ઇક્સિગોના શૅરોનું લિસ્ટિંગ: ઇશ્યુ ભાવથી ૭૮ ટકા વધીને બંધ
માર્કેટ મૂડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ત્રણ દિવસની રજાઓ પછીના ટૂંકા સપ્તાહમાં બજારમાં તેજીની ગાડી આગળ વધી હતી. મંગળવારે નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ ઇન્ડેક્સના સાપ્તાહિક ઑપ્શન્સનો છેલ્લો દિવસ હતો એથી બૅન્કિંગ અને ફાઇનૅન્સના બન્ને મુખ્ય ઇન્ડેક્સમાં પોણા ટકાથી વધુનો સુધારો જોવા મળ્યો હતો. નાણાપ્રધાને રાજ્યોના નાણાપ્રધાનો અને ઉદ્યોગના પ્રતિનિધિઓ સાથે પ્રી-બજેટ કન્સલ્ટેશન શરૂ કરી દીધું હોવાના અને એના આધારે એક બ્રીફ 18-19મી સુધીમાં નાણાસચિવ તૈયાર કરશે એવા અહેવાલો હતા. બજાર બંધ થયા પછી આવેલા ડાયરેક્ટ ટૅક્સના કલેક્શનના આંકડાઓ પ્રોત્સાહક રહ્યા છે. 17 જૂન સુધીમાં ગયા વર્ષના સમાન ગાળાની તુલનાએ 21 ટકા વધી 4,62,664 કરોડ રૂપિયા પ્રત્યક્ષ કરવેરા પેટે મળ્યા છે. આ આંકડાઓની બજારના સેન્ટિમેન્ટ પર સારી અસર થવાની વકી છે. દરમ્યાન મંગળવારે સેબીના અધિકારીઓને તૃણમૂલ કૉન્ગ્રેસની આગેવાનીમાં વિરોધ પક્ષના કેટલાક પ્રતિનિધિઓ મળ્યા હતા અને તેમણે એક્ઝિટ પોલ અને એ પછી બજારમાં થયેલી ભારે ઊથલપાથલની સંપૂર્ણ તપાસ કરવાની અને કસૂરવારો સામે પગલાં લેવાની માગણી કરી હતી. જોકે બજાર તેમની આ મુલાકાતને અવગણીને પોતાની ચાલે ચાલતું રહ્યું હતું. બૅન્ક નિફ્ટી 0.88 ટકા, 439 પૉઇન્ટ્સ વધી 50441 બંધ રહ્યો હતો. આ ઇન્ડેક્સના 12માંથી 11 શૅરો સુધર્યાં હતા. બૅન્ક નિફ્ટીની વિક્લી ઑપ્શન્સ એક્સપાયરી આજે બુધવારે છે. આ ઇન્ડેક્સમાં સૌથી વધુ આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક 4.32 ટકા વધી 81.37 રૂપિયા થઈ ગયો હતો. બંધન બૅન્ક બે ટકા વધી 198 રૂપિયા, ICICI બૅન્ક 1.82 ટકા વધી 1125 રૂપિયા, ઍક્સિસ અને સ્ટેટ બૅન્ક પોણો-પોણો ટકો સુધરી અનુક્રમે 1190 અને 845 રૂપિયાના સ્તરે બંધ રહ્યા હતા. નિફ્ટી ફાઇનૅન્શિયલ સર્વિસિસ 0.77 ટકા વધી 22585 રૂપિયા થયો હતો. આ ઇન્ડેક્સમાં આઇડીએફસી સવાપાંચ ટકા ઊછળી 121 રૂપિયા પર પહોંચી ગયો હતો. શ્રીરામ ફાઇનૅન્સ સવાત્રણ ટકા વધી 2820 રૂપિયા અને એલઆઇસી હાઉર્સિગ ફાઇનૅન્સ 2.30 ટકા અપ થઈ 748.5 રૂપિયા રહ્યા હતા. આ ઇન્ડેક્સના 20માંથી 13 શૅરો વધ્યા હતા. જોકે આઇસીઆઇસીઆઇ પ્રુડેન્શિયલ સવા ટકો ઘટી 606 રૂપિયા અને મુથૂટ 1 ટકો ડાઉન થઈ 1751 રૂપિયા બંધ હતો.
આ શૅરોમાં સમાચારની બજારમાં આવી અસર
ADVERTISEMENT
ગ્લેન્ડ ફાર્મા 1847 રૂપિયામાં ચીનના ઇન્વેસ્ટર્સ પોતાનો સ્ટેક વેચવા પ્લાનિંગ કરી રહ્યા હોવાની બજારમાં હવા હતી. ભાવ પર નેગેટિવ અસર થઈ શકે છે. રિલાયન્સ તરફથી 350 કરોડ રૂપિયા પ્લસનો ઑર્ડર મળ્યાના સમાચારે જેએનકે ઇન્ડિયા 20 ટકાની સર્કિટે બાવન સપ્તાહની ટોચે 814.50 રૂપિયા બંધ રહ્યો હતો.
ગેલન્ટ ઇસ્પાતને રાજસ્થાનમાં આયર્નઓર બ્લૉક ફાળવાયાની જાહેરાતે ભાવ પાંચ ટકાની ઉપલી સર્કિટે 333.25 રૂપિયા બંધ રહ્યો હતો. આ શૅર એએસએમ એલટી સ્ટેજ 4 સર્વિલન્સ અને કમ્પલસરી ડિલિવરી હેઠળ છે.
વોડાફોન પીએલસી ઇન્ડ્સ ટાવરમાં 9.9 ટકા સ્ટેક વેચી નવ હજાર કરોડ રૂપિયા ઊભા કરવાની તૈયારીમાં હોવાની વાતે ઇન્ડસ ટાવર 1 ટકો સુધરી 344 રૂપિયા તો વોડાફોન આઇડિયા પણ પોણો ટકો સુધરી 16.86 રૂપિયા રહ્યો હતો. કલ્યાણી ફોર્જ 62 ટકા ડિલિવરી વૉલ્યુમે 552.60 રૂપિયાની 20 ટકાની ઉપલી સર્કિટે બંધ રહ્યો હતો. 567.30 રૂપિયાનો ઑલટાઇમ હાઈ ભાવ છે.
પારસ ડિફેન્સ મંગળવારે પણ 20 ટકાની ઉપલી સર્કિટે 1388.25 રૂપિયા બંધ રહ્યો હતો. શૅર એએસએમ એલટી સ્ટેજ 1 સર્વિલન્સ હેઠળ આવી ગયો છે.
ઇક્સિગોના શૅરોનું ગઈ કાલે લિસ્ટિંગ થયું હતું. લે ટ્રાવેન્યુસ ટેક્નૉલૉજી કંપની ટ્રાવેલ બુકિંગ પ્લૅટફૉર્મ ઇક્સિગો ચલાવે છે. 93 રૂપિયાની પ્રાઇસે શૅરો ફાળવાયા હતા, એની સામે 78.19 ટકા ઊછળીને એનએસઈ ખાતે ભાવ 165.72 રૂપિયા બંધ રહ્યો હતો. ક્વિકહીલ 5817570 શૅરોના 490 રૂપિયાના ભાવે થયેલા બ્લૉક ડીલ પછી 11 ટકા સુધરી 523 રૂપિયા બંધ રહ્યો હતો. એએસએમ એલટી સ્ટેજ 1 હેઠળ છે. ડિલિવરી પ્રમાણ 99 ટકાનું હતું.
નિફ્ટી નેક્સ્ટ 50ના આ બે શૅરો ૬ ટકા અપ
નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટી ઇન્ડેક્સ 0.63 ટકા વધી 72345 બંધ રહ્યો હતો. ચોથી જૂને આ ઇન્ડેક્સ 60663ના બૉટમે હતો. મંગળવારે 72414નો નવો રેકૉર્ડ હાઈ બનાવ્યો હતો. આ ઇન્ડેક્સનો પ્રતિનિધિ હિન્દુસ્તાન ઍરોનૉટિક્સ ભારત સરકાર તરફથી મોટો ઑર્ડર મળ્યાના સમાચારે 6.33 ટકા ઊછળી 5530 રૂપિયા બંધ રહ્યો એ પૂર્વે ઇન્ટ્રા-ડેમાં 5567નો રેકૉર્ડ હાઈ કર્યો હતો. એવો જ ઉછાળો આજે ડી-માર્ટે પણ દેખાડ્યો હતો. 5080નો નવો ઑલટાઇમ હાઈ બનાવી છેલ્લે 6.22 ટકા વધી 5035 રૂપિયા બંધ રહ્યો હતો. સંવર્ધન મધરસન અને બૉશ ત્રણથી સાડાત્રણ ટકા વધી 180 રૂપિયા અને 33396 રૂપિયા બંધ રહ્યા હતા. ભારત ઇલેક્ટ્રૉનિક્સ પણ પોણાત્રણ ટકા પ્લસ થઈ 318 રહ્યો હતો. સામે પક્ષે જોકે ઝાયડ્સ લાઇફ અઢી ટકા તૂટી 1081 રૂપિયા અને જિંદાલ સ્ટીલ પોણાબે ટકા ઘટી 1034 રૂપિયા થઈ ગયા હતા. નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સના 50માંથી 29 શૅરો વધ્યા હતા.
નિફ્ટી મિડકૅપ સિલેક્ટ ઇન્ડેક્સ પણ અડધો ટકો સુધરી 12115 બંધ રહ્યો હતો. 25માંથી 18 શૅરો વધ્યા હતા. એમાં જ્યુબિલન્ટ ફૂડ સાડાત્રણ ટકા વધી 550 રૂપિયા, ગોદરેજ પ્રૉપર્ટીઝ 2.75 ટકા પ્લસ રહી 3081 રૂપિયા અને અઢી ટકાના સુધારા સાથે વૉલ્ટાસ 1535 રૂપિયા બંધ હતા. આ ઇન્ડેક્સનો ઑરોબિંદો ફાર્મા દોઢ ટકો ઘટીને 1240 રૂપિયા બંધ રહ્યો હતો. નિફ્ટીએ સતત ચોથા દિવસે ઇન્ટ્રા-ડેમાં નવો 23579નો ઑલટાઇમ હાઈ બનાવ્યો હતો. આ ઇન્ડેક્સ 0.39 ટકા, 92 પૉઇન્ટ્સ સુધરી 23558 રહ્યો હતો. 50માંથી 34 શૅરો સુધર્યા હતા. વિપ્રો, શ્રીરામ ફાઇનૅન્સ અને પાવરગ્રિડ 3-3 ટકા સુધરી અનુક્રમે 491, 2820 અને 331 રૂપિયા બંધ હતા. સેન્સેક્સ 0.40 ટકા સુધરી 77301 અને બૅન્કેક્સ 0.83 ટકા વધી 57339 બંધ રહ્યા હતા. સેન્સેક્સમાં પાવરગ્રિડ 3.17 ટકા વધી 332 રૂપિયા રહ્યો હતો. 30માંથી 22 શૅરો સુધર્યા હતા. બીએસઈ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કૅપિટલાઇઝેશન 437 લાખ કરોડ રૂપિયે પહોંચતાં મંગળવારે ઇન્વેસ્ટર્સની વેલ્થમાં 2 લાખ કરોડ રૂપિયાનો વધારો થયો હતો.
સેક્ટોરલ ઇન્ડાઇસિસમાંથી રિયલ્ટી બે ટકા, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ દોઢ ટકો અને બૅન્ક નિફ્ટી 1 ટકો સુધર્યા હતા એથી વિપરિત હેલ્થકૅર 0.6 ટકા અને ફાર્મા તેમ જ મેટલ બન્ને 0.4 ટકા ઘટ્યા હતા.
DII, FII બન્નેની વધુ નેટ લેવાલી
મંગળવારે કૅશ સેગમેન્ટમાં ડીઆઇઆઇની નેટ 1555.73 કરોડ રૂપિયાની અને એફઆઇઆઇની નેટ 2569.40 કરોડ રૂપિયાની લેવાલી રહી હતી.
ઍડ્વાન્સ-ડિક્લાઇન રેશિયો ઓકે
એનએસઈ ખાતે 2806 ટ્રેડેડ શૅરોમાંથી 1524 વધ્યા, 1207 ઘટ્યા અને 75 યથાવત્ રહ્યા હતા. 282 શૅરો 52 સપ્તાહની ટોચે તો 8 શૅરો આવી બૉટમે પહોંચ્યા હતા. 181 શૅરો ઉપલી અને 48 શૅરો નીચલી સર્કિટે હતા.