ગ્લોબલ સંજોગો તદ્દન સુધરી ગયા એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ તેજીનું વાવાઝોડું કેટલું અને કેવું ત્રાટકશે એ હજી તો અધ્ધર જ ગણાય
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
ગ્લોબલ ચકરડી એવી ફરી રહી છે કે સેન્સેક્સ અને નિફ્ટીએ નવાં હાઈ લેવલ બનાવ્યાં છે. આને ખરી તેજી કહેવી કે માત્ર તેજીનું સેન્ટિમેન્ટ કહેવું એવો સવાલ થઈ શકે. નાના રોકાણકારોનો મોટો વર્ગ ખરા સમયે બજારથી દૂર હોવાનું કહેવાય છે. જોકે લૉન્ગ ટર્મનો વધુ એક ઉત્તમ દાખલો જોવાયો છે. ગ્લોબલ સંજોગો તદ્દન સુધરી ગયા એવું માની લેવાની ભૂલ કરવા જેવી નથી. આ તેજીનું વાવાઝોડું કેટલું અને કેવું ત્રાટકશે એ હજી તો અધ્ધર જ ગણાય
વીતેલા સપ્તાહમાં શૅરબજારમાં એક ઐતિહાસિક ઘટના બની, સેન્સેક્સ એક લાખ થાય ત્યારની વાત ત્યારે, અત્યારે તો એમઆરએફ નામની ટાયર કંપનીના શૅરનો ભાવ એક લાખ રૂપિયાની સપાટી વટાવી ગયો એની ચર્ચા જોરમાં રહી. આ શૅરના ભાવે અનેક રોકાણકારોના મનમાં સવાલ ઊભા કરી દીધા, આપણી પાસે આ શૅર હોત તો? આપણે આ શૅરના આઇપીઓમાં અરજી કરી હોત અને આપણે એ શૅર ફાળવાયા હોત તો? આ શૅરનો ભાવ છેલ્લાં ૩૦ વરસમાં ૧૧ રૂપિયાના લેવલથી વધતો રહીને હાલ એક લાખ પહોંચ્યો, ત્યાં સુધીમાં કેટલા લોકોએ આ શૅર પોતાની પાસે જાળવી રાખ્યો હશે એ સવાલ છે?
ADVERTISEMENT
પૉઝિટિવ આર્થિક ડેટા
વીતેલા સપ્તાહમાં માર્કેટે પૉઝિટિવ શરૂઆત કરી હતી. સેન્સેક્સ ૯૯ પૉઇન્ટ અને નિફ્ટી ૩૮ પૉઇન્ટના સુધારા સાથે બંધ રહ્યા હતા. આર્થિક મોરચે સારા સમાચાર એ હતા કે મે મહિનાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) ઇન્ફ્લેશન (ફુગાવો) રેટ ઘટીને ૪.૫ ટકા જાહેર થયો હતો, જે ૨૫ મહિનાની નિમ્નત્તમ સપાટીએ આવી ગયો હતો. જ્યારે કે ઇન્ડસ્ટ્રિયલ ગ્રોથ રેટ વધીને ૪.૨ ટકા થયો હતો. આ ટ્રેન્ડ ચાલુ રહે તો આગામી પૉલિસીમાં પણ રિઝર્વ બૅન્ક ધિરાણ પરના વ્યાજદર વધારે નહીં અને ઉપરથી ઘટાડે એવી આશા ઊભી થઈ શકે છે. જોકે ફેડરલ રિઝર્વ તો માથા પર ઊભી જ છે. મંગળવારે બજાર ઊછળવાની ખાતરી રખાતી હતી, કેમ કે આગલા દિવસે ઇન્ફ્લેશન અને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના સકારાત્મક ડેટા જાહેર થયા હતા. આ ઉપરાંત ઓપેકના પ્રોડક્શન કટ બાદ પણ ક્રૂડના ભાવમાં પણ ઘટાડો નોંધાયો હતો. આમ ભારતના આર્થિક ડેટાની તેજીતરફી ગતિએ સેન્સેક્સને આરંભમાં જ ૩૫૦ પૉઇન્ટનો કુદકો મરાવી ફરી એક વાર ૬૩,૦૦૦ને પાર કરાવી દીધો હતો. સ્થાનિક સંસ્થાઓની લેવાલી પણ બજાર માટે બુલિશ સપોર્ટ બની રહી હતી. બજાર બંધ થતી વખતે સેન્સેક્સ ૪૧૮ પૉઇન્ટ પ્લસ અને નિફ્ટી ૧૧૪ પૉઇન્ટ પ્લસ સાથે અનુક્રમે ૬૩,૧૪૩ અને ૧૮,૭૧૬ બંધ રહ્યા હતા. એફઆઇઆઇની લેવાલી ચાલુ રહી હતી. સ્મૉલ-મિડ કૅપ સ્ટૉક્સમાં પણ ઉછાળા જોવાયા હતા. ઇન શૉર્ટ, ઓવરઑલ તેજીનો માહોલ હતો.
બુધવારે ગ્લોબલ સંકેત તો સારા હતા, પરંતુ માર્કેટ પ્રૉફિટ બુકિંગના મૂડમાં હોવાથી ઢીલું ખૂલ્યું હતું. ફેડરલ રિઝર્વ આ વખતે એના ધીમા પડેલા ઇન્ફ્લેશનને કારણે વ્યાજદરનો વધારો ટાળે એવી શક્યતા છે, જેને લીધે સેન્ટિમેન્ટ સુધારાતરફી હતું. વધુ એક સારા અહેવાલ એ હતા કે રીટેલ ફુગાવા બાદ ભારતમાં હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ પણ ઘટીને સાડાસાત વરસની નીચલી સપાટીએ આવ્યો હતો, જે માઇનસ ૩.૮ ટકા થઈ ગયો હતો અર્થાત શૂન્યથી પણ નીચે ઊતરીને માઇનસ ૩.૮ ટકા થતાં ડિફ્લેશનરી ઝોનમાં આવી ગયો કહી શકાય. સેન્સેક્સ ૬૦ પૉઇન્ટ અને નિફ્ટી ૩૩ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. નોંધનીય બાબતમાં બીએસઈનું માર્કેટ કૅપ લાઇફ ટાઇમ રેકૉર્ડ ઊંચું જઈને ૨૯૨ લાખ કરોડ રૂપિયા પહોંચ્યું હતું.
ફેડરલ રિઝર્વની લટકતી તલવાર
યુએસ ફેડ તરફથી ધારણા મુજબ આ વખતે વ્યાજવધારો ન કરાયો, પરંતુ ફુગાવા સામે લડવા પૉલિસી વધુ કડક કરવાના અને આગામી સમયમાં ઊંચો વ્યાજવધારો કરવાના સંકેત અપાતાં થોડી વિપરીત અસર માર્કેટ પર જોવાઈ હતી. પરિણામે ભારતીય માર્કેટ નેગેટિવ ઝોનમાં રહ્યું હતું. અલબત્ત, નફો ઘરમાં લેવાનું ચલણ પણ કામે લાગ્યું હતું. મ્યુચ્યુઅલ ફન્ડ્સ વર્ગ બજારમાં હાલ નવા ઊંચા વધારાની આશા રાખતો નથી અને આ સમયે પ્રૉફિટ બુકિંગનો તબક્કો માને છે. ગુરુવારે સેન્સેક્સ ૩૧૧ પૉઇન્ટ અને નિફ્ટી ૬૮ પૉઇન્ટ માઇનસ બંધ રહ્યા હતા. જોકે આ નેગેટિવ બજારમાં સ્મૉલ-મિડ કૅપ ઇન્ડેક્સ પ્લસ બંધ રહ્યા હતા. અર્થાત લાર્જ કૅપમાં નફો લઈ લેવાનું મુનાસિબ માનવામાં આવ્યું હોવાનું કહી શકાય અને બાકી સ્ટૉક્સની ખરીદીમાં શાણપણ લાગ્યું હોઈ શકે. શુક્રવારે યુએસ સહિત ગ્લોબલ સંકેતો સકારાત્મક રહેતાં અને યુએસ ફેડનો વ્યાજવધારો લંબાઈ જવાની શક્યતા જણાતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નવા હાઈ લેવલે પહોંચી ગયા હતા. એટલું જ નહીં, સ્મૉલ અને મિડ કૅપ સ્ટૉક્સ-ઇન્ડેક્સ પણ નવી ઊંચી સપાટી વટાવી ગયા હતા. સેન્સેક્સ ૪૬૭ પૉઇન્ટના જમ્પ સાથે ૬૩,૩૮૪ અને નિફ્ટી ૧૩૮ પૉઇન્ટના કુદકા સાથે ૧૮,૮૨૬ બંધ રહ્યા હતા. આ ટ્રેન્ડ તેજીનો રહેવા છતાં નવાઈની વાત એ છે કે રીટેલ રોકાણકારોનું પાર્ટિસિપેશન હાલ ઓછું થયું છે. પરિણામે મહત્તમ લાભ મોટા રોકાણકારો-સંસ્થાકીય ઇન્વેસ્ટર્સ મેળવી રહ્યા છે. ફૉરેન ઇન્વેસ્ટર્સની લેવાલી આ તેજ માર્કેટમાં પણ તેજીલક્ષી જ રહી છે. જોકે નવા સપ્તાહમાં પ્રૉફિટ બુકિંગ ન આવે તો જ નવાઈ. આ તેજી ગ્લોબલ સંજોગોને આધિન વધુ છે. અલબત્ત, સ્થાનિક આર્થિક વિકાસના આંકડા પણ અસર કરી રહ્યા છે, પરંતુ આ તેજીનો પવન હોય તો માણવા જેવો, પરંતુ વાવાઝોડું હોય તો સાવચેત રહો.
શૅરનો ભાવ એક લાખ રૂપિયા
ગયા મંગળવારે એક ઇતિહાસ ટાયર ઉત્પાદક કંપની એમઆરએફના શૅરે બનાવ્યો હતો, આ શૅરનો ભાવ પ્રથમ વાર એક લાખ રૂપિયાની સપાટી વટાવી ગયો હતો. વિચારી લો, જેમણે આ શૅર લાંબા સમયથી ખરીદતા જઈ રાખી મૂક્યા હશે, તેમને કેવું વળતર મળ્યું હશે. આ કંપનીનો આઇપીઓ ૧૯૯૩માં ૧૧ રૂપિયાના ભાવે આવ્યો હતો. આ ભાવ ૨૦૦૧માં ૭૧૦ થયો, ૨૦૦૭માં ૭૧૯૬ રૂપિયા થયો, ૨૦૧૧માં ૬૯૭૯ થયો, ૨૦૧૫માં ૩૯,૦૦૦ થયો, ૨૦૧૭માં ૭૨,૦૦૦ અને ૨૦૨૩માં ૧ લાખ રૂપિયા થયો. જોકે કરૂણતા એ છે કે આ શૅર જાહેર જનતા પાસે માત્ર પાંચ ટકા જેટલા જ હોવાનું અનુમાન છે. ખેર, આવા કેટલાક બીજા સ્ટૉક્સ પણ છે. આપણે અહીં દાખલો એ જોવાનો છે કે એક શૅર એનાં ફન્ડામેન્ટલ્સના જોરે કયાં સુધી જઈ શકે છે. ભારતીય શૅરબજારના ઇતિહાસમાં આ પ્રથમ ઘટના છે. વિપ્રોના શૅરનો કેસ પણ આનાથી વધુ અજીબોગરીબ અને મૂલ્યવાન છે. વિપ્રોના શૅરમાં માત્ર ૧૦,૦૦૦ રૂપિયાનું રોકાણ કરનારને ૩૦ વરસ બાદ અધધધ (અંદાજિત ૨૦૦ કરોડ) રકમ ઉપજી હતી. જોકે આવા શૅરધારકોની સંખ્યા બહુ જ નાનીસરખી હતી. અલબત્ત, આવી કંપનીઓના કમિટેડ પ્રમોટર્સને તો આવા અસાધારણ લાભ થયા જ હોય છે.
મહત્ત્વના આર્થિક સમાચાર - સંકેતો
વાવાઝોડામાંથી મુક્તિ મળવા સાથે બજારની નજર ચોમાસા પર રહેશે અને એની અસર પણ ચોક્કસ થશે. અલબત્ત, વાવાઝોડાની તલવાર હજી કંઈક અંશે લટકેલી છે. જો ચોમાસું નૉર્મલ રહ્યું તો ફર્ટિલાઇઝર્સ અને ટ્રૅક્ટર્સ સ્ટૉક્સમાં કરન્ટ જોવાશે. આ જ રીતે રિઝર્વ બૅન્કની આગામી નીતિમાં વ્યાજદરના ઘટાડાની અપેક્ષાએ રિયલ એસ્ટેટ માર્કેટને પણ બૂસ્ટ મળવાની આશા વ્યક્ત થાય છે. સરકારને જાહેર ક્ષેત્રની વિશાળ કંપનીઓ તરફથી આ વખતે ૬૩,૦૦૦ કરોડ રૂપિયાથી વધુ ડિવિડન્ડ મળવાની શક્યતા સરકારની ડેફિસિટ ઓછી કરવામાં સહાયરૂપ બનશે.