હાલના નિયમ મુજબ એક નાણાકીય વર્ષ દરમ્યાન કોઈ પણ નિવાસી ભારતીય એલઆરએસમાં ભાગ લઈ શકે છે અને ૨,૫૦,૦૦૦ અમેરિકન ડૉલર સુધીનું નાણું વિદેશમાં મોકલી શકે છે
ટેક્સ રામાયણ
પ્રતીકાત્મક તસવીર (તસવીર સૌજન્ય : આઇસ્ટૉક)
લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ શું છે?
વર્ષ ૨૦૦૪માં રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (આરબીઆઇ)એ લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમ (એલઆરએસ)ની રચના કરી. એલઆરએસ ભારતીયોને, વિદેશમાં રહેતા નૉન-રેસિડેન્ટને પૈસા સ્થાનાંતરિત કરવાની મંજૂરી આપે છે, પરંતુ ૨૦૦૪ પહેલાં વિદેશમાં રહીને અભ્યાસ કરતાં બાળકોને શિક્ષણ માટે અથવા કોઈ કટોકટી દરમ્યાન વિદેશમાં વસતા કુટુંબના સભ્યો અથવા મિત્રોને અહીંથી એટલે કે ભારતથી નાણાં મોકલવાની પ્રક્રિયા ઘણી જટિલ અને મુશ્કેલ હતી.
ADVERTISEMENT
એલઆરએસ હેઠળ એક નિવાસી ભારતીયને ચોક્કસ મર્યાદામાં આરબીઆઇ વિદેશમાં ઇન્વેસ્ટમેન્ટ અને ખર્ચ કરવાની મંજૂરી આપે છે. આમાં પ્રવાસ, શિક્ષણ, તબીબી સારવાર, સિક્યૉરિટીઝ અને ફિઝિકલ સંપત્તિની ખરીદી પણ શામેલ છે.
લિબરલાઇઝ્ડ રેમિટન્સ સ્કીમનો વિસ્તાર
હાલના નિયમ મુજબ એક નાણાકીય વર્ષ દરમ્યાન કોઈ પણ નિવાસી ભારતીય એલઆરએસમાં ભાગ લઈ શકે છે અને ૨,૫૦,૦૦૦ અમેરિકન ડૉલર સુધીનું નાણું વિદેશમાં મોકલી શકે છે. ફક્ત પૅન કાર્ડની ચકાસણી કરીને, બૅન્ક જેવા અધિકૃત ડીલરો નિવાસી ભારતીય અને તેમના વિદેશી આશ્રિતો વચ્ચે આવાં ટ્રાન્ઝૅક્શનોને મંજૂરી આપે છે. જોકે કૉર્પોરેટ્સ, ભાગીદારી કંપનીઓ, એચયુએફ અને ચૅરિટેબલ ટ્રસ્ટને એલઆરએસનો ઉપયોગ કરવાની મંજૂરી નથી.
૧૬ મે ૨૦૨૩ના રોજ નાણાં મંત્રાલયે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ્સ દ્વારા વિદેશી ચલણમાં થતા ખર્ચનો સમાવેશ કરવા માટે એલઆરએસના કવરેજને વિસ્તૃત કર્યું. આ પહેલાં વિદેશ પ્રવાસ દરમ્યાન ભારતીય નિવાસી દ્વારા વિદેશમાં ક્રેડિટ કાર્ડ્સનો ઉપયોગ એલઆરએસની મર્યાદાથી બાકાત રાખવામાં આવ્યો હતો. મંત્રાલયનો આ પાછળનો તર્ક એ હતો કે એલઆરએસની ૨,૫૦,૦૦૦ ડૉલરની હાલની મર્યાદા કરતાં વધુ મર્યાદા સાથે આંતરરાષ્ટ્રીય ક્રેડિટ કાર્ડ આપવામાં આવી રહ્યાં હતાં. આમ અન્ય પેમેન્ટનાં સાધનો અને ક્રેડિટ કાર્ડ વચ્ચેનો તફાવત ભૂસી નાંખી તેમની વચ્ચે એકરૂપતા લાવવા માટે ઇન્ટરનૅશનલ ક્રેડિટ કાર્ડને એલઆરએસ હેઠળ આવરી લઈને એનું વિસ્તરણ કર્યું હતું. વ્યક્તિ જ્યારે વિદેશ પ્રવાસ પર હોય ત્યારે ઇન્ટરનૅશનલ ક્રેડિટ કાર્ડ દ્વારા થતો એનો ખર્ચ આ ફેરફારને કારણે મર્યાદિત થઈ જશે. આ સાથે વિદેશી મુસાફરીમાં વધુ ખર્ચ થશે.
બજેટ ૨૦૨૩માં શિક્ષણ અને તબીબી હેતુઓ સિવાય, એલઆરએસ હેઠળ વિદેશ મોકલવામાં આવતાં નાણાં પરનો ટીસીએસનો દર પાંચ ટકાથી વધારીને વીસ ટકાનો કર્યો છે. આ ૧ જુલાઈ, ૨૦૨૩થી અમલમાં આવશે.
સવલા તમારા...
સવાલ: વિદેશ મોકલાતાં નાણાં પર ટીસીએસનો દર વધવાથી ગ્રાહકો પર એની કેવી અસર કરશે?
ઉત્તર : વીસ ટકા ટીસીએસ લાદવામાં આવવાથી વિદેશી મુસાફરી પર વ્યક્તિઓ દ્વારા કરવામાં આવતા તાત્કાલિક ખર્ચમાં વધારો થશે. વિદેશ પ્રવાસ માટેનું ટૂર-પૅકેજ લેવામાં જો એક પરિવારને દસ લાખ રૂપિયા આપવા પડતા હતા એને બદલે
હવે વધેલા ટીસીએસને કારણે પરિવારે બે લાખ રૂપિયા વધારાના ચૂકવવા પડશે. આ ફેરફારો માત્ર વ્યક્તિઓને જ નહીં, પણ આંતરરાષ્ટ્રીય વ્યાપાર કરતા વેપારીઓને પણ અસર કરશે.
સવાલ: શું એલઆરએસ કર્મચારીઓની વ્યવસાયિક મુલાકાતને આવરી લે છે?
ઉત્તર : ના. જ્યારે કર્મચારીઓને કોઈ એન્ટિટી (કંપની/સંસ્થા) દ્વારા નિયુક્ત કરવામાં આવે છે અને તેમના વિદેશ-પ્રવાસનો ખર્ચ આવી એન્ટિટી દ્વારા ઉઠાવવામાં આવે ત્યારે આવા ખર્ચને એલઆરએસના અવકાશની બહાર માનવામાં આવશે અને ટ્રાન્ઝૅક્શનની અસલિયતતાને ચકાસ્યા પછી કોઈ પણ મર્યાદા વિના મંજૂરી આપવામાં આવશે.
સવાલ: વિદેશી ચલણમાં કરવામાં આવતી તમામ ઑનલાઇન ચુકવણી વીસ ટકા ટીસીએસને આકર્ષિત કરશે?
ઉત્તર : ૧ જુલાઈ, ૨૦૨૩થી કેવળ ક્રેડિટ કાર્ડ્સ દ્વારા કરવામાં આવેલાં ટ્રાન્ઝૅક્શનો પર જ વીસ ટકા ટીસીએસ લાગુ પડશે.
સવાલ: ટીસીએસનું રીફન્ડ મેળવવાની સમય અવધિ કેટલી હશે?
ઉત્તર : કરદાતાઓ ટીસીએસને ઇન્કમ ટૅક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે ક્લેમ કરી શકશે. ઇન્કમ-ટૅક્સ રિટર્ન પ્રોસેસ થઈ જાય પછી તેમને રીફન્ડ મળી શકશે. એમ છતાં નિષ્ણાતોનું માનવું છે કે આને કારણે અમુક કરદાતાઓને નાણાંની પ્રવાહિતાને લઈને તકલીફ થઈ શકે છે, કેમ કે જ્યાં સુધી ઇન્કમ-ટૅક્સ રિટર્ન પ્રોસેસ નહીં થાય ત્યાં સુધી તેમનાં નાણાં અટકેલાં રહેશે.
(જનક બથિયા)