Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ ફરી વધતાં સેફ હેવન ડિમાન્ડથી સોના-ચાંદીમાં નવી તેજી

અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ ફરી વધતાં સેફ હેવન ડિમાન્ડથી સોના-ચાંદીમાં નવી તેજી

Published : 28 April, 2023 04:07 PM | IST | Mumbai
Mayur Mehta | mayur.mehta@mid-day.com

સોના કરતાં ચાંદીમાં વધુ તેજી જોવાઈ, ચાંદી એક વર્ષની ઊંચાઈએ પહોંચી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

કૉમોડિટી કરન્ટ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ ફરી વધતાં સોના-ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધતાં નવી તેજી જોવા મળી હતી. ચાંદી વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૧૫ રૂપિયા વધી હતી. 

 


વિદેશી પ્રવાહ 

 
અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ ફરી સપાટી પર આવતાં સોનામાં ફરી તેજીનો નવો દોર ચાલુ થયો હતો. બુધવારે ઓવરનાઇટ બૅન્કિંગ ક્રાઇસિસની અસરે ટેન યર ટ્રેઝરી બોન્ડના યીલ્ડ ૨૦ બેસિસ પૉઇન્ટ ઘટીને ૩.૭૭ ટકાએ પહોંચતાં સોના અને ચાંદીમાં સેફ હેવન ડિમાન્ડ વધી હતી. સોના કરતાં ચાંદીમાં વધુ તેજી જોવા મળી હતી અને ચાંદી એક વર્ષની ઊંચાઈએ પહોંચી હતી, કારણ કે ૨૦૨૨માં સોલર અને વિન્ડ એનર્જી જનરેશન ૧૨ ટકા વધતાં ચાંદીનો વપરાશ મોટેપાયે વધ્યો હોવાનો રિપોર્ટ આવતાં ચાંદીમાં ખરીદી વધી હતી. સોનું પણ બુધવારે ઓવરનાઇટ વધીને ૨૦૧૦.૯૦ ડૉલર થયા બાદ ગુરુવારે સતત ૨૦૦૦ ડૉલર પર રહ્યું હતું. ગુરુવારે સોનું વધીને ૨૦૦૪.૨૦ ડૉલર થયા બાદ સાંજે ૨૦૦૧થી ૨૦૦૨ ડૉલર રહ્યું હતું. સોના-ચાંદી વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
 
અમેરિકન ડ્યુરેબલ ગુડ્સ ઑર્ડર માર્ચમાં ૩.૨ ટકા વધ્યા હતા, જે ફેબ્રુઆરીમાં ૧.૨ ટકા ઘટ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૭ ટકા વધારાની હતી. ટ્રાન્સપોર્ટેશન ઇક્વિપમેન્ટની ડિમાન્ડ સતત બે મહિના ઘટ્યા બાદ વધી હતી. સિવિલિયન અને મિલિટરી ઍરક્રાફ્ટનું વેચાણ માર્ચમાં ૧૦.૪ ટકા વધ્યું હતું. કમ્પ્યુટર અને ઇલેક્ટ્રૉનિક્સ આઇટમોની ડિમાન્ડ પણ માર્ચમાં ૧.૯ ટકા વધી હતી. 
 
અમેરિકાના મૉર્ગેજ રેટ સતત બીજે સપ્તાહે વધવા છતાં મૉર્ગેજ ઍપ્લિકેશન લેનારાઓની સંખ્યા વધી હતી. ૩૦ વર્ષના ફીક્સ્ડ મૉર્ગેજ રેટ ૨૧ એપ્રિલે પૂરા થયેલા સપ્તાહમાં ૧૨ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૫૫ ટકાએ પહોંચ્યા હતા, જે અગાઉના સપ્તાહે ૧૩ બેસિસ પૉઇન્ટ વધ્યા હતા. સતત બે સપ્તાહથી મૉર્ગેજ રેટ વધી રહ્યા છે. મૉર્ગેજ રેટ વધવા છતાં નવું રહેણાક મકાન ખરીદવા માટેની મૉર્ગેજ ઍપ્લિકેશન ૪.૬ ટકા વધી હતી, જ્યારે રિફાઇન્સ માટેની ઍપ્લિકેશન ૧.૭ ટકા વધી હતી. 
 
અમેરિકાની ટ્રેડ ડેફિસિટ માર્ચમાં ઘટીને ૮૪.૬ અબજ ડૉલરે પહોંચી હતી, જે ફેબ્રુઆરીમાં ૯૨ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૮૯ અબજ ડૉલરની હતી. અમેરિકન એક્સપોર્ટ ૨.૯ ટકા વધી હતી, જ્યારે ઇમ્પોર્ટ એક ટકા ઘટી હતી. ઇન્ડસ્ટ્રિયલ સપ્લાય, કન્ઝ્યુમર ગુડ્સ અને ઑટોમોટિવ વેહિકલની એક્સપોર્ટ વધતાં ઓવરઑલ એક્સપોર્ટને બૂસ્ટ મળ્યું હતું. અમેરિકન હોલસેલ ઇન્વેન્ટરી માર્ચમાં ૦.૧ ટકા વધી હતી, જેના વિશે માર્કેટની ધારણા ૦.૨ ટકા વધારાની હતી. 
 
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૨૧.૪ ટકા ઘટીને ૧૫૧૬.૭૪ અબજ યુઆન રહ્યો હતો. ૨૦૨૨માં ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં ૨૨.૯ ટકા ઘટ્યો હતો અને ૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ચાર ટકા ઘટ્યો હતો. ચાઇનીઝ ગવર્નમેન્ટ કંપનીઓનો પ્રૉફિટ ૧૬.૯ ટકા ઘટ્યો હતો, જ્યારે પ્રાઇવેટ કંપનીઓનો પ્રૉફિટ ૨૩ ટકા ઘટ્યો હતો. ચીનના ૪૧ ઇન્ડસ્ટ્રિયલ સેક્ટરમાંથી ૨૮ સેક્ટરની કંપનીઓએ નુકસાન કર્યું હતું. ખાસ કરીને પેટ્રોલિયમ, કોલ, નૉન-ફેરસ મેટલ, સ્મેલ્ટિંગ-રોલિંગ, કમ્પ્યુટર કમ્યુનિકેશન, ઇલેક્ટ્રૉનિક્સ ઇક્વિપમેન્ટ, કેમિકલ પ્રોડક્ટ, ટેક્સટાઇલ, ઑટોમોબાઇલ, ઍગ્રીકલ્ચર-ફૂડ પ્રોસેસિંગ અને ઑઇલ-ગૅસ એક્સ્ટ્રેક્ટર્સ ઇન્ડસ્ટ્રીઝમાંના મોટા ભાગના યુનિટોએ નુકસાન કર્યું હતું. 
 
યુરો એરિયાનો ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડિકેટર એપ્રિલમાં ૯૯.૩ પૉઇન્ટ રહ્યો હતો, જે માર્ચમાં ૯૯.૨ પૉઇન્ટ રહ્યો હતો, પણ માર્કેટની ધારણા ૯૯.૯ પૉઇન્ટની હતી. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ઇન્ડેક્સ ઘટીને અઢી વર્ષની નીચી સપાટીએ ૧૫.૧ પૉઇન્ટે પહોંચતાં ઇકૉનૉમિક ઇન્ડિકેટર એપ્રિલમાં થોડા સુધર્યા હતા, પણ માર્કેટની ધારણા કરતાં આ ઇન્ડિકેટર ઘણા નીચા રહ્યા હતા. યુરો એરિયાનું કન્ઝ્યુમર મોરલ એપ્રિલમાં ૧.૬ પૉઇન્ટ વધીને ૧૪ મહિનાની ઊંચી સપાટીએ માઇનસ ૧૭.૫ પૉઇન્ટે પહોંચ્યું હતું. યુરો એરિયાનો ઇન્ડસ્ટ્રિયલ કૉન્ફિડન્સ એપ્રિલમાં ઘટીને માઇનસ ૨.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં માઇનસ ૦.૫ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા પ્લસ ૦.૧ પૉઇન્ટની હતી. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો કૉન્ફિડન્સ સવાબે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં ઇન્ડસ્ટ્રિયલ કૉન્ફિડન્સ ઘટ્યો હતો. યુરો એરિયાનો સર્વિસ સેક્ટરનો કૉન્ફિડન્સ એપ્રિલમાં વધીને ૧૦.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે માર્ચમાં ૯.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૯.૪ પૉઇન્ટની હતી. 
 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 
 
અમેરિકાની બૅન્કિંગ ક્રાઇસિસ ફરી સપાટી પર આવી છે. અમેરિકામાં બની રહેલી ઘટનાક્રમના સ્પષ્ટ સંકેતો એવા છે કે બૅન્કિંગ ક્રાઇસિસ આગામી દિવસોમાં વધુ વકરશે. અગાઉ જ્યારે સિલિકૉન વૅલી બૅન્કની ક્રાઇસિસ એની ચરમસીમા પર હતી ત્યારે અમેરિકન ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેને સરકાર દરમ્યાનગીરી કરશે એવી ખાતરી ડિપોઝિટધારકોને આપી હતી, પણ બીજા દિવસે ફેરવી તોળ્યું હતું. હાલ પણ સરકારે ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કને ઉગારવા માટે દરમ્યાનગીરી કરવામાં રસ દાખવ્યો ન હોવાથી ફર્સ્ટ રિપબ્લિકન બૅન્કના શૅર એક જ દિવસમાં ૩૩ ટકા તૂટતાં બૅન્કિંગ ક્રાઇસિસની અસર વધી હતી. અમેરિકાના હાઉસ ઑફ રિપ્રેઝન્ટિવે ડેબ્ટ સીલિંગ વધારીને ૩૧.૪ અબજ ડૉલર કરી હતી અને આ નિર્ણયની મંજૂરી માટે સેનેટમાં મત માગવામાં આવશે. બૅન્કિંગ ક્રાઇસિસ વધે એવા કોઈ નવા સમાચાર આવશે તો સોનું ફરી અગાઉની ૨૦૪૮ ડૉલરની સપાટી રાતોરાત પાર કરશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૦,૫૧૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૨૭૩
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૪,૪૧૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

 

Whatsapp-channel Whatsapp-channel

28 April, 2023 04:07 PM IST | Mumbai | Mayur Mehta

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK