Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


App banner App banner
હોમ > બિઝનેસ સમાચાર > સેન્સેક્સ-નિફ્ટીમાં ૪.૪ અને રિલાયન્સમાં ૭.૫ ટકા સામે અદાણી એન્ટરના ૧૨૫ ટકા રિટર્ન સાથે વર્ષ પૂરું

સેન્સેક્સ-નિફ્ટીમાં ૪.૪ અને રિલાયન્સમાં ૭.૫ ટકા સામે અદાણી એન્ટરના ૧૨૫ ટકા રિટર્ન સાથે વર્ષ પૂરું

Published : 31 December, 2022 01:49 PM | IST | Mumbai
Anil Patel

૨૦૨૨માં પીએસયુ બૅન્ક  નિફ્ટી ૭૦ ટકા અને બૅન્ક નિફ્ટી ૨૧ ટકા ઊંચકાયા, આઇટી ઇન્ડેક્સમાં ૨૪ ટકાનો ધબડકો

પ્રતીકાત્મક તસવીર

માર્કેટ મૂડ

પ્રતીકાત્મક તસવીર


વિદાય લેતા વર્ષમાં વેનેઝુએલા ખાતે ૨૨૫ ટકા, ટર્કી ખાતે ૧૯૪ ટકા તથા આર્જેન્ટિનાની બજારમાં ૧૩૯ ટકાની તેજી જોવા મળી: અગ્રણી શૅરબજારોની નોંધપાત્ર નરમાઈને કારણે વિશ્વસ્તરે માર્કેટકૅપમાં ૧૮ લાખ કરોડ ડૉલરનું બાષ્પીભવન : ૨૦૨૨માં પીએસયુ બૅન્ક  નિફ્ટી ૭૦ ટકા અને બૅન્ક નિફ્ટી ૨૧ ટકા ઊંચકાયા, આઇટી ઇન્ડેક્સમાં ૨૪ ટકાનો ધબડકો : એલિન ઇલેનું ડિસ્કાઉન્ટમાં લિસ્ટિંગ, કૅફિન નવા તળિયે, અરિહંત ઍકૅડેમીમાં નવી ટૉપ : લોટસ ચૉકલેટમાં રિલાયન્સ શૅરદીઠ ૧૧૫ના ભાવે ઓપન ઑફર કરશે : છેલ્લા અડધા કલાકની ખરાબીમાં બહુમતી સેક્ટોરલ ઘટ્યાં, માર્કેટ બ્રેડ્થ મજબૂત રહી


શુક્રવારે સેન્સેક્સ ૨૯૩ પૉઇન્ટ ઘટીને ૬૦૮૪૧ તથા નિફ્ટી ૮૬ પૉઇન્ટ બગડીને ૧૮૧૦૫ બંધ થયાં છે. આ સાથે બજારે ૪.૪ ટકા આસપાસના વાર્ષિક ધોરણે રિટર્ન સાથે ૨૦૨૨ને વિદાય આપી છે. સેન્સેક્સના ૪.૪ ટકા કે ૨૫૮૭ પૉઇન્ટના તથા નિફ્ટીના ૪.૩ ટકા કે ૭૫૧ પૉઇન્ટના સુધારા સામે આ વર્ષે બૅન્ક નિફ્ટી ૨૧.૨ ટકા કે ૭૫૦૫ પૉઇન્ટની તેજીમાં જોવા મળ્યો છે. સામે આઇટી બેન્ચમાર્ક ૨૪.૨ ટકા કે ૯૧૭૩ પૉઇન્ટ ધોવાયો છે. પીએસયુ બૅન્ક નિફ્ટી તો ૭૦ ટકાથી વધુની તેજીમાં રહ્યો છે અને એની હૂંફમાં પીએસયુ ઇન્ડેક્સ પણ ૨૩ ટકા મજબૂત થયો છે. ઑઇલ-ગૅસ, ઑટો, કૅપિટલ ગુડ્સ, એફએમસીજી, એનર્જી જેવા બેન્ચમાર્ક ૧૬થી ૧૮ ટકા અને પાવર ઇન્ડેક્સ ૨૫ ટકા વધ્યા છે. બ્રૉડર માર્કેટ ૩.૩ ટકાના સુધારામાં માર્કેટ અન્ડર પર્ફોર્મર બન્યું છે, તો રોકડું કે સ્મૉલ કૅપ ઇન્ડેક્સમાં પોણાબે ટકાનો ઘટાડો દેખાયો છે.



૨૦૨૨ના કામકાજના આખરી દિવસે તમામ અગ્રણી એશિયન બજારો સુધર્યાં છે. જોકે સુધારાનું પ્રમાણ મામૂલીથી લઈને અડધા ટકા નજીકનું હતું. યુરોપ રનિંગમાં પોણો ટકો ઘટ્યું છે. સમગ્ર વર્ષ દરમ્યાન અગ્રણી શૅરબજારોની નબળાઈને કારણે ગ્લોબલ માર્કેટ કૅપમાં ૧૮ લાખ કરોડ ડૉલર એટલે કે ૧૪૭૫ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થયું છે. પ્રોવિઝનલ ફિગર પ્રમાણે વર્ષાંતે અમેરિકન ડાઉ પોણાનવ ટકા, નૅસ્ડૅક ૩૩.૫ ટકા, જૅપનીઝ નિક્કી સવાનવ ટકા, ચાઇના અને હૉન્ગકૉન્ગ ૧૪ ટકાની આસપાસ, તાઇવાન ૨૪.૮ ટકા ડાઉન થયા છે. સ્ટા. પુઅર્સ યુરો ઇન્ડેક્સની રીતે યુરોપ ૧૩ ટકા ગગડ્યું છે. રશિયન બજારમાં ૪૩ ટકાનો કડાકો બોલાયો છે. સાઉથ કોરિયન કોસ્પી ઇન્ડેક્સ ૨૪.૯ ટકા લથડ્યો છે. સામા પક્ષે વેનેઝુએલાનું શૅરબજાર ૨૨૫ ટકા, ટર્કીનું માર્કેટ ૧૯૪ ટકા અને આર્જેન્ટિનાનો માર્વેલ ઇન્ડેક્સ ૧૩૯ ટકા ઊછળ્યો છે. એશિયા ખાતે સિંગાપોર ચારેક ટકા તો થાઇલૅન્ડ પોણાબે ટકા વધ્યા છે. બ્રાઝિલનો બોવેસ્યા પણ ૪ ટકા પ્લસમાં જોવાયો છે. બાય ધ વે, પાકિસ્તાનનું શૅરબજાર ૨૦૨૨માં દસેક ટકા બગડ્યું છે.


વાર્ષિક ધોરણે આઇટીસી, મહિન્દ્ર, કોલ ઇન્ડિયા, અદાણી એન્ટર ઝળક્યા

સેન્સેક્સ ગઈ કાલે આગલા બંધથી ૨૦૦ પૉઇન્ટ નજીક પ્લસમાં ખૂલી બે વાગ્યા સુધી પૉઝિટિવ ઝોનમાં હતો. બજારમાં વધ-ઘટની રેન્જ જોકે ૬૫૦ પૉઇન્ટ જેવી જોવા મળી છે. સેન્સેક્સના ૩૦માંથી ૧૦ અને નિફ્ટીના ૫૦માંથી ૨૧ શૅર વધ્યા છે. બજાજ ટ્વિન્સ વધવામાં મોખરે હતા. બજાજ ‌ફિન સર્વ ૨.૨ ટકા તો બજાજ ફાઇનૅન્સ ૧ ટકા કે ૬૭ રૂપિયા ઊંચકાયો છે. બજાજ ઑટો દોઢ ટકા વધ્યો હતો. ઓએનજીસી ૧.૬ ટકા, ટાઇટન ૧.૬ ટકા, હિન્દાલ્કો ૦.૮ ટકા અને ભારત પેટ્રો ૧.૨ ટકા અપ હતા, જ્યારે અદાણી એન્ટર, તાતા સ્ટીલ, તાતા મોટર્સ, વિપ્રો, કોટક બૅન્ક, હીરો મોટોકૉર્પ, કોલ ઇન્ડિયા અડધાથી દોઢેક ટકા સુધર્યા છે. રિલાયન્સ બે દિવસની ડલનેસ પછી સામાન્ય વધી ૨૫૪૮ના બંધમાં બજાર માટે ૧૭ પૉઇન્ટ લાભદાયી બન્યો છે. એસબીઆઇ લાઇફ બે ટકા ઘટી ૧૨૩૩ હતો. આઇસીઆઇસીઆઇ બૅન્ક ૧.૭ ટકાની નરમાઈમાં સેન્સેક્સ ખાતે ટૉપ લૂઝર થયો છે. આઇશર, એજડીએફસી, ભારતી ઍરટેલ, ગ્રાસ‌િમ, આઇટીસી સવા-દોઢ ટકો નરમ હતા. અદાણી ટોટલ બે દિવસ સતત ડબલ સેન્ચુરી ફટકાર્યા પછી ગઈ કાલે ૩ ટકા ગગડી ૩૬૯૫ થયો છે. અદાણી વિલ્મર બે ટકા, અદાણી ગ્રીન એક ટકો, અદાણી એન્ટર સવા ટકો વધ્યા છે.


૨૦૨૨ દરમ્યાન મેઇન બેન્ચમાર્ક ખાતે આઇટીસી બાવન ટકાની તેજીમાં મોખરે રહ્યો છે. નિફ્ટીમાં અદાણી એન્ટરપ્રાઇઝિસમાં ૧૨૫ ટકાનું રિટર્ન મળ્યું છે. આ ઉપરાંત મહિન્દ્ર ૪૯ ટકા, કોલ ઇન્ડિયા ૫૪ ટકા, ઍક્સિસ બૅન્ક ૩૮ ટકા, ઇન્ડસઇન્ડ બૅન્ક ૩૭ ટકા, એનટીપીસી ૩૪ ટકા, સ્ટેટ બૅન્ક ૩૩ ટકા ઊછળ્યા છે. સામે વિપ્રો ૪૫ ટકા, ટેક મહિન્દ્ર ૪૩ ટકા, તાતા મોટર્સ ૧૯ ટકા,  ઇન્ફોસિસ ૨૦ ટકા ડૂલ થયા છે. રિલાયન્સમાં વાર્ષિક ધોરણે ૭.૫ ટકાનું વળતર મળ્યું છે.

બીએસઈ ૫૦૦ ખાતે માઝગાવ ડૉક ૨૦૧ ટકા, અદાણી પાવર ૧૯૮ ટકા, કર્ણાટક બૅન્ક ૧૫૧ ટકા, ભારત ડાયનૅમિક્સ ૧૪૭ ટકા અને યુકો બૅન્ક ૧૪૪ ટકાના રિટર્ન સાથે મોખરે રહ્યા છે. સામા પક્ષે ફ્યુચર કન્ઝ્‍યુમરમાં ૮૦ ટકા, પિરામલ એન્ટરમાં ૬૮ ટકા, મેટ્રોપોલિસમાં ૬૨ ટકા, તાન્લા પ્લૅટફૉર્મમાં ૬૦ ટકા અને ગ્લેન્ડ ફાર્મામાં ૫૯ ટકા મૂડી સાફ થઈ ગઈ છે. સમગ્ર બજારની વાત કરીએ તો ૨૦૨૨માં બીએસઈ ખાતે કૈસર પ્રેસ ૨૦૮૮ ટકા, બીસીસી ફાઇનૅન્સ ૨૦૨૫ ટકા, રજનિશ વેલનેસ ૧૯૫૮ ટકા, અલાયન્સ ઇન્ટિગ્રેટેડ ૧૫૯૩ ટકા અને અશનીષા ઇન્ડ. ૧૪૮૩ ટકા વધી ગયા છે, તો એસએમ ગોલ્ડમાં ૯૨ ટકા, બીએફએલ ડેવલપર્સમાં ૯૦ ટકા, સેરેબ્રા ઇન્ટરમાં ૮૩ ટકા, કાર્દા કન્સ્ટ્રક્શનમાં ૮૨ ટકા, ફ્યુચર એન્ટરમાં ૮૧ ટકા મૂડીનું ધોવાણ થયું છે. બાય ધ વે ગઈ કાલે માર્કેટ બ્રેડ્થ સારી એવી સ્ટ્રૉન્ગ રહી છે. એનએસઈમાં ૧૨૮૩ શૅર પ્લસ, તો સામે ૭૧૬ કાઉન્ટર નરમ બંધ થયાં છે.

છેલ્લા અડધા કલાકમાં બજારમાં ૪૧૦ પૉઇન્ટનો અણધાર્યો ઘટાડો

બજાર ગઈ કાલે છેલ્લા અડધા કલાકમાં વિશેષ ખરડાયું હતું, જેમાં સેન્સેક્સ ૬૧૧૫૩થી ગગડી ૬૦૭૪૪ના ઇન્ટ્રા-ડે તળિયે પહોંચી ગયો હતો. ૪૦૦ પૉઇન્ટથી વધુની આ ઝડપી નબળાઈને લીધે બહુમતી બેન્ચમાર્ક માઇનસ ઝોનમાં આવી ગયા છે. બૅન્કિંગ, ફાઇનૅન્સ, એફએમસીજી, પાવર, યુટિલિટીઝ ઇન્ડેક્સ અડધો-પોણો ટકો કટ થયા છે. સરકારી બૅન્કો સામા પ્રવાહે હતી. નિફ્ટી મીડિયા, રિયલ્ટી, મેટલ ઇન્ડેક્સ અડધો-પોણો ટકો પ્લસ હતા. કન્ઝ્‍યુ ડ્યુરેબલ્સ પોણા ટકાથી વધુ સુધર્યા છે.

આઇટી ઇન્ડેક્સ ૬૦માંથી ૩૯ શૅર વધવા છતાં ૪૭ પૉઇન્ટ જેવો મામૂલી ઘટ્યો છે. ઇન્ફી, ટીસીએસ અને એચસીએલ ટેકનૉ અડધા ટકાની આસપાસ ઢીલા હતા. લાટિમ ૧.૪ ટકા ઘટ્યો છે. ટેક મહિન્દ્ર સાધારણ તથા વિપ્રો અડધો ટકો સુધર્યો છે. આઇશર, મહિન્દ્ર, ટીવીએસ એકથી દોઢ ટકો અને મારુતિના અડધા ટકાના ઘટાડે ઑટો બેન્ચમાર્ક નહીંવત્ ઘટ્યો છે. બજાજ ઑટો દોઢ ટકો વધીને ૩૬૨૫ હતો.

એનર્જી ઇન્ડેક્સ ૨૭માંથી ૨૨ શૅરના વધારા વચ્ચે પણ ફ્લૅટ બંધ આવ્યો છે. અદાણી ટોટલની ત્રણ ટકાની ખરાબીનું આ પરિણામ હતું. આ જ પ્રમાણે ટેક્નૉલૉજી બેન્ચમાર્ક ૨૮માંથી ૨૦ શૅર વધવા છતાં ૦.૪ ટકા ઘટ્યો એ ઇન્ફી અને ભારતી ઍરટેલની કમજોરીને આભારી છે. એફએમસીજીમાં આઇટીસી એક ટકો, નેસ્લે ૧.૧ ટકો, વરુણ બેવરેજિસ અઢી ટકા, બ્રિટાનિયા પોણો ટકો, હિન્દુ. યુનિલીવર નહીંવત્ નરમ હતા. જીઆરએમ ઓવરસીઝ ૧૯.૩ ટકાની તેજીમાં ૪૩૪ નજીક બંધ હતો.

રિલાયન્સે એન્ટ્રી લેતાં લોટસ ચૉકલેટ તેજીમાં, એલિન ડિસ્કાઉન્ટે લિસ્ટેડ થઈ

પાંચના શૅરદીઠ ૨૪૭ની ઇશ્યુ પ્રાઇસથી ભરણું કરનારી એલિન ઇલેક્ટ્રૉનિક્સ ગઈ કાલે ૨૪૩ ખૂલી ઉપરમાં ૨૪૫ અને નીચામાં ૨૨૫ બતાવી ૭.૭ ટકા કે ૧૯ રૂપિયાના લિસ્ટિંગ લૉસમાં ૨૨૮ બંધ થઈ છે. કૅફિન ગુરુવારના ડલ લિસ્ટિંગ બાદ ૩૪૨નું નવું બૉટમ બનાવી ૫.૪ ટકા તૂટી ૩૪૪ રહી છે. મુંબઈના બોરીવલીની અરિહંત ઍકૅડેમી ૪૦ ટકાના લિસ્ટિંગ ગેઇનને આગળ વધારતાં શુક્રવારે પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૩૨ ઉપર નવા શિખરે બંધ હતી. ઉમા કન્વર્ટર ૨.૭ ટકા વધી ૩૪ થઈ છે. પેસ ઈ-કૉમર્સ ૨૭.૫૦ના નવા ઑલટાઇમ તળિયે જઈ પાંચ ટકાના ઉછાળામાં ૩૦ નજીક હતી.

લોટસ ચૉકલેટમાં રિલાયન્સ કન્ઝ્‍યુમર પ્રોડક્ટસ દ્વારા ૭૪ કરોડમાં ૫૧ ટકા હિસ્સો ખરીદી લેવાયો છે. નિયમ મુજબ ૨૬ ટકા પબ્લિક હોલ્ડિંગ ખરીદવા શૅરદીઠ ૧૧૫ના ભાવે ઓપન ઑફર થશે. લોટસ ચૉકલેટ પાંચ ટકાની ઉપલી સર્કિટે ૧૨૩ બંધ થઈ છે. ક્રાફ્ટસમૅન ઑટોએ ૩૭૫ કરોડમાં ડીઆર ઍક્સિયન ઇન્ડિયા પ્રા. લિ.ને હસ્તગત કરતાં એનો શૅર ૬ ગણા વૉલ્યુમે ૩૭૧૦ની વિક્રમી સપાટીએ જઈ ૭.૮ ટકા કે ૨૫૨ રૂપિયાના જમ્પમાં ૩૫૦૭ બંધ હતો. એચ. જી. ઇન્ફ્રાને ૯૯૭ કરોડનો હાઇવે પ્રોજેક્ટ મળતાં ભાવ પાંચ ગણા કામકાજમાં ઉપરમાં ૬૨૪ થઈ સાત ટકાની મજબૂતીમાં ૬૧૫ થયો છે. કનોરિયા કેમિ ઉપરમાં ૧૭૭ થઈ ૬ ટકાની આગેકૂચમાં ૧૫૯ રહી છે.

આરબીએલ બૅન્ક વર્ષના શિખરે, ન્યુ ઇન્ડિયા અને જનરલ ઇન્શ્યૉરન્સ જોરમાં

બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૫ શૅરના ઘટાડામાં ૨૬૬ પૉઇન્ટ બગડી છે, જ્યારે પીએસયુ બૅન્ક નિફ્ટી ૧૨માંથી ૧૨ શૅરના બાઉન્સ બૅકમાં દોઢ ટકો પ્લસ હતો. બૅન્કિંગના ૩૭માંથી ૨૭ શૅર વધ્યા છે. આરબીએલ બૅન્ક ૧૮૫ની વર્ષની ટૉપ બનાવી ૧.૭ ટકા વધી ૧૭૯ હતો. સાઉથ ઇન્ડિયન બૅન્ક, આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક, પંજાબ સિંધ બૅન્ક, બૅન્ક ઑફ મહારાષ્ટ્ર, આઇઓબી, યુકો બૅન્ક, યુનિયન બૅન્ક, કૅનેરા બૅન્ક, બૅન્ક ઑફ ઇન્ડિયા, ઇક્વિટાસ બૅન્ક, ઉજ્જીવન બૅન્ક, સૂર્યોદય બૅન્ક બેથી ૪.૫ ટકા મજબૂત હતા. એચડીએફસી બૅન્ક, ઇન્ડસઇન્ડ બૅન્ક, આઇસીઆઇસીઆઇ બૅન્ક પોણાથી પોણાબે ટકા તથા એયુ બૅન્ક દોઢ ટકો માઇનસ હતા.

ફાઇનૅન્સ ઇન્ડેક્સ ૧૩૭માંથી ૯૫ શૅર વધવા છતાં ૩૨ પૉઇન્ટ જેવો ઘટ્યો છે. ન્યુ ઇન્ડિયા અશ્યૉરન્સ ૮.૮ ટકા, જનરલ ઇન્શ્યૉરન્સ પોણાસાત ટકા, સેન્ટ્રમ કૅપિટલ સાડાછ ટકા, શ્રીરામ ફાઇ. ૫.૨ ટકા જેવો પ્લસ થયા છે. એપ્ટસ વૅલ્યુ ૨.૮ ટકા ગગડ્યો છે. સ્ટાર હેલ્થ ૨.૩ ટકા ઘટી ૫૬૬ હતો. નાયકા આગલા દિવસની ૪ ટકાની તેજી બાદ બે ટકા ઘટ્યો છે. તો પૉલિસી બાઝાર એક ટકો ઘટ્યો છે. પેટીએમ પોણો ટકો પ્લસ હતો. એલઆઇસી ફ્લૅટ જણાયો છે.

Whatsapp-channel Whatsapp-channel

31 December, 2022 01:49 PM IST | Mumbai | Anil Patel

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK