Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > પ્રારંભિક સુધારા બાદ બજારમાં નરમાઈ આગળ વધી : આઇટીમાં માનસ નબળું, ફાર્મા-હેલ્થકૅર ડિમાન્ડમાં

પ્રારંભિક સુધારા બાદ બજારમાં નરમાઈ આગળ વધી : આઇટીમાં માનસ નબળું, ફાર્મા-હેલ્થકૅર ડિમાન્ડમાં

Published : 19 April, 2023 12:58 PM | IST | Mumbai
Anil Patel

રિલાયન્સ અને એની ગ્રુપ કંપનીઓ ઘટાડામાં, જસ્ટ ડાયલમાં સુધારો : ક્રિસિલ પરિણામ પૂર્વે ૧૪૯ રૂપિયા તૂટ્યો, ક્વિક હીલ ખરાબ રિઝલ્ટમાં ઐતિહાસિક તળિયે ગયો : તેજીની ચાલમાં ઝાયડ્સ લાઇફ દોઢ વર્ષની ઊંચી સપાટીએ 

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક ફાઇલ તસવીર


સોડા ઍશના ભાવઘટાડામાં તાતા કેમિકલ્સ છ ટકા ધોવાયો, સ્ટ્રૉન્ગ રિઝલ્ટની હવા તાતા મોટર્સમાં ટકી ન શકી : અવલૉન ટેક્નૉનું લિસ્ટિંગ લૉસમાં રહ્યું, મોસ યુટિલિટી અને સનકોડ ટેક્નૉમાં રોકાણકારો ફાયદામાં રહ્યા : અદાણી પોર્ટ‍્સમાં સીએલએસએનો બુલિશ વ્યુ બેકાર ગયો, અદાણીના ૧૦માંથી ૮ શૅર નરમ : રિલાયન્સ અને એની ગ્રુપ કંપનીઓ ઘટાડામાં, જસ્ટ ડાયલમાં સુધારો : ક્રિસિલ પરિણામ પૂર્વે ૧૪૯ રૂપિયા તૂટ્યો, ક્વિક હીલ ખરાબ રિઝલ્ટમાં ઐતિહાસિક તળિયે ગયો : તેજીની ચાલમાં ઝાયડ્સ લાઇફ દોઢ વર્ષની ઊંચી સપાટીએ 

વિશ્વબજારો માટે ચાઇનીઝ ગ્રોથ રેટના આંકડા સુખદ આશ્ચર્ય પુરવાર થયા છે. ૨૦૨૩ના ચાલુ કૅલેન્ડર વર્ષના પ્રથમ ત્રણ માસમાં ત્યાં સાડાચાર ટકાનો આર્થિક વિકાસદર નોંધાયો છે. વિશ્લેષકોની ધારણા મહત્તમ ૪ ટકાના ગ્રોથ રેટની હતી. ગયા વર્ષે પ્રથમ ક્વૉર્ટરમાં ૨.૨ ટકાનો જીડીપી ગ્રોથ જોવાયો હતો. ચાઇનીઝ ડેટાની અસરમાં મંગળવારે એશિયન બજારો ઘટેલા મથાળેથી ઠીક-ઠીક બાઉન્સ થયાં હતાં, પરંતુ મોટા ભાગનાં બજારો રેડ ઝોનમાં જ બંધ થયાં છે. જૅપનીઝ નિક્કી તેમ જ ઇન્ડોનેશિયન માર્કેટ અડધો ટકો અને ચાઇનીઝ બજાર સામાન્ય સુધારામાં હતું. સામે હૉન્ગકૉન્ગ, તાઇવાન અને થાઇલૅન્ડ અડધા ટકાની આસપાસ તો સાઉથ કોરિયા અને સિંગાપોર સામાન્ય ઘટાડે બંધ આવ્યાં છે. 



ઘરઆંગણે શૅરઆંક આગલા દિવસની ૫૨૦ પૉઇન્ટની નબળાઈ બાદ ૮૧ પૉઇન્ટ જેવા મામૂલી સુધારામાં ખૂલી ઉપરમાં ૬૦,૧૧૩ થયા બાદ ઘસાતા વલણમાં નીચામાં ૫૯,૫૭૯ થઈ ૧૮૪ પૉઇન્ટ નરમાઈમાં ૫૯,૭૨૭ બંધ થયું છે. નિફ્ટી ૪૭ પૉઇન્ટ ઘટી ૧૭,૬૬૦ રહ્યો છે. બન્ને બજારોના મોટા ભાગના બેન્ચમાર્ક પૉઝિટિવ ઝોનમાં હતા. નિફ્ટી ફાર્મા ૧.૬ ટકા, હેલ્થકૅર એક ટકો, રિયલ્ટી એક ટકો, પીએસયુ બૅન્ક નિફ્ટી પોણો ટકો મજબૂત હતા. ૧૩૦૦ પૉઇન્ટ પ્લસના આગલા દિવસના ધબડકા બાદ આઇટી ઇન્ડેક્સ ૧૨૮ પૉઇન્ટ જેવો અડધો ટકો સુધર્યો છે. પાવર-યુટિલિટી, ટેલિકૉમ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સમાં અડધા-પોણા ટકાની નબળાઈ હતી. રોકડું અને બ્રૉડર માર્કેટ સુધારાતરફી રહેતાં માર્કેટ બ્રેડ્થ પૉઝિટિવ બની છે. એનએસઈમાં વધેલા ૧૦૫૩ શૅરની સામે ૯૭૨ કાઉન્ટર ઘટ્યાં છે. યુરોપ રનિંગમાં સાધારણથી અડધા ટકા સુધી ઉપર હતું. 


મેઇન બોર્ડમાં બે રૂપિયાના શૅરદીઠ ૪૩૬ના ભાવથી ૯૬૫ કરોડનો ઇશ્યુ લાવનારી અવલૉન ટેક્નૉલૉજીઝનું લિસ્ટિંગ નબળું ગયું છે. શૅર ૪૩૧ ખૂલી ઉપરમાં ૪૩૫ અને નીચામાં ૩૮૮ની અંદર જઈ નવ ટકાથી વધુની લિસ્ટિંગ લોસમાં ૩૯૬ બંધ રહ્યો છે. આ ઇશ્યુ રીટેલમાં ૮૮ ટકા અને હાઈ નેટવર્થ પોર્શનમાં ૪૩ ટકા જ ભરાયો હતો, પરંતુ ક્યુઆઇબીવાળા ફિદા થયા હતા. તેમણે ૩.૮ ગણો રિસ્પૉન્સ આપી ભરણું ૨.૩ ગણું છલકાવી દીધું હતું. એસએમઈ સેગમેન્ટમાં મુંબઈના મલાડ-વેસ્ટ ખાતેની મોસ યુટિલિટીનો ૧૦ના શૅરદીઠ ૭૬ના ભાવનો એનએસઈ એસએમઈ ઇશ્યુ ૯૦ ખૂલી ઉપરમાં ૯૪ વટાવી ૨૪.૩ ટકાના લિસ્ટિંગ ગેઇનમાં ત્યાં જ બંધ થયો છે. તો મુંબઈના એલ્ફિન્સ્ટન રોડ ખાતેની સનકોડ ટેક્નૉલૉજીઝનો ૧૦ના શૅરદીઠ ૪૭ના ભાવનો બીએસઈ એસએમઈ ઇશ્યુ ૬૪ ખૂલી ઉપરમાં ૬૭ વટાવી પાંચ ટકાની નીચલી સર્કિટમાં ૬૧ નીચે બંધ થતાં અહીં ૨૯.૪ ટકાનો લિસ્ટિંગ ગેઇન રોકાણકારોને મળ્યો છે. 

અદાણીના ૧૦માંથી ૮ શૅર નરમ, ડિવીઝ લૅબ નિફ્ટી ખાતે ઝળક્યો 


મંગળવારે સેન્સેક્સના ૩૦માંથી ૧૫ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર પ્લસ હતા. સેન્સેક્સ ખાતે એચસીએલ ટેક્નૉ બે ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૧.૯ ટકા, વિપ્રો ૧.૬ ટકા, નેસ્લે લૅબ ૩.૪ ટકા કે ૧૦૮ રૂપિયાની તંદુરસ્તીમાં ૩૨૭૦ વટાવી ગયો હતો. આ ઉપરાંત સિપ્લા બે ટકા નજીક, ડૉ. રેડ્ડીઝ લૅબ સવા ટકો, કોલ ઇન્ડિયા અને આઇશર એક ટકાથી વધુ પ્લસ હતા. રિલાયન્સમાં પરિણામ નજીક, શુક્રવારે છે ત્યારે શૅર ૧.૧ ટકા બગડી ૨૩૪૦ બંધ આપી બજારને સર્વાધિક ૮૯ પૉઇન્ટ નડ્યો છે. પાવરગ્રીડ ૨.૬ ટકાથી વધુના ઘટાડે ૨૩૦ના બંધમાં બન્ને બજાર ખાતે ટૉપ લૂઝર હતો. અલ્ટ્રાટેક ૧.૯ ટકા કે ૧૪૩ રૂપિયા તરડાયો છે. ટાઇટન એકાદ ટકો તો એચડીએફસી અને બજાજ ફાઇ. પોણો ટકો ડાઉન હતા. આગલા દિવસે સાડાનવ ટકા જેવા કડાકા સાથે ‘એ’ ગ્રુપમાં ટૉપ લૂઝર બનેલો ઇન્ફોસિસ ગઈ કાલે ઉપરમાં ૧૨૭૪ થઈ છેલ્લે માંડ ત્રણેક રૂપિયાના પરચૂરણ સુધારામાં ૧૨૬૧ હતો. 

આ પણ વાંચો :  ડબ્બા ટ્રેડિંગથી સાવધાન : એનએસઈ

અદાણી એન્ટર દોઢ ટકો, અદાણી પોર્ટ્સ એક ટકો, અદાણી પાવર અડધો ટકો, અદાણી ટ્રાન્સ પોણા ટકાની નજીક, અદાણી ગ્રીન એક ટકો, અદાણી વિલ્મર એક ટકાની નજીક, એસીસી સવા ટકો, અંબુજા સિમેન્ટ્સ સવાબે ટકા ઘટ્યા છે. અદાણી ટોટલ નહીંવત્ અને એનડીટીવી સામાન્ય સુધર્યા છે. અદાણી પોર્ટ્સમાં બ્રોકરેજ હાઉસ સીએલએસએ દ્વારા ૭૯૦ની ટાર્ગેટ પ્રાઇસ સાથે જારી થયેલો બુલિશ વ્યુ બેકાર ગયો છે. મોનાર્ક ૩.૭ ટકા બગડી ૨૦૭ રહી છે. 

રોકડામાં દીપ પૉલિમર્સ અને મેક ચાર્લ્સ ઇન્ડિયા ૨૦-૨૦ ટકાની તેજીની સર્કિટે બંધ હતા. મિર્ઝા ઇન્ટરનૅશનલ ૧૧ ગણા વૉલ્યુમે ૧૭.૬ ટકા ઊછળી ૪૨ નજીક ગયો છે. 

બૅન્ક નિફ્ટીને એચડીએફસી બૅન્ક તથા આઇસીઆઇસીઆઇ બૅન્કનો ભાર લાગ્યો, યસ બૅન્ક ઝળકી 

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅરના સુધારા વચ્ચે અઢી પૉઇન્ટ જેવો નજીવો સુધરી ૪૨,૨૬૫ તો પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૮ શૅર પ્લસમાં આપીને પોણો ટકો વધ્યો છે. બૅન્કિંગ ઉદ્યોગના ૩૭માંથી ૧૩ શૅર માઇનસ હતા. કોટક બૅન્ક, એચડીએફસી બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક સાધારણથી અડધો ટકો નરમ અને ઍક્સિસ બૅન્ક નામપૂરતો પ્લસ હતો. સ્ટેટ બૅન્ક સામાન્ય સુધારે ૫૪૬ હતો. યસ બૅન્કનાં પરિણામ ૨૨મીએ છે. શૅર સાડાચાર ગણા કામકાજે ૮.૭ ટકા ઊંચકાઈ સાડાસોળને વટાવી ગયો છે. બંધન બૅન્ક, આઇડીબીઆઇ બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક અઢીથી સવાત્રણ ટકા તો ઇન્ડિયન બૅન્ક ચાર ટકા મજબૂત હતી. ફીનો પેમેન્ટ બૅન્ક સવાબે ટકા ડાઉન થયો છે. ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૪૧માંથી ૮૨ શૅરના સુધારા છતાં ૧૦ પૉઇન્ટ ઘટ્યો છે.

ક્રિસિલે માર્ચ ક્વૉર્ટરમાં ૨૦ ટકાના વધારામાં ૧૪૬ કરોડ નજીકનો નેટ પ્રૉફિટ મેળવી શૅરદીઠ ૭ રૂપિયાનું ડિવિડન્ડ જાહેર કર્યું છે. પરિણામ બંધ બજારે આવ્યાં હતાં. શૅર ૩૫૭૬ની ઇન્ટ્રા-ડે હાઈથી નીચામાં ૩૩૫૫ થઈ સવાચાર ટકા કે ૧૪૯ રૂપિયા તૂટી ૩૩૮૦ બંધ રહ્યો છે. અર્ગો કૅપિટલ ૯.૮ ટકા, પ્રુડેન્ટ કૉર્પોરેટ છ ટકા, નાહર કૅપિટલ પોણાપાંચ ટકા, ક્રેડિટ એક્સેસ ૪ ટકા મજબૂત હતા. બીએફ ઇન્વેસ્ટમેન્ટ સાડાચાર ટકા ગગડી ૪૧૩ હતો. પૂનાવાલા ફીનકૉર્પમાં મ્યુ. ફન્ડો તથા અન્યએ બલ્ક ડીલ મારફત ૧૭૦ કરોડનો માલ સોમવારે લીધો હોવાના અહેવાલમાં ભાવ બમણા કામકાજે ઉપરમાં ૩૧૨ વટાવી અઢી ટકા વધી ૩૦૯ થયો છે. એચડીએફસી તથા બજાજ ફાઇનૅન્સ પોણો ટકો નરમ હતી. મેક્સ બેન્ચર્સ, માસ ફાઇ અને રેપ્કો હોમ અઢીથી સાડાત્રણ ટકા ઘટ્યા છે. 

આઇટીમાં માનસ હજી ડામાડોળ, એકસેલ્યા સવાઆઠ ટકા મજબૂત 

ઇન્ફીની આગેવાની હેઠળ ઑલરાઉન્ડ ખરાબીમાં ૧૩૫૦ પૉઇન્ટ કે પોણાપાંચ ટકાના ધબડકામાં સોમવારે નવા ઐતિહાસિક તળિયે ગયેલો આઇટી ઇન્ડેક્સ ગઈ કાલે અડધો ટકો કે ૧૨૮ પૉઇન્ટ જેવો મામૂલી સુધર્યો છે. ૫૯માંથી ૩૦ શૅર પ્લસ હતા. એકસેલ્યા સવાઆઠ ટકાની તેજીમાં ૧૪૪૮ થયો છે. થ્રીઆઇ ઇન્ફોટેક ૪.૫ ટકા, પર્સિસ્ટન્ટ સાડાત્રણ ટકા અને કોફોર્જ સવાત્રણ ટકા અપ હતા. એચસીએલ ટેક્નૉ બે ટકા અને વિપ્રો ૧.૬ ટકા પ્લસ હતા. ટેક મહિન્દ્રા તથા લાટિમ સાધારણ ઘટ્યા છે. ટીસીએસ પણ નહીંવત્ ઘટાડે ૩૧૩૧ હતો. ક્વિક હીલ દ્વારા માર્ચ ક્વૉર્ટરમાં આવકમાં ૫૨ ટકાના ઘટાડા સાથે કંપની ૬૬૦ લાખની નેટ લોસમાં આવી જતાં શૅર ૧૬ ગણા કામકાજે ૧૨૭ના વર્ષના તળિયે જઈ છેલ્લે સવાત્રણ ટકાના ઘટાડે ૧૪૩ બંધ રહી છે. સેબીના સપાટે ચડેલી બ્રાઇટકૉમ વધુ પાંચ ટકા તૂટી છે. ઇન્ફી ૦.૨ ટકા વધીને ૧૨૬૧ હતો. ઑપ્ટિમસ સાડાછ ટકા, વિન્દ્ય ટેલી સવાત્રણ ટકા, તાતા કમ્યુ. અઢી ટકા, તેજસ નેટ દોઢ ટકા, રાઉટ સવા ટકો, સ્ટરલાઇટ ટેક્નૉ એક ટકો ઘટતાં ટેલિકૉમ ઇન્ડેક્સ ૧૬માંથી ૧૨ શૅરના ઘટાડે પોણો ટકો કટ થયો છે. જસ્ટ ડાયલ વૉલ્યુમ સાથે અઢી ટકા વધી ૬૬૬ નજીક ગઈ છે, પરંતુ હૅથવે કેબલ ૨.૬ ટકા, ડેન નેટવર્ક એક ટકો, નેટવર્ક-૧૮ સાડાત્રણ ટકા, ટીવી ૧૮ સવાત્રણ ટકાથી વધુ, રિલાયન્સ ઇન્ડ ઇન્ફ્રા અઢી ટકા, આલોક ઇન્ડ. બે ટકા ડાઉન હતા. રિલાયન્સ ગ્રુપ ખાતે અન્ય એક માત્ર સ્ટર્લિંગ વિલ્સન બે ટકા વધી ૩૦૩ બંધ આવી છે. મુકેશ અંબાણીના પરમ સખા આનંદ જૈનની જયકૉર્પ સવાપાંચ ટકા તૂટીને ૧૪૬ થઈ છે. 

પરિણામની પૂર્વસંધ્યાએ બનારસ હોટેલ નવી ટોચે, માસ્ટેકમાં સુધારો 

તાતા મોટર્સમાં ૧૨ મેએ સારા પરિણામ આવવાની હવા ચાલુ થતાં શૅર વધીને ૪૮૩ વટાવી ગયો હતો, પરંતુ હવા પાછળથી હવાઈ જતાં ભાવ નજીવો સુધરી ૪૭૩ બંધ રહ્યો છે. મારુતિનાં રિઝલ્ટ ૨૬ એપ્રિલે છે. શૅર ૦.૭ ટકા વધી ૮૭૩૫ થયો છે. બજાજ ઑટોનાં રિઝલ્ટ ૨૫મીએ આવશે. શૅર એક ટકાના ઘટાડે ૪૨૧૦ હતો. આઇશર સવા ટકો અને અશોક લેલૅન્ડ એક ટકો વધ્યા છે. સામે ટીવીએસ બે ટકા અને હીરો મોટોકૉર્પ એક ટકો નરમ હતા. હિન્દુ યુનિલીવર સાધારણ, આઇટીસી અડધો ટકો અને બ્રિટાનિયા પોણો ટકો નરમ હતા. નેસ્લે બે ટકાની આગેકૂચમાં ૨૦,૬૫૪ થયો છે. 

હેલ્થકૅર ઇન્ડેક્સ ૯૯માંથી ૬૮ શૅરના સથવારે એક ટકો વધ્યો છે. સુપ્રિયા લાઇફ, લુપિન અને મેડીકામેન ૬થી ૭ ટકા મજબૂત હતો. સનફાર્મા પોણો ટકો અને સ્પાર્ક ૪ ટકા વધી છે. ઝાયડ્સ લાઇફ તેજીની ચાલમાં ૫૧૮ના નવા શિખરે જઈ પોણાત્રણ ટકા વધી ૫૧૬ નજીક ગઈ છે. તાતા કેમિકલ્સ દ્વારા સોડા ઍશના ભાવમાં ઘટાડો જાહેર થતાં ભાવ ૨૦ ગણા વૉલ્યુમે છ ટકા ખરડાઈને ૯૩૨ રહ્યો છે. રિયલ્ટી ઇન્ડેક્સ એક ટકો વધ્યો છે. શોભા સાડાસાત ટકાની તેજીમાં ૪૬૭ બંધ આપીને મોખરે હતી. લોઢાની મેક્રોટેક સવા ટકો નરમ તો નૅશનલ સ્ટાન્ડર્ડ્સ એક ટકો પ્લસ હતી. તાતા ગ્રુપની બનારસ હોટેલ્સસાં પરિણામ બુધવારે છે. શૅર ૩૯૦૦ની નવી ટોચે જઈ દોઢ ટકો વધી ૩૭૭૧ બંધ થયો છે. માસ્ટેક પણ પરિણામની પૂર્વસંધ્યાએ બે ટકાની મજબૂતીમાં ૧૬૦૩ હતો. 

Whatsapp-channel Whatsapp-channel

19 April, 2023 12:58 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK