કોઈ એક એક્સચેન્જનું કામ ખોરવાય તો બીજા એક્સચેન્જ પર સોદા થઈ શકશે, કામકાજ અટકે નહીં અને રોકાણકારોને નુકસાન થાય નહીં એ માટે SEBIએ કરી વ્યવસ્થા : ૨૦૨૫ની ૧ એપ્રિલથી અમલ
પ્રતીકાત્મક તસવીર
નૅશનલ સ્ટૉક એક્સચેન્જ (NSE) અને બૉમ્બે સ્ટૉક એક્સચેન્જ (BSE) એ બન્નેમાંથી કોઈ પણ એક સ્ટૉક એક્સચેન્જમાં ત્રુટિ સર્જાય તો તેઓ એકબીજાના વિકલ્પ તરીકે કામ કરી શકે એવી મંજૂરી સિક્યૉરિટીઝ માર્કેટની નિયમનકાર સંસ્થા સિક્યૉરિટીઝ ઍન્ડ એક્સચેન્જ બોર્ડ ઑફ ઇન્ડિયા (SEBI)એ આપી છે. આ બેમાંથી કોઈ પણ એક્સચેન્જમાં સમસ્યા સર્જાવાને કારણે સોદાઓ બંધ રહે નહીં તથા રોકાણકારોને નુકસાન થાય નહીં એ દૃષ્ટિએ આ નિર્ણય લેવામાં આવ્યો છે. બન્ને એક્સચેન્જોને આને લગતી યોજના ઘડીને ૬૦ દિવસની અંદર સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર (SOP) ઘડવાનું કહેવામાં આવ્યું છે.
SEBIએ બહાર પાડેલા પરિપત્રમાં જણાવવામાં આવ્યું છે કે બન્ને એક્સચેન્જો સાથેની ચર્ચાવિચારણાના અંતે એમને એકબીજાના વિકલ્પ તરીકે કામ કરવા દેવું એવો નિર્ણય લેવાયો છે. બન્નેમાંથી જો એક એક્સચેન્જમાં ત્રુટિ સર્જાય તો બીજું એક્સચેન્જ વૈકલ્પિક વ્યવસ્થા તરીકે કામ કરી શકે એવું આયોજન હવે કરવાનું રહેશે. આ વ્યવસ્થામાં સ્ટૉક-બ્રોકર્સ, ક્લિયરિંગ કૉર્પોરેશન્સની સિસ્ટમમાં પણ આવશ્યક ફેરફાર કરવાના રહેશે એવું આ પરિપત્રમાં કહેવામાં આવ્યું છે. એનો અમલ ૨૦૨૫ની ૧ એપ્રિલથી થશે.
ADVERTISEMENT
અહીં જણાવવું રહ્યું કે સિક્યૉરિટીઝ માર્કેટમાં અખંડ અને પારદર્શક ટ્રેડિંગ ઘણું મહત્ત્વપૂર્ણ હોય છે. આથી જ એક્સચેન્જોએ બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન અને ડિઝૅસ્ટર રિકવરી સાઇટ તૈયાર રાખવાનાં હોય છે. આ જ વ્યવસ્થાના બીજા તબક્કાની કામગીરી તરીકે એક્સચેન્જોને એકબીજાના વિકલ્પ બનાવવાનું પગલું ભરવામાં આવ્યું છે. આ સિસ્ટમ કૅશ માર્કેટ, ઇક્વિટી ડેરિવેટિવ્ઝ, કરન્સી ડેરિવેટિવ્ઝ અને ઇન્ટરેસ્ટ રેટ ડેરિવેટિવ્ઝ સેગમેન્ટ માટે કરવાની રહેશે.
જે એક્સચેન્જમાં ત્રુટિ સર્જાઈ હશે એણે એ ઘટનાની ૭૫ મિનિટની અંદર વૈકલ્પિક એક્સચેન્જ તથા SEBIને જાણ કરવાની રહેશે, જેથી બિઝનેસ કન્ટિન્યુટી મેકૅનિઝમ સક્રિય કરી શકાય. આ જાણ થયાની ૧૫ મિનિટમાં વૈકલ્પિક એક્સચેન્જે પહેલેથી નક્કી થયેલી સ્ટાન્ડર્ડ ઑપરેટિંગ પ્રોસીજર મુજબ બિઝનેસ કન્ટિન્યુટી પ્લાન સક્રિય કરવો પડશે.
કોઈ એક એક્સચેન્જમાં ખામી સર્જાય ત્યારે રોકાણકારો સિંગલ સ્ટૉક ડેરિવેટિવ્ઝ અને ઇન્ડેક્સ ડેરિવેટિવ્ઝ જેવી એકસમાન અથવા પરસ્પર સંબંધ ધરાવતી પ્રોડક્ટ્સમાં પોતાની પોઝિશનનું હેજિંગ વૈકલ્પિક એક્સચેન્જ પર કરી શકશે. આવી પોઝિશન માટેના માર્જિનનું નેટિંગ ઑફ કરવામાં આવશે. એક જ એક્સચેન્જ પર લિસ્ટ થયેલી સિક્યૉરિટીઝ બાબતે બીજું એક્સચેન્જ રિઝર્વ કૉન્ટ્રૅક્ટ બનાવશે જેથી કામકાજ અટકે નહીં.