નૉન-બાસમતી અને બાસમતી ચોખા ઉપરાંત મકાઈ અને કઠોળની નિકાસમાં પણ નોંધપાત્ર વધારો થયો
પ્રતિકાત્મક ફાઇલ તસવીર
દેશમાંથી મુખ્ય ઍગ્રિ કૉમોડિટીની નિકાસ ચાલુ નાણાકીય વર્ષના પહેલા ૧૧ મહિના એપ્રિલ ૨૦૨૨થી જાન્યુઆરી ૨૦૨૩ દરમ્યાન ૧૦ ટકા વધી છે.
અપેડાના સત્તાવાર આંકડાઓ મુજબ દેશમાંથી કુલ નિકાસ ૨૧.૭૮ અબજ ડૉલરની થઈ છે, જે અગાઉના વર્ષ દરમ્યાન આજ સમયગાળામાં ૧૯.૭૫ અબજ ડૉલરની થઈ હતી. અપેડાનું માનવું છે કે સમગ્ર વર્ષ દરમ્યાન ઍગ્રિ કૉમોડિટીની નિકાસ ૨૩.૫૬ અબજ ડૉલરના લક્ષ્યાંકને પાર કરીને ૨૬ અબજ ડૉલરની સપાટીને સ્પર્શે એવી ધારણા છે.
ADVERTISEMENT
દેશમાંથી નૉન-બાસમતી ચોખાની નિકાસ પર નિયંત્રણો હોવા છતાં એની નિકાસ સારી માત્રામાં થઈ છે. નૉન-બાસમતી ચોખાની નિકાસ ત્રણ ટકા વધીને ૫.૧૭ અબજ ડૉલરની થઈ છે, જે અગાઉના વર્ષે ૫.૦૧ અબજ ડૉલરની થઈ હતી. નૉન-બાસમતી ચોખાની નિકાસ ચાર ટકા વધીને ૧૪૫.૬ લાખ ટનની થઈ છે, જે અગાઉના વર્ષે ૧૪૦.૧ લાખ ટનની નિકાસ થઈ હતી.
બાસમતી ચોખાની નિકાસ ૪૧ ટકા વધીને ૩.૮૨ અબજ ડૉલરની થઈ હતી. જથ્થાની દૃષ્ટિએ ૧૮ ટકા વધીને ૩૬.૬ લાખ ટનની નિકાસ થઈ હતી. બન્ને પ્રકારના ચોખાની નિકાસ સંયુક્ત રીતે ૧૬ ટકા વધીને ૮.૯૮ અબજ ડૉલરની થઈ છે.
દેશમાંથી મકાઈની નિકાસમાં ૧૨.૩ ટકાનો વધારો થઈને ૯.૯૪ કરોડ ડૉલરની નિકાસ થઈ છે, જે અગાઉના વર્ષે ૮.૮૪ કરોડ ડૉલરની નિકાસ થઈ હતી. ભારતીય મકાઈની અત્યારે અનેક દેશોમાંથી સારી માગ હોવાથી કુલ નિકાસમાં વધારો જોવા મળ્યો છે.
દેશમાંથી તાજાં શાકભાજીની નિકાસ ૧૧.૫ ટકા વધી છે, જ્યારે કઠોળની નિકાસમાં ૭૨.૯ ટકાનો વધારો થઈને ૪.૭૬ કરોડ ડૉલરની નિકાસ થઈ છે, જે અગાઉના વર્ષે ૨.૭૫ કરોડ ડૉલરની નિકાસ થઈ હતી. કઠોળમાં પણ સારી માગ હોવાથી નિકાસ વધી છે.