ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ રેટ વધારશે એવી એક મહિના અગાઉની ૮૧ ટકા શક્યતા ઘટીને ૫૯.૮ ટકા રહી : મુંબઈમાં સોનામાં ૧૨૫૯ અને ચાંદીમાં ૧૬૯૯ રૂપિયાનો ઉછાળો
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
સોનું ૨૦૦૦ ડૉલરની સપાટી કુદાવીને ૨૦૧૧ ડૉલર સુધી પહોંચ્યા બાદ બે તરફી ડેવલપમેન્ટને પગલે ભારે વધ-ઘટ જોવા મળી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૫૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૬૯૯ રૂપિયા ઊછળી હતી. સોનું ૫૯,૦૦૦ રૂપિયાના લેવલને અને ચાંદી ૬૮,૦૦૦ રૂપિયાના લેવલને પાર કરી ગયાં હતાં
વિદેશી પ્રવાહ
ADVERTISEMENT
વર્લ્ડની ફાઇનૅન્શિયલ માર્કેટમાં ઝડપથી બની રહેલા બનાવોને કારણે સોનામાં મોટી વધ-ઘટ જોવા મળી હતી. સ્વિસ બૅન્કિંગ કંપની ક્રેડિટ સુઈસને યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડે ટેકઓવર કરવાના સમાચારને પગલે ફાઇનૅન્શિયલ માર્કેટમાં થોડી રાહત પહોંચી હતી, પણ ફેડ તથા અન્ય સેન્ટ્રલ બૅન્કોએ ડૉલર લિક્વિડિટી વધારવા લીધેલા પગલાની અસરે ડૉલર ગગડતાં સોનું ૨૦૦૦ ડૉલરની સપાટીને ઓળંગીને ૨૦૧૧.૫૦ની ઊંચાઈએ પહોંચ્યું હતું. સોનામાં ઝડપી તેજીને પગલે પ્રૉફિટ બુકિંગ આવતાં તેમ જ ફેડ ચાલુ સપ્તાહે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે કે કેમ એ વિશે બેતરફી ચર્ચાઓને પગલે સોનું ઘટીને સોમવારે સાંજે ૧૯૮૫થી ૧૯૮૬ ડૉલર ક્વોટ થયું હતું. સોનું ઊંચા મથાળેથી ઘટતાં ચાંદી અને પૅલેડિયમ ઘટ્યાં હતાં, પણ પ્લૅટિનમમાં સુધારો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ લૅન્ડિંગ રેટ સતત સાતમી વખત જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. કૉર્પોરેટ અને હાઉસહોલ્ડ માટેનો વન યર પ્રાઇમ લૅન્ડિંગ રેટ ૩.૬૫ ટકા અને પાંચ વર્ષનો લૅન્ડિંગ રેટ ૪.૩ ટકા જાળવી રાખ્યો હતો. પીપલ્સ બૅન્કે ૧૭મી માર્ચે રિઝર્વ રિક્વાયરમેન્ટ રેશિયોમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના ઇકૉનૉમિક રિકવરી માટે શ્રેણીબદ્ધ પગલાં લેવા કટિબદ્ધ છે.
યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ દ્વારા ક્રેડિટ સુઈસને ટેકઓવર કરવાના નિર્ણયને પગલે અમેરિકી ડૉલર વધુ ઘટીને ૧૦૩.૮ના લેવલે પહોંચ્યો હતો. વળી ગ્લોબલ બૅન્કોએ ડૉલર લિક્વિડિટી વધારવા પગલાં લેવાનાં ચાલુ કરતાં અમેરિકી ડૉલર પર દબાણ વધ્યું હતું. સ્વિટ્ઝરલૅન્ડ ગવર્મેન્ટે ફાઇનૅન્શિયલ ક્રાઇસિસને ટાળવા બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડને ક્રેડિટ સુઈસને ટેકઓવર કરવા દબાણ કર્યું હતું. અમેરિકન ફેડરલ રિઝર્વ બૅન્ક અને અન્ય પાંચ સેન્ટ્રલ બૅન્કોએ ગ્લોબલ ફાઇનૅન્શિયલ સિસ્ટમને બચાવવા ડૉલર લિક્વિડિટી વધારવા પગલાં લીધાં હતાં એની પણ અસર ડૉલર પર થઈ હતી. ચાલુ સપ્તાહે ફેડ પૉલિસી મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એવી શક્યતા છે. ફેડ ૨૫ બેસિસ પૉઇન્ટ વધારશે એ શક્યતા એક મહિના અગાઉ ૮૧ ટકા હતી એ ઘટીને હવે ૫૯.૮ ટકાની છે અને એક મહિના અગાઉ ફેડ ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા ૧૯ ટકા હતી જે હવે ઝીરો છે.
અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ફેબ્રુઆરીમાં ૦.૧ ટકા વધ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૧ ટકા ઘટાડાની હતી. ડ્યુરેબલ મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ૦.૧ ટકા અને નૉન ડ્યુરેબલ મૅન્યુફૅક્ચરિંગ ૦.૨ ટકા વધ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું કૅપેસિટી યુટિલાઇઝેશન ૦.૧ ટકા ઘટ્યું હતું. અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ફેબ્રુઆરીમાં સ્ટેડી રહ્યું હતું અને માર્કેટની ૦.૨ ટકાની ધારણા કરતાં ઓછું રહ્યું હતું. જાન્યુઆરીમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ ૦.૩ ટકા વધ્યું હતું.
અમેરિકાનો કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ માર્ચમાં ઘટીને ૬૩.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ફેબ્રુઆરીમાં ૬૭ પૉઇન્ટ હતો. છેલ્લા ચાર મહિનામાં કન્ઝ્યુમર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સમાં પ્રથમ ઘટાડો નોંધાયો હતો. ફેબ્રુઆરીમાં આ ઇન્ડેકસ એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાને પગલે સેન્ટિમેન્ટને મોટી અસર પહોંચી હતી. ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન એક વર્ષનું ઘટીને ૩.૮ ટકા થયું હતું જે અગાઉ ૪.૧ ટકા હતું અને પાંચ વર્ષનું ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૨.૯ ટકાથી ઘટીને ૨.૮ ટકા રહ્યું હતું.
ચાલુ સપ્તાહે અમેરિકન ફેડ, બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ, સ્વિસ નૅશનલ બૅન્ક અને નૉર્ગિસ બૅન્ક ઇન્ટરેસ્ટ રેટ અંગે નિર્ણય લેશે. મોટા ભાગે ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારો કરશે. ચાલુ સપ્તાહે જપાન, બ્રિટન અને કૅનેડાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. આ ઉપરાંત અમેરિકા, જપાન, યુરો એરિયા, જર્મની, ફ્રાન્સ સહિત અનેક દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ડેટા જાહેર થશે.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકા, બ્રિટન, યુરો એરિયા સહિત તમામ દેશોનું ઇન્ફ્લેશન સતત ઘટી રહ્યું છે, કારણ કે રશિયા અને યુક્રેન વચ્ચે છેલ્લા ૧૩ મહિનાથી ચાલી રહેલા યુદ્ધની અસર હવે બહુ રહી નથી. સોમવારે ક્રૂડ તેલ અને બ્રેન્ટના ભાવમાં ત્રણ ટકાનો ઘટાડો થઈને બન્નેના ભાવ સવા વર્ષના તળિયે પહોંચ્યા હતા. નેચરલ ગૅસના ભાવ પણ ઘટીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકા, બ્રિટન સહિત તમામ દેશોમાં શિયાળાની સીઝન પૂરી થવા લાગતાં હવે એનર્જી આઇટમોનો વપરાશ થોડો ઘટવાની પણ ધારણા છે. આ તમામ સ્થિતિ જોતાં ઇન્ફ્લેશનમાં હજુ વધુ ઘટાડો આગામી મહિનાઓમાં જોવા મળશે. ઇન્ફ્લેશન ઘટતાં ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્કોને ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવાની જરૂરત નથી. વળી ઇન્ફ્લેશન ઘટતાં બૅન્કિંગ ક્રાઇસિસને ખાળવા ફેડ અને અન્ય સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કરવા પણ વિચારી શકે છે. જો ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડાની સાઇકલ ચાલુ થશે તો સોનામાં તેજીનો રસ્તો આસાન બનશે. હાલની બદલાયેલી સ્થિતિમાં સોનામાં તેજીના ચાન્સ સતત વધી રહ્યા છે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૯,૪૭૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૯,૨૪૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૮,૪૭૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)