રૂપિયામાં સુધારો : બુધવારની ફેડની બેઠક અને ક્રેડિટ સુઈસ પર બજારની નજર
કરન્સી કૉર્નર
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
અમેરિકામાં સિલિકૉન વૅલી, સિગ્નેચર બૅન્ક ડૂબ્યા પછી ક્રેડિટ સ્વિસ પર નાદારીનાં જોખમો તોળાતાં કરન્સી બજારોમાં હડકંપ મચી ગયો છે. બૅન્કિંગ પ્રણાલીમાં વિશ્વાસની કટોકટી સર્જાતાં બીટકૉઇન અને બુલિયનમાં તોફાની તેજી થઈ છે. ડૉલર તૂટ્યો છે. યેન, યુઆન, કોરિયા વોન અને રૂપિયો સુધર્યા છે. પૅનિકનો સૌથી મોટો લાભ બીટકૉઇનને મળ્યો છે. બીટકૉઇન ૩ સેશનમાં ૫૦૦૦ ડૉલર વધીને ૨૭,૦૦૦ ડૉલર થઈ ગયો છે. પરંપરાગત સેફહેવન સોના-ચાંદી ૭-૧૦ ટકા વધ્યાં છે. શુક્રવારે સોનું એક દિવસમાં ૭૦ ડૉલર વધ્યું હતું.
સિલિકૉન વૅલી બૅન્કના ધબડકા પછી અન્ય પ્રાદેશિક બૅન્કો પણ સંકટમાં આવતાં અમેરિકન સરકાર હરકતમાં આવી ગઈ છે. ગોલ્ડમેન સાશ, જેપી મૉર્ગન જેવી મોટી બૅન્કોએ નાની બૅન્કોને ૩૦ અબજ ડૉલર જેવી સહાય ૧૨૦ દિવસ માટે આપવી એવી ડીલ થઈ છે. અમેરિકી પ્રમુખ બાઇડેનની ટીમ વિખ્યાત ઇન્વેસ્ટર વૉરન બફેટ સાથે સંપર્કમાં છે. વૉરન બફેટની કંપની બર્કશાયર કદાચ મોટી બૅન્કોના શૅરો ખરીદશે, ભૂતકાળમાં પણ બફેટ બૅન્કોની વહારે આવ્યા હતા.
ADVERTISEMENT
દરમ્યાન બજારનું ફોકસ વીક-એન્ડમાં ક્રેડિટ સુઈસ ક્રાઇસિસ અને બુધવારની ફેડ-મીટ પર છે. સ્વિટ્ઝરલૅન્ડની બીજા નંબરની મોટી બૅન્ક ગંભીર સંકટમાં છે અને પ્રથમ ક્રમની સ્વિસ બૅન્ક યુબીએસ વચ્ચે મર્જરના પ્રયાસ ચાલે છે. ૨૦૦૭માં ક્રેડિટ સ્વિસનું વૅલ્યુએશન ૧૦૦ અબજ ફ્રાન્ક હતું જે આજે ૭.૫ અબજ ફ્રાન્ક છે. ફેડની બૅલૅન્સ-શીટ એક વીકમાં ૩૦૦ અબજ ડૉલર વધી છે એ જોતાં અમેરિકા પાસે લિક્વિડિટીની મોકળાશ છે. અમેરિકા, ઈસીબી, બૅન્ક ઑફ જપાન વગેરે સંયુકત રીતે કરન્સી સ્વેપ ઑપરેશન કરીને અનલિમિટેડ લિક્વિડિટી ઊભી કરી શકે છે.
૨૦૧૯માં રેપો-ક્રાઇસિસ વખતે આ ટૂલ વપરાયું હતું. ઈસીબીએ અડધા ટકાનો વ્યાજદર કર્યો છે. બુધવારે ફેડ વ્યાજદર પા ટકા વધારે છે કે રેટ યથાવત્ રાખે છે એના પર બજારની નજર છે.
આર્થિક મોરચે સતત ઊલટાસૂલટા અહેવાલો આવે છે. રેગ્યુલેટર્સને પોતાને પણ લશ્કર ક્યાં લડે છે સમજ પડે છે કે કેમ એ શંકાની વાત છે. જયારે ઈસીબીના પ્રમુખ લેગાર્દે કહેતા હોય કે હાલના મામલે કંઈ પણ કહેવું અસંભવ છે તો પછી ચર્ચા પૂરી થઈ જાય છે. રેગ્યુલેટર કે સિસ્ટમ પર બજારોને રતીભાર ભરોસો નથી એની સાબિતી બીટકૉઇનની ધૂંઆધાર તેજી છે. કોઈ આધાર વિનાની આ વર્ચ્યુઅલ ઍસેટ છ માસમાં ૪૦ ટકા વધી છે.
આ પણ વાંચો: રૂપિયામાં ઉછાળો- અમેરિકી જૉબડેટા અને પૉવેલના પ્રવચન પર બજારની મીટ
કટોકટીના મૂળમાં જઈએ તો મુખ્ય કારણ તો ઝડપી વ્યાજદર વધારા હતા, જેનાથી બૅન્કોના બૉન્ડ પોર્ટફોલિયોમાં ભારે કડાકા આવ્યા. પૉવેલની છેલ્લી ટેસ્ટિમનીમાં આગામી રેટહાઇક અડધા ટકા હશે એવા સંકેતો મળતા. બે વરસનાં બૉન્ડ યીલ્ડ પાંચ ટકા વટાવી ગયાં એટલે પૅનિક બટન દબાયું. ‘બાય ડૉલર સેલ ઍનીથિંગ’ નામનો મેગા ટ્રેડ હવે ‘સેલ ડૉલર બાય ઍનીથિંગ’માં પલટાઈ શકે. ડૉલેક્સ ૧૧૪.૫૦થી ઘટીને ૧૦૩.૫૦ થયો છે, ૧૦૦.૫૦ તૂટે તો ઝડપી ૯૭ આવી શકે. હાલ ૧૦૫-૧૦૬ વચગાળાનું ટૉપ લાગે છે.
અમેરિકા અને યુરોપની ક્રાઇસિસથી ચીનને ફાયદો મળી શકે છે. ચીને ગયા સપ્તાહે રિઝર્વ રેશિયો ઘટાડતાં સરકારી નીતિ સપોર્ટિવ છે. ફેડ અને ઈસીબી ઍકોમૉડેટિવ થાય તો ચીની બૉન્ડ બજાર માટે સારા સમાચાર છે. હાલના સંજોગોમાં ફલાઇટ ટુ ક્વૉલિટીનો લાભ યુઆન, યેન, બીટકૉઇન, સોના-ચાંદીને મળે. સ્વિસ ફ્રાન્ક હાલ પૂરતો સેફહેવન નથી.
ડૉલરની મંદીથી રૂપિયાને હાલ તો ફાયદો છે. રૂપિયો ૮૩થી વધીને ૮૨.૫૨ થયો છે. આગળ પણ ફેડ અને ઈસીબીના વ્યાજદર-વધારા અટકે, ક્યુઈ ચાલુ થાય તો રૂપિયા સહિત ઇમર્જિંગ કરન્સી સુધરે. ક્રૂડ અને ગૅસની મંદી, માઇલ્ડ વેધર, કરન્ટ અકાઉન્ટ ડેફિસિટનો ઘટાડો સારા સમાચારો છે. સેકન્ડ હાફમાં ભારત અને ઘણાખરા દેશોમાં રેટકટ આવશે.
રાજકીય મામલે રશિયન પ્રમુખ પુતિનની ધરપકડનું વૉરન્ટ અને અમેરિકાના ભૂતપૂર્વ પ્રમુખ ટ્રમ્પની ધરપકડની શક્યતાના સમાચાર ચિંતાજનક છે. અમેરિકામાં હાર્ડ લૅન્ડિંગની વાતો છે. જોકે ૨૦૦૮ની તુલનાએ હાલની કટોકટી મર્યાદિત લાગે છે. ભારત માટે તો યુરોપની બૅન્કિંગ કટોકટી આફતમાં અવસર બની શકે. હાલના સંજોગો જોતાં નિયર ટર્મ કરન્સી એક્સપોઝરમાં ફુલ્લી હેજ રહેવાય.