હિંડનબર્ગ રિસર્ચના રિપોર્ટને અદાણી ગ્રુપે ફગાવી દીધા, કહ્યું કે વ્યક્તિગત લાભ માટે લગાવવામાં આવ્યા છે આરોપ
ગૌતમ અદાણી
અમેરિકન શૉર્ટ સેલિંગ ફર્મ હિંડનબર્ગ રિસર્ચે અદાણી ગ્રુપ સંદર્ભમાં તાજેતરમાં પ્રકાશિત કરેલા અહેવાલને અદાણી ગ્રુપે ફગાવી દીધો છે અને જણાવ્યું છે કે આ અગાઉના આરોપોનું રીસાઇક્લિંગ છે અને સુપ્રીમ કોર્ટે અગાઉ એને ડિસમિસ કરી દીધા છે અને આધારવિહોણા સાબિત થયા છે.
અદાણી ગ્રુપે એક નિવેદનમાં સ્પષ્ટ કર્યું હતું કે ‘અમેરિકન શૉર્ટ સેલર હિંડનબર્ગના રિપોર્ટમાં સાર્વજનિક રૂપથી ઉપલબ્ધ કેટલાંક તથ્યોને પોતાની રીતે રજૂ કરીને ચાલાકી કરવામાં આવી છે. વ્યક્તિગત લાભ મેળવવા માટે અગાઉથી નક્કી કરાયેલી એક દુર્ભાવનાપૂર્ણ કવાયતમાં નિરાધાર આરોપ લગાવાઈ રહ્યા છે. પહેલાં જ બદનામ સાબિત થયેલા હિંડનબર્ગનના દાવાઓનું આ રીસાઇક્લિંગ છે. ૨૦૨૩માં સુપ્રીમ કોર્ટે પણ હિંડનબર્ગના આરોપો ફગાવી દીધા હતા. આરોપોની પૂરી તપાસ બાદ એ નિરાધાર સાબિત થયા હતા. અમારું વિદેશી હોલ્ડિંગ્સ સ્ટ્રક્ચર પૂર્ણ રીતે પારદર્શી છે. આ સિવાય અનિલ આહુજા અદાણી પાવર (૨૦૦૭-૨૦૦૮)ના ૩-આઇ ઇન્વેસ્ટમેન્ટ ફન્ડનો નૉમિની ડિરેક્ટર હતો. પછી તે અદાણી એન્ટરપ્રાઇઝમાં ૨૦૧૭ સુધી ડિરેક્ટર હતો. રિપોર્ટમાં જેમનાં નામ આપવામાં આવ્યાં છે તેમની સાથે અમારે કોઈ કમર્શિયલ સંબંધો નથી. અમે પૂરી ટ્રાન્સપરન્સીથી કામ કરીએ છીએ અને તમામ કાનૂનો અને નિયમોનું પાલન કરીએ છીએ. આ બદનામ શૉર્ટ સેલરે ભારતીય સિક્યૉરિટીઝ કાયદાનો અનેક વાર ભંગ કર્યો છે અને ફરીથી તે કાયદાનો ભંગ કરીને આરોપ લગાવી રહ્યો છે.’