નોંધનીય છે કે આજની તારીખે અમેરિકાનું કરજ ૩૬.૨ ટ્રિલ્યન ડૉલર છે. લૅરી ફિંકે પોતાના વિચારો શૅરધારકોને લખેલા આ વર્ષના પત્રમાં વ્યક્ત કર્યા છે.
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
વૈશ્વિક સ્તરની ઍસેટ મૅનેજમેન્ટ કંપની બ્લૅકરૉકના સીઈઓ લૅરી ફિંકનું કહેવું છે કે અમેરિકામાં રાષ્ટ્રીય કરજ એટલું બધું વધી રહ્યું છે કે એક સમયે વૈશ્વિક રિઝર્વ કરન્સી તરીકેનું ડૉલરનું સ્થાન જોખમમાં આવી જશે અને બિટકૉઇન જેવી ડિસેન્ટ્રલાઇઝ્ડ ઍસેટ ડૉલરનું સ્થાન લઈ લે એવી શક્યતા છે. લૅરી અને અમેરિકન ઇન્વેસ્ટમેન્ટ મૅનેજમેન્ટ કંપની બ્રિજવૉટરના રૅ ડેલિઓએ સંયુક્તપણે એ ચેતવણી ઉચ્ચારી છે કે જો અમેરિકા પોતાનું કરજ અમર્યાદ રીતે વધવા દેશે તો શક્ય છે કે વિશ્વના લોકોને ડૉલરમાં જે વિશ્વાસ છે એ ઊઠી જશે અને આર્થિક અસ્થિરતા આવશે જેને પગલે વૈકલ્પિક નાણાકીય વ્યવસ્થા અસ્તિત્વમાં આવી શકે છે. નોંધનીય છે કે આજની તારીખે અમેરિકાનું કરજ ૩૬.૨ ટ્રિલ્યન ડૉલર છે. લૅરી ફિંકે પોતાના વિચારો શૅરધારકોને લખેલા આ વર્ષના પત્રમાં વ્યક્ત કર્યા છે.
દરમ્યાન, વૈશ્વિક ક્રિપ્ટોકરન્સી માર્કેટમાં બુધવારે મિશ્ર વલણ જોવા મળ્યું હતું. બિટકૉઇનમાં ૦.૮૬ ટકા વૃદ્ધિ સાથે ભાવ ૮૪,૯૮૯ ડૉલર થયો હતો. ઇથેરિયમમાં ૦.૦૫ ટકા ઘટાડો થયો હતો, જ્યારે એક્સઆરપી ૧.૬૭ ટકા ઘટ્યો હતો. માર્કેટ કૅપિટલાઇઝેશન પણ ૦.૦૯ ટકાની મામૂલી વૃદ્ધિ સાથે ૨.૭૩ ટ્રિલ્યન ડૉલર હતું.

