સામાન્ય વપરાશની ૨૦૦ જેટલી ચીજવસ્તુઓ અને સેવાઓનો વૈશ્વિક ભાવવધારો ૭.૪ ટકા જેટલો ઊંચો છે એટલે ભાવવધારાની સમસ્યા હળવી બને એ પહેલાં વિશ્વ લાંબી મઝલ કાપવાની છે, એમ કહી શકાય.
આર્થિક પ્રવાહ
પ્રતીકાત્મક તસવીર
ગયું અઠવાડિયું અનેક ક્ષેત્રના પૉઝિટિવ સમાચારોને કારણે ભારત માટે યાદગાર અને ઘટનાપૂર્ણ (ઇવેન્ટ ફુલ) બની રહ્યું. સપ્ટેમ્બર ક્વૉર્ટરના આર્થિક વિકાસના અપેક્ષા કરતાં ઊંચા ૭.૬ ટકાના આર્થિક વિકાસના દરે વિશ્વની વિપરીત આર્થિક પરિસ્થિતિ વચ્ચે ફરી એક વાર ભારતની તાકાત અને સ્થિતિસ્થાપકતા દર્શાવી.એસઍન્ડપી ગ્લોબલ રિસર્ચે ચાલુ વર્ષના આર્થિક વિકાસના દરનો અંદાજ વધારીને ૬.૪ ટકા કર્યો.
આર્થિક ક્ષેત્રના અન્ય મહત્ત્વના સમાચાર
૧. વિક્રમ માર્કેટ કૅપિટલાઇઝેશન (૪૦૦૦ બિલ્યન ડૉલર)
૨ નવેમ્બર મહિને જીએસટીની આવકમાં ૧૫ ટકાનો વધારો (રૂપિયા ૧.૬૮ લાખ કરોડ)
૩. કોર સેક્ટર (આઠ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઇન્ડસ્ટ્રી) ઇન્ડેક્સમાં ઑક્ટોબર મહિને ૧૨ ટકાનો વધારો
૪. ચાલુ વર્ષે સબસિડીના અંદાજિત ખર્ચમાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયાના જંગી વધારા પછી પણ વર્ષના પ્રથમ સાત મહિનામાં ફિસ્કલ ડેફિસિટનું નીચું પ્રમાણ (૪૫ ટકા) અને
૫. તાતા ટેક્નૉલૉજીના લિસ્ટિંગે પ્રથમ દિવસે શૅરબજારમાં સ્થાપેલ વિક્રમ
૬. વિદેશી હૂંડિયામણ વધીને ૬૦૦ બિલ્યન ડૉલરની નજીક પહોંચ્યું (૫૯૮ બિલ્યન ડૉલર).
ADVERTISEMENT
આર્થિક ક્ષેત્રે અસર કરે એવા અને આવતા વર્ષની લોકસભાની ચૂંટણીઓ માટે સેમી ફાઇનલ ગણી શકાય એવાં ચાર રાજ્યોની વિધાનસભાઓની ચૂંટણીનાં પરિણામો આ લખાય છે ત્યારે (ડિસેમ્બર ૩) જાહેર કરાયાં છે. મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ બીજેપીએ સર કર્યાં છે તો તેલંગણ કૉન્ગ્રેસે સર કર્યું છે. મિઝોરમનાં પરિણામો આજે જાહેર કરાશે.આ બધા ઉત્સાહ અને ઉમંગ વચ્ચે એસઍન્ડપી ગ્લોબલ કૉમૉડિટીની ચેતવણીને ધ્યાનમાં રાખવી પડે. સુપર અલ નીનોની અસરને લીધે વરસાદની તરેહ બદલાય અને શિયાળો સૂકો રહે તો ઘઉંના પાક પર એની માઠી અસર થાય.ઇઝરાયલ અને હમાસ સંગઠન વચ્ચે કામચલાઉ યુદ્ધવિરામને લંબાવવાના સમાચાર વચ્ચે ઇઝરાયલે ફરી એક વાર હમાસ પરના હુમલા શરૂ કર્યા છે. હમાસ સંગઠનના ગાઝાના ૧૬ વર્ષના શાસનને ખતમ કરવા માટે ઇઝરાયલ કટિબદ્ધ છે. આ પરિસ્થિતિમાં આપણા આર્થિક વિકાસનો દર ધીમો પડી શકે.
ચીનની માઠી દશામાં સુધારાનાં કોઈ ચિહ્નો નજરે પડતાં નથી ઃ નવેમ્બર મહિને ઉત્પાદન માટેનો પીએમઆઇ સળંગ બીજે મહિને સંકોચાયો છે તો સેવાના ક્ષેત્રના પીએમઆઇમાં ચાલુ વર્ષે નવેમ્બર મહિને પહેલો ઘટાડો નોંધાયો છે. અમેરિકાને પછાડીને વિશ્વના નેતા (સુપરપાવર) બનવાની ચીનની ખ્વાહિશ એ નવી વાત નથી, એની પાછળનું કારણ ચીનની આંતરિક નબળાઈઓને છાવરવાનું અને ચીની પ્રજાનું ધ્યાન બીજે ખેંચવાનું પણ હોઈ શકે.દરમ્યાન ૨૦૨૩ના ત્રીજા ક્વૉર્ટર (જુલાઈ-સપ્ટેમ્બર)માં અમેરિકાનો સુધારેલ આર્થિક વિકાસનો ૫.૨ ટકાનો દર બે વર્ષનો સૌથી ઊંચો છે. ભાવવધારો અટકાવવા માટે ફેડરલ રિઝર્વે હવે વ્યાજના દર વધારવાની જરૂર નથી તો પણ હજી ફેડ આ વાતની જાહેરમાં કબૂલાત કરતા અચકાય છે. એટલું જ નહીં, એ ઘટાડવા બાબતે તો ચર્ચા કરવા પણ તૈયાર નથી. એટલે કોઈ પણ સંજોગોમાં શબ્દોમાં આ ઘટાડો ૨૦૨૪ પહેલાં શક્ય નહીં બને. જર્મનીની ખરાબ આર્થિક પરિસ્થિતિ વચ્ચે નવેમ્બરમાં બેરોજગારીનો ૫.૯ ટકાનો દર છેલ્લાં અઢી વર્ષનો સૌથી ઊંચો છે.
સામાન્ય વપરાશની ૨૦૦ જેટલી ચીજવસ્તુઓ અને સેવાઓનો વૈશ્વિક ભાવવધારો ૭.૪ ટકા જેટલો ઊંચો છે એટલે ભાવવધારાની સમસ્યા હળવી બને એ પહેલાં વિશ્વ લાંબી મઝલ કાપવાની છે, એમ કહી શકાય.યુએન દ્વારા અત્યાર સુધીના ઇતિહાસમાં ૨૦૨૩ના વર્ષને સૌથી વધુ ગરમ વર્ષ તરીકે જાહેર કરાયું છે. પર્યાવરણની જાળવણી માટે ચર્ચાવિચારણા કરવા મળેલ વિશ્વના નેતાઓ માટે આ એક ગંભીર ચેતવણી છે.
આર્થિક વિકાસનો દર ધીમો પડવાની સંભાવના નકારી શકાય એમ નથી
આપણા આર્થિક વિકાસની આગેકૂચ જારી છે. દર બીજા ક્વૉર્ટરે ધારણા કરતાં આ દર વધુ રહે છે, જેને માટે વિશ્વભરમાંથી ભારતની તારીફ થઈ રહી છે. આ વર્ષે સપ્ટેમ્બર ક્વૉર્ટરનો દર ગયા વર્ષ કરતાં ઘણો ઊંચો છે (૬.૩ ટકા સામે ૭.૬ ટકા). ઉત્પાદન ક્ષેત્ર, માઇનિંગ અને બાંધકામની પ્રવૃત્તિઓના વધારાનો દર ડબલ ડિજિટમાં (બેઝ ઇફેક્ટને કારણે) રહ્યો. કૃષિ ક્ષેત્રનો દેખાવ ગયા વર્ષ કરતાં અડધો રહ્યો છે (ગયા વર્ષના ૨.૫ ટકા સામે ૧.૨ ટકા). જાહેર અને ખાનગી ક્ષેત્રના મૂડીરોકાણના દર અને જાહેર ક્ષેત્રના ખર્ચનો વધારો પણ ડબલ ડિજિટમાં છે. ઘરેલું વપરાશ ખર્ચમાં નજીવો જ વધારો થયો છે તો ખાનગી મૂડીરોકાણ વધ્યું છે. ચાલુ વર્ષના પૂર્વાર્ધમાં ૭.૭ ટકાના સરેરાશ દરને કારણે ઉત્તરાર્ધ (ઑક્ટોબર ૨૦૨૩-માર્ચ ૨૦૨૪)માં આ દર ૫.૩ ટકા જેટલો ધીમો પડે તો પણ ચાલુ વર્ષે આર્થિક વિકાસના દરનું રિઝર્વ બૅન્ક અને નાણાં મંત્રાલયનું ૬.૫ ટકાનું લક્ષ્યાંક રમતવાતમાં સિદ્ધ થવાનું. નવેમ્બર મહિને ઉત્પાદન માટેનો ઊંચા લેવલનો પીએમઆઇ (૫૬) સપ્ટેમ્બર ક્વૉર્ટરનું મોમેન્ટમ ડિસેમ્બર ક્વૉર્ટરમાં પણ જળવાઈ રહેવાની સંભાવના દર્શાવે છે. નવેમ્બર મહિને ઇન્પુટ કૉસ્ટ ૪૦ મહિનાની નીચી રહી છે.આઇએમએફના એક અંદાજ પ્રમાણે અમેરિકા, ચીન, જપાન, ફ્રાન્સ, ઇન્ડોનેશિયા, યુકે અને જર્મનીના આર્થિક વિકાસના દર ભારત કરતાં નીચા રહેવાના સમાચાર વચ્ચે સપ્ટેમ્બર ક્વૉર્ટરના આંકડા એક નવી આશા ઊભી કરે છે. આ સાથે ભારતે વિશ્વના સૌથી ઝડપી આર્થિક વિકાસવાળા દેશનું બિરુદ જાળવી રાખ્યું છે.
વૈશ્વિક અર્થતંત્રના સ્લોડાઉનને કારણે વ્યાજના ઊંચા દરની પૂરી અસર મૂડીરોકાણ પર હવે દેખાઈ શકવાને કારણે અને અનિયમિત હવામાન તથા અલ નીનોની અસરને કારણે વર્ષના ઉત્તરાર્ધમાં વિકાસના દરને આંચકો લાગવાની સંભાવના રિઝર્વ બૅન્કે પણ વ્યક્ત કરી છે.
ખાનગી વપરાશ ખર્ચનો ધીમો વધારો ચિંતાજનક
છેલ્લાં ચાર ક્વૉર્ટરથી ખાનગી વપરાશ ખર્ચનો વધારો જીડીપી કરતાં ઓછો રહ્યો છે. એમાંનાં ત્રણ ક્વૉર્ટરમાં તો એ જીડીપીના વધારાના દર કરતાં અડધાથી પણ ઓછો હતો. સપ્ટેમ્બર ક્વૉર્ટરમાં જીડીપીના ૭.૬ ટકાના દર સામે ખાનગી વપરાશ ખર્ચનો ૩.૧ ટકાનો દર. ખાનગી વપરાશ ખર્ચનો ફાળો કુલ જીડીપીમાં ૫૫થી ૬૦ ટકાનો છે એટલે આ ધીમો દર આપણા આર્થિક વિકાસના દરને ધીમો પાડી દે છે.
ખાનગી વપરાશ ખર્ચ વધારવાની વાત બધા રાજકીય પક્ષોના એજન્ડા પર છે
જુદા-જુદા રાજકીય પક્ષોના આદર્શો જુદા-જુદા હોય એમ છતાં ખાનગી વપરાશ ખર્ચ વધારવાની વાત બધા રાજકીય પક્ષોના એજન્ડા પર છે. એમ કરવાથી એક પંથ દો કાજ થાય.
૧. આર્થિક વિકાસનો દર વધે. ૨. પોતાની વોટબૅન્ક મજબૂત થાય. રાજકીય પક્ષો આ માટે દર મહિને મહિલાઓનાં ખાતાંમાં ચોક્કસ રકમ ટ્રાન્સફર કરવાનું પણ વિચારે છે. આવી પૉલિસી અપનાવવી એ ડહાપણ છે કે નહીં એ આદર્શવાદ આને ચિંતા છોડીને રાજકીય પક્ષો તેમને સીધો લાભ થાય એવાં પગલાં ભરે છે.
નવેમ્બરમાં વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોનું બૉન્ડનું રોકાણ ૨૬ મહિનાનું સૌથી વધુ
જેપી મૉર્ગન દ્વારા ઇમર્જિંગ માર્કેટ માટેના ગ્લોબલ બૉન્ડ ઇન્ડેક્સમાં ભારતનો સમાવેશ કરાતાં અને ફેડરલ દ્વારા વ્યાજના દર હવે ટોચ પર પહોંચ્યા હોવાથી (હવે એ વધારવાની સંભાવના ઓછી જણાતાં) વિદેશી પોર્ટફોલિયો મૂડીરોકાણકારોએ નવેમ્બર મહિને (૨૪ તારીખ સુધી) ભારતના બૉન્ડમાં કરેલ મૂડીરોકાણ (૧૨,૪૦૦ કરોડ રૂપિયા) ૨૬ મહિનાનું સૌથી વધુ છે, જે ચાલુ નાણાકીય વર્ષે કરાયેલ આવા મૂડીરોકાણના ૨૮ ટકા જેટલું મોટું છે.ભારતીય બૉન્ડમાં આ ઇન્ફલો ચાલુ રહેવાની સંભાવના વધુ છે અને એના આઉટફ્લોની સંભાવના ઓછી છે, કારણ? દસ વર્ષના અમેરિકન બૉન્ડ પરનો વ્યાજનો દર છેલ્લા એક મહિનામાં નજીવો ઘટીને ૪.૫ ટકા જેટલો થયો છે. જ્યારે ભારત સરકારના દસ વરસના બૉન્ડ પરના રેટમાં ૧.૫ ટકાના ઘટાડા પછી પણ એ દર ૭.૩ ટકા જેટલો ઊંચો છે. પરિણામે વિદેશી મૂડીરોકાણકારોનું ભારતીય બૉન્ડમાંનું રોકાણ વધતું રહેવાનું. નૉન-ઇન્ડેક્સ ફંડોનું રોકાણ પણ વધતું રહેવાનું. આ રોકાણ વધવાનું મુખ્ય કારણ એ છે કે હવે ભવિષ્યમાં ભારતીય બૉન્ડની ડિમાન્ડ અને ભાવ વધતાં એના પરનું વળતર ઘટવાની સંભાવના છે એટલે અત્યારે સમયસર આવું રોકાણ કરીને નૉન-ઇન્ડેક્સ ફંડો મોટો ફાયદો અંકે કરી લેવાની ગોઠવણ કરતા હોય એમ બને.
યુએનની ક્લાઇમેટ ચેન્જ માટેની દુબઈ કૉન્ફરન્સમાં મોદી છવાયા
અગાઉની ક્લાઇમેટ ચેન્જ માટેની કૉન્ફરન્સોમાં અમેરિકા જેવા વિકસિત દેશો વિકસતા અને ગરીબ દેશોમાં પર્યાવરણની જાળવણી માટે નાણાં ફાળવવાની માત્ર વાતો કરીને કોઈ પણ જાતની નક્કર કમિટમેન્ટ વિના છુટા પડી જતા હતા.હાલમાં દુબઈમાં ચાલી રહેલ કૉન્ફરન્સ - કમિટી ઑફ ધ પાર્ટીસ (COP-28) વિકસતા અને ઓછી આવકવાળા દેશોને સહાય માટે નવું ભંડોળ પૂરું પાડવાની બાબતે પ્રથમ દિવસે જ વિકસિત દેશો વચ્ચે સહમતી સધાઈ છે. એટલું જ નહીં, અમેરિકા અને કેટલાક યુરોપિયન દેશોએ આ ફંડ ઊભું કરવા માટે તેમના ફાળાની રકમ પણ જાહેર કરી છે.પર્યાવરણની જાળવણી અર્થે યોજાયેલ આ કૉન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ કૉન્ફરન્સનો ૩૩મો રાઉન્ડ ૨૦૨૮માં ભારતમાં યોજવાની ઓફર આપી છે. તેમણે વિશ્વના નેતાઓને ભારતે તાજેતરમાં લોન્ચ કરેલ ગ્રીન ક્રેડિટ ઇનેશ્યિટિવને અપનાવવાની હાકલ પણ કરી છે. છેલ્લે ભારતે ૨૦૦૨માં યુએનની ક્લાઇમેટ ચેન્જ કૉન્ફરન્સની આઠમી બેઠકનું આયોજન કર્યું હતું.
હકીકતમાં આ કૉન્ફરન્સની ઓપનિંગ બેઠકમાં કૉન્ફરન્સના પ્રમુખ અને યુએનના પ્રતિનિધિઓ સાથે કૉન્ફરન્સમાં ભાગ લેનાર દેશોના વડાઓમાંથી માત્ર અને માત્ર નરેન્દ્ર મોદી જ મંચ પર હતા, જે ભારત અને યુએઈના ઘનિષ્ઠ સંબંધોનું જ નહીં, પણ પર્યાવરણની જાળવણી બાબતે ભારતના વધતા જતા પ્રભાવનું અને કદનું પ્રતીક છે. ભારતે તેના G20ના પ્રમુખપદ દરમ્યાન સમિટને અંતે પ્રસિદ્ધ કરાયેલ ડિક્લેરેશનમાં વિશ્વમાં એનર્જીની ઉત્પાદન ક્ષમતા ૨૦૩૦ સુધીમાં ત્રણ ગણી કરવાની વાતના સમાવેશની કદરરૂપે પણ આ સન્માન હોઈ શકે.