશન) 19 અને 20 મુજબ એક્સચેન્જના શૅરમાં સોદા માત્ર ફિટ અને પ્રૉપર વ્યક્તિઓ જ કરી શકે એવી લાલ અક્ષરમાં વૉર્નિંગ પણ દેખાય છે. નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ ઇન્ડેક્સ 30 દિવસમાં 1.03 ટકા ઘટ્યો, પણ એક વીકમાં 2.39 ટકા અને શુક્રવારે 3.19 ટકા વધ્યો હતો. આ ઇન્ડેક્સનો અગત્યનો હાઈ 4265 અને લો 2009 હોવાનું પણ NSE વેબસાઇટના ડેટા પરથી જણાય છે. જોકે મુખ્ય ઇન્ડેક્સો સુધારો જારી રાખવામાં નિષ્ફળ રહેતાં સેન્સેક્સ 192 પૉઇન્ટ્સ ઘટી પા ટકાના લૉસે 77,414, નિફ્ટી 0.31 ટકા ડાઉન થઈ 23,519 બંધ હતા. જોકે શુક્રવારના ઘટાડા ઉપરાંત બજારે સતત બીજા સપ્તાહે સુધારો જાળવ્યો એથી આ લોકપ્રિય આંકે સાપ્તાહિક 0.72 ટકા અને 30 દિવસમાં 4.63 ટકા તેમ જ 365 દિવસમાં 6.64 ટકાની વૃદ્ધિ નોંધાવી હતી. 21,281નાં બાવન સપ્તાહના લો ભાવથી નિફ્ટી 10.52 ટકા ઉપર તો 26,277ના એવા જ હાઈ ભાવથી 10.5 ટકા નીચે છે. જે ઇન્ડેક્સો પર એફએન્ડઓમાં સોદા થાય છે એમાં નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ દૈનિક 0.25 ટકા, સાપ્તાહિક 2.0 6 ટકા, 30 દિવસમાં 8.57 ટકા અને 365 દિવસમાં 20.29 ટકા વધી 25,074ના સ્તરે શ્રેષ્ઠ દેખાવ સાથે બંધ હતો. જોકે નિફ્ટી બૅન્ક 51,564ના સ્તરે ટકેલો હતો એમાં વીક્લી 1.92 ટકા, મન્થ્લી 6.1 ટકા અને વાર્ષિક 10.24 ટકાનો સુધારો થયો હતો. નિફ્ટી મિડ કૅપ સિલેક્ટ 0.26 ટકાના ગેઇને 11,546 બંધ હતો. આ ઇન્ડેક્સે સાપ્તાહિક 0.33 ટકા, માસિક 4.16 ટકા અને વાર્ષિક 9.73 ટકાનો લાભ જોયો હતો. નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી પ્રમાણમાં વધુ ખરાબ દેખાવ સાથે શુક્રવારે 0.63 ટકા ઘટી 63,043 બંધ હતો. 30 અને 365 દિવસની ગણતરીએ એનો સુધારો 6-7 ટકાની રેન્જમાં હતો. બાવન સપ્તાહના હાઈથી આ ઇન્ડેક્સ 19.09 ટકા નીચે છે અને એવા જ લો ભાવથી 12.19 ટકા ઉપર છે.
NSEના ઇન્ડેક્સોમાં સાપ્તાહિક ધોરણે ટૉપ ફાઇવ ગેઇનર ઇન્ડેક્સોમાં નિફ્ટી કૅપિટલ માર્કેટ્સ 2.39 ટકા બંધ 3415.75, નિફ્ટી ઇન્ડિયા ડિફેન્સ 2.34 ટકા 6393, પીએસયુ બૅન્ક ઇન્ડેક્સ 2.16 ટકા 6263, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 2.06 ટકા 25,074 અને નિફ્ટી પ્રાઇવેટ બૅન્ક ઇન્ડેક્સ 1.98 ટકા 25,733નો સમાવેશ થતો હતો. સામે પક્ષે ટૉપ 5 લૂઝિંગ ઇન્ડેક્સોમાં મીડિયા 4.69 ટકા 1475, માઇક્રોકૅપ 250 ઇન્ડેક્સ 3.15 ટકા 20,685, ટ્રાન્સપોર્ટેશન ઍન્ડ લૉજિસ્ટિક્સ ઇન્ડેક્સ 2.95 ટકા 20,212, હેલ્થકૅર 2.36 ટકા 13,681 અને ઇવી ઍન્ડ ન્યુ એજ ઑટોમોટિવ ઇન્ડેક્સ 2.34 ટકા 2665.65નાં નામો હતાં.
ADVERTISEMENT
શુક્રવારે નિફ્ટી 50નાં 29 શૅરો સાપ્તાહિક ધોરણે સુધર્યા હતા. એમાં બજાજ ફિનસર્વ, ગ્રાસિમ ઇન્ડસ્ટ્રીઝ, અલ્ટ્રાટેક સિમેન્ટ અને કોટક મહિન્દ્ર બૅન્કનો સમાવેશ થતો હતો. એથી વિરુદ્ધ ઝોમાટો, ઇન્ડસઇન્ડ બૅન્ક, સિપ્લા, મહિન્દ્ર એન્ડ મહિન્દ્ર અને ડૉ. રેડ્ડીઝ લૅબોરેટરીઝ ટોચના વિક્લી લૂઝર્સ પુરવાર થયા હતા. NSEએ ડેરિવેટિવ્ઝ કૉન્ટ્રૅક્ટ માટે સમાપ્તિનો દિવસ ગુરુવારથી સોમવાર કરવાની યોજના બનાવી હતી. જોકે ગુરુવારે મોડી રાતે સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI) દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવ્યા બાદ એક્સચેન્જને મંગળવાર અથવા ગુરુવારને સમાપ્તિ દિવસ તરીકે રાખવાનો નિર્દેશ આપવામાં આવ્યો Sના પગલે ગુરુવારને એક્સપાયરી દિવસ તરીકે યથાવત્ રખાયો હતો.
દરમ્યાન મોટા ભાગના એશિયન બજારો શુક્રવારે નીચા સ્તરે બંધ થયાં હોવા પાછળનું કારણ ઑટોમોબાઇલ આયાત પર અમેરિકાની 25 ટકાની ટૅરિફ હતી. જપાનનો નિક્કી 225 ઇન્ડેક્સ 1.8 ટકા ઘટી 37,120, દક્ષિણ કોરિયાનો કોસ્પી 1.9 ટકા તૂટી 2557 બંધ થયો હતો. હૉન્ગકૉન્ગનો હેન્ગ સેન્ગ પણ 0.65 ટકાના લૉસે 23426ના સ્તરે વિરમ્યો હતો.
સાપ્તાહિક સિતારા
બજાજ ફિનસર્વનો શૅર એક સપ્તાહમાં 8.67 ટકા વધી 2007.35 રૂપિયા બંધ રહ્યો હતો. 2024ની ૨૭ સપ્ટેમ્બરે નોંધાયેલા 2029.90 રૂપિયાના હાઈ ભાવ સામે શુક્રવારે 2022નો દૈનિક હાઈ ભાવ જોવા મળ્યો હતો. 2030 ક્રૉસ કરે તો તેજી આગળ વધશે એવી વાત ચાર્ટની ચર્ચા કરનારા લઈ આવ્યા છે. વેબસાઇટ્સ પરના ડેટા અનુસાર 2025માં 2347 રૂપિયાનો ટાર્ગેટ આપવામાં આવ્યો છે.
હિન્દુસ્તાન ઍરોનોટિક્સ વીક્લી 7.35 ટકાના ગેઇને 4177.45 રૂપિયા બંધ હતો. દૈનિક ચાર્ટ પર શૅરે ગુરુવારે જ એક અગત્યની રેઝિસ્ટન્સ લાઇન ક્રૉસ કરીને એની ઉપર ગુરુ, શુક્રવારે બંધ આપ્યો છે. સોમવારે આ લાઇન 4124ના સ્તરે છે અને જો બંધ એની ઉપર આવે તો તેજી આગળ વધવાની સંભાવના ઍનલિસ્ટોએ વ્યક્ત કરી છે. 15 ઍનલિસ્ટોના
ટાર્ગેટ પરથી ઍવરેજ ટાર્ગેટ 4818 રૂપિયાનો વ્યક્ત
કરાયો છે.
ગ્રાસિમ એક વીકમાં 5.74 ટકા સુધરી 2611 રૂપિયાના સ્તરે બંધ હતો. 2024નું 2877.75 રૂપિયાનું ટૉપ વટાવી ટ્રેન્ડલાઇન.કૉમના ઍવરેજ ટાર્ગેટ 2947ના સ્તરે પહોંચવાની શક્યતા માર્કેટના અનુભવીઓ વ્યક્ત કરે છે.
બૅન્ક ઑફ બરોડાના શૅરમાં પણ સારો કરન્ટ આવતાં સાપ્તાહિક 5.46 ટકા વધી 228 રૂપિયા બંધ રહ્યો છે. એક અગત્યની અવરોધરેખા 246.75ના સ્તરે મંગળવારે છે અને એનું લેવલ દૈનિક 0.25 રૂપિયા લેખે ઘટતું જાય છે. આ રેઝિસ્ટન્સ લાઇન શૅરને ઉપર ન જવા દે એવું અમુક ચાર્ટિસ્ટોનું માનવું છે.
શ્રી સિમેન્ટ સવાપાંચ ટકાના ગેઇને 30,502 રૂપિયા બંધ રહ્યો છે. 2021નું 32,048નું ટૉપ વટાવે એવી સંભાવના આ શૅરે નવો ફિફ્ટી ટૂ વીક હાઈ બનાવ્યો એના પરથી વ્યક્ત કરાય છે. નોમુરાએ 34 હજારના ટાર્ગેટ સાથે ખરીદવાનું રેટિંગ આપ્યું છે.
FIIની વેચવાલી ફરી શરૂ
શુક્રવારે કૅશ માર્કેટમાં એફઆઇઆઇએ 4352 કરોડ રૂપિયાની નેટ વેચવાલી કરી એની સામે સ્થાનિક સંસ્થાઓએ 7646 કરોડ રૂપિયાની નેટ લેવાલી કરી હતી.
માર્કેટ કૅપિટલાઇઝેશનમાં બે લાખ કરોડનો ઘટાડો
NSE લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન 410.87 (412.21) લાખ કરોડ રૂપિયા અને BSE લિસ્ટેડ શૅરોનું 412.88 (414.72) લાખ કરોડ રૂપિયા થતાં શુક્રવારે રોકાણકારોની સંપત્તિમાં બે લાખ કરોડ રૂપિયાનો ઘટાડો જોવા મળ્યો હતો.

