સંખ્યાબંધ સ્ટાર્ટઅપ તકલીફમાં : ડૅમેજ કન્ટ્રોલ માટે સત્તાધીશો ઍક્શનમાં
કરન્સી કૉર્નર
પ્રતીકાત્મક તસવીર
અમેરિકામાં સિલિકૉન વૅલી બૅન્ક ફડચામાં જતાં અમેરિકામાં લેહમાન ક્રાઇસિસ જેવી બૅન્કિંગ કટોકટી સર્જાશે એવી ભીતિથી બજારોમાં પૅનિક છવાયો છે. શુક્રવારે બૅન્ક શૅરો, ડૉલર, મેટલ્સ, બીટકૉઇન જેવી રિસ્ક ઑન ઍસેટ તૂટી હતી. સોનામાં સેફ હેવન બાઇંગથી શાનદાર તેજી હતી. સિલિકૉન વૅલી બૅન્ક કાચી પડતાં અંદાજે ૧૦૦ જેટલા મોટા સ્ટાર્ટઅપ તકલીફમાં આવે એવો ડર પેદા થયો છે. વિશ્વભરમાં સત્તાધીશો હરકતમાં આવી ગયા છે. સિલિકૉન વૅલી યુકે પણ ફડચામાં ગઈ છે. એસવીબીની શાખાઓ ભારત, ચીન, સ્વિડન, કૅનેડા સહિત ઘણા દેશોમાં કાર્યરત છે. આજે કટોકટી કાબૂમાં નહીં આવે તો હાલના સંકટને લેહમાન ક્રાઇસિસ બનતા વાર નહીં લાગે. શુક્રવારે સાંજે એફડીઆઇસીએ કહ્યું હતું કે એસવીબી સંબંધિત ગ્રોસ રિસ્ક ૬૦૦ અબજ ડૉલર જેવું છે. બીજી બૅન્કો ડૂબે નહીં એ માટે તાકીદે અમુક સ્પેશ્યલ ફન્ડ ઊભું કરાશે એવા સંકેતો મળે છે. યુકેમાં ૧૦૦ જેટલા સ્ટાર્ટઅપ રોકાણકારોએ નાણાપ્રધાનને પત્ર લખ્યો કે સોમવારે બજાર ખૂલે એ પહેલાં બૅન્કને બચાવી લો, નહીં તો સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમ જ ફેલ જશે. મીટિંગનો ધમધમાટ ચાલુ છે.
શુક્રવારે જૉબ ડેટા અપેક્ષા કરતાં સારો પણ આગલા મહિનાથી થોડો નબળો આવ્યો એ રાહતની વાત છે. એસવીબી ધબડકા પછી ફેડ અડધો ટકો વ્યાજદર વધારે એ વાત તો હવામાં ઊડી ગઈ, હવે મૅક્સિમમ પા ટકા વધારો. ક્રાઇસિસ વકરે તો આવતા વ્યાજદર વધારો મુલતવી રહે અથવા રેટકટ પણ આવે. ફેડ પૅનિકમાં આવે ત્યારે કોઈ પણ હદે જાય એવું ઇતિહાસ કહે છે. મોંઘવારી ડામવા ઝડપી વ્યાજદર વધારાએ પહેલો ભોગ એસવીબીનો લીધો છે.
ADVERTISEMENT
બૅન્કના કેટલાયે સ્ટાર્ટઅપ ક્લાયન્ટ પોતાના કર્મચારીઓને પગાર પણ ન કરી શકે એવી હાલત છે. સંખ્યાબંધ સ્ટાર્ટઅપ રાતોરાત નાદાર થઈ જાય એવી ભીતિ છે. પરિસ્થિતિની ગંભીરતા છતાં સોમવાર સુધીમાં કોઈ બેઇલઆઉટ, રેસ્ક્યુ પ્લાન આવી જશે. જો ડૅમેજ કન્ટ્રોલ મોડો થાય તો કટોકટી વકરશે. વિશ્વભરના બૅન્કિંગ શૅરો ફોકસમાં છે. સિલિકૉન ફૉલઆઉટ બૅન્ક નિફ્ટીને પણ નડી ગયો છે.
આ પણ વાંચો: માત્ર ૧૦૦ રૂપિયામાં HSBCએ સિલિકોન વેલી બૅન્કની UK પેટાકંપની હસ્તગત કરી
બજારોની વાત કરીએ તો મેક્રો ડેટા સતત મજબૂત આવી રહ્યો છે. મોંઘવારી ઘટાડવાના મામલે ફેડનો એકેય દાવ હજી સીધો પડ્યો નથી. બજારોમાં વૉલેટિલિટી બેહદ વધી છે, એમાં મોટાં અલ્ગો ફન્ડ મબલખ કમાઈ રહ્યાં છે. ઍસેટ બબલ બેહકાવી રહ્યા છે. રેન્ટ ઇન્ફ્લેશન બેફામ છે. કેટલાયે નાગરિકો ઘરવિહોણા થઈ ગયા છે. આવકની અસમાનતા ચરમસિમાએ છે. વર્તમાન સંજોગો માટે ફેડની જવાબદારી ઓછી નથી. લાંબો સમય અવાસ્તવિક નીચા વ્યાજદરો અને લિક્વિડિટી પમ્પિંગ અને અચાનક વ્યાજદરોમાં તીવ્ર વધારો, પરિણામે બૉન્ડના ભાવમાં કડાકો. સિલિકૉન વૅલી બૅન્ક પાસે ૨૦૨૨ના અંતે ૨૦૯ અબજ ડૉલર ઍસેટ અને ૧૭૫ અબજ ડૉલર ડિપોઝિટ હતી. ૧૭૫ અબજ ડૉલરની ડિપોઝિટ પર વીમો નથી. એ સિવાય ૬૨ અબજ ડૉલર કૅપિટલ લાઇન ક્રેડિટની જવાબદારી છે.
રૂપિયાની વાત કરીએ તો હવે વધ-ઘટની માત્રા વધી છે. ઇન્ટર બૅન્ક બજાર બંધ થાય પછી રૂપિયામાં વૉલેટિલિટી વધે છે. શૅરબજારમાં ગભરાટ છે. ડૉલેક્સમાં વધ-ઘટ મોટી થઈ જતાં રૂપિયામાં પણ વધ-ઘટ અનિયમિત અને મોટી થઈ ગઈ છે. સતત અણધાર્યા સમાચારો આવી રહ્યા છે. હાલમાં તો સિલિકૉન વૅલી, હીટવેવ, અલ નીનો અને યુક્રેન રિસ્ક અને ચાઇનામાં સર્વસત્તાધીશ તરીકે શી જિનપિંગનો નવો રોલ ચર્ચામાં છે. ચાલુ સપ્તાહે અમેરિકા, ભારતમાં ફુગાવો, ટ્રેડ બૅલૅન્સ, ચાઇના રીટેલ સેલ્સ જેવા આંકડા આવશે. મેક્રો ફન્ડામેન્ટલ્સ જોતાં આયાતકારોએ ડૉલર બુકિંગમાં ઍક્ટિવ ઑપ્ટિમમ હેજિંગ, નિકાસકારો ઉછાળે ડૉલર વેચી પેસીવ ઑપ્ટિમાઇઝ હેજર રહી શકે. રૂપિયામાં મીડિયમ ટર્મ આઉટલુક બેરીશ છે.
ચીનમાં રાષ્ટ્રીય કારોબારીમાં શી જિનપિંગ ત્રીજી વાર ચૂંટાયા છે. વિદેશપ્રધાને કહ્યું છે કે અમેરિકા ખોટા રસ્તે જઈ રહ્યું છે અને અટકશે નહીં તો સંઘર્ષ થશે. ચીનમાં ઇકૉનૉમિક રિકવરી ઘણી નબળી અને અનઇવન છે. યુરોપ અને ઇમર્જિંગ કરન્સી એકંદરે સીમિત દાયરામાં છે. ક્રિપ્ટો ઍસેટ ફરી પીટાઈ ગઈ છે. બીટકૉઇન ૨૫,૦૦૦થી ઘટીને ૨૦,૦૦૦ થઈ ગયો છે. શૉર્ટ ટર્મ રેન્જઃ ડૉલર-રૂપી ૮૧.૪૮-૮૨.૮૭, યુરો ૧.૦૫-૧.૦૭૫૦, પાઉન્ડ ૧.૧૭૭૦-૧.૨૧૩૦, યેન ૧૩૩-૧૩૭, ડૉલેક્સ ૧૦૨.૮૦-૧૦૬.૩૦.