આર્જેન્ટિનામાં દુકાળને કારણે પરંપરાગત બાયર્સ ભારત તરફ વળ્યા : મલેશિયા-વિયેટનામની દર મહિને બે લાખ ટનની આયાત
પ્રતીકાત્મક તસવીર
દેશમાંથી ૨૦૨૨માં ઘઉંની જબ્બર માગ આવ્યા બાદ ૨૦૨૩માં મકાઈની ધૂમ નિકાસમાગની સંભાવના છે. એશિયામાં મકાઈના મોટા ભાગના બાયરો ભારતમાંથી મકાઈની ખરીદીમાં વધારો કરી રહ્યા છે, કારણ કે પરંપરાગત સપ્લાયર આર્જેન્ટિનામાં તીવ્ર દુકાળના કારણે ઉત્પાદનમાં ઘટાડો થયો છે, એમ બે નિકાસકારોએ જણાવ્યું હતું.
મલેશિયા અને વિયેટનામના આયાતકારો દર મહિને આશરે બે લાખ ટન ભારતીય મકાઈનું બુકિંગ કરી રહ્યા છે, એમ નિકાસકારોએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
દુકાળના કારણે આર્જેન્ટિનામાં ઉત્પાદનમાં ઘટાડો થયો છે અને યુદ્ધને કારણે યુક્રેનથી સપ્લાય સાથે અમારી પાસે ચાલુ સમસ્યા છે એમ મલેશિયાસ્થિત એક બાયરે સિંગાપોરમાં અનાજ પરિષદની બાજુમાં જણાવ્યું હતું. આ બાયરે કહ્યું કે ભારત સ્પર્ધાત્મક ભાવ ઑફર કરી રહ્યું છે, એથી ભારતીય મકાઈ ખરીદવામાં વધુ રસ છે.
આર્જેન્ટિનાના ૨૦૨૨-’૨૩માં મકાઈનું ઉત્પાદન ઘટીને ૪૧૦ લાખ ટન થવાનો અંદાજ છે, જે અગાઉના અંદાજિત ૪૪૫ લાખ ટનની સરખામણીએ ઓછું છે એમ બ્યુનસ આયરસ અનાજ એક્સચેન્જે જણાવ્યું હતું. પ્રતિકૂળ હવામાનથી આર્જેન્ટિનામાં પહેલાથી જ મુશ્કેલીમાં મુકાયેલા સોયાબીન અને મકાઈના પાકને વધુ નુકસાન થઈ શકે છે.
દક્ષિણપૂર્વ એશિયામાં ભારતીય મકાઈ લગભગ ૩૧૦-૩૧૫ ડૉલર પ્રતિ ટન ક્વોટ થાય છે, જેમાં ખર્ચ અને નૂર (સીઍન્ડએફ)નો સમાવેશ થાય છે, જેની સરખામણીમાં દક્ષિણ અમેરિકન મકાઈ લગભગ ૩૩૦ ડૉલર પ્રતિ ટન ઑફર કરવામાં આવે છે, એમ વેપારીઓએ જણાવ્યું હતું.
એક વેપારીએ જણાવ્યું હતું કે દેશના દક્ષિણ ભાગોમાં પાકના પૂરતા પુરવઠા વચ્ચે ભારત આગામી મહિનાઓમાં દક્ષિણપૂર્વ એશિયામાં મકાઈની શિપમેન્ટ ચાલુ રાખે એવી અપેક્ષા છે. અમને કર્ણાટક, તામિલનાડુ અને આંધ્ર પ્રદેશ (રાજ્યો)માંથી સારો પુરવઠો મળી રહ્યો છે એમ એક ભારતસ્થિત વેપારીએ જણાવ્યું હતું.