સ્ટૉક્સનાં વૅલ્યુએશન વાજબી સ્તરે આવી રહ્યાં હોવાની ધારણા સાથે ફૉરેન ઇન્વેસ્ટર્સ ખરીદી વધારી રહ્યા છે. જોકે મંદીવાળા સાવ શાંત પડી જશે એવું લાગતું નથી. સો બી સિલેક્ટિવ અને સ્માર્ટ
સ્ટૉક ટ્રેન્ડ
પ્રતીકાત્મક ફાઇલ તસવીર
બુલ્સ આર બૅક – તેજીવાળાઓ પાછા ફરી રહ્યા હોવાનો મત વ્યક્ત થવા લાગ્યો છે. બજારનું સતત બીજું સપ્તાહ પૉઝિટિવ પસાર થયું છે. સ્ટૉક્સનાં વૅલ્યુએશન વાજબી સ્તરે આવી રહ્યાં હોવાની ધારણા સાથે ફૉરેન ઇન્વેસ્ટર્સ ખરીદી વધારી રહ્યા છે. જોકે મંદીવાળા સાવ શાંત પડી જશે એવું લાગતું નથી. સો બી સિલેક્ટિવ અને સ્માર્ટ
આપણા દેશમાં ફુગાવાનો દર નિયંત્રણમાં આવતો જાય છે. જોકે હજી મોંઘવારી ઓછી થઈ ગઈ અને વધુ ઓછી થતી જશે એમ પાકે પાયે કહી શકાય નહીં. યુએસએમાં પણ તાજેતરમાં ઇન્ફ્લેશન રેટ સાધારણ નીચે આવતાં વ્યાજદરનો વધારો ધીમો પડવાની આશા જાગી છે. એમ છતાં ગ્લોબલ અનિશ્રિતતા દૂર થઈ ગઈ એમ કહી શકાય નહીં. અલબત્ત, ભારતીય માર્કેટનાં વૅલ્યુએશન વાજબી બન્યા હોવાના અભિગમ સાથે વિદેશી રોકાણકારો આપણી માર્કેટમાં નેટ બાયર્સ બનવા લાગ્યા છે. પરિણામે સેન્સેક્સ ફરી વાર ૬૦ હજારની સપાટી વટાવી ગયો છે. મ્યુચ્યુઅલ ફન્ડ્સની ઇક્વિટી યોજનાઓમાં રોકાણપ્રવાહ વધી રહ્યો છે. સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની ખરીદીનો ટ્રેન્ડ અને ટેકો ચાલુ રહ્યો છે. અલ-નીનો છતાં હવામાન વિભાગ તરફથી ભારતમાં ચોમાસું એકંદરે સારું રહેવાની ધારણા વ્યક્ત થઈ છે, જે સારા સંકેત કહી શકાય.
ADVERTISEMENT
ભારતનાં આર્થિક પરિબળોમાં ધીમી ગતિએ સુધારો ચાલુ રહ્યો છે, વિકાસદરનો આશાવાદ ઊંચો છે. વિશ્વ તરફથી ભારત પ્રત્યેનાં દૃષ્ટિ અને દૃષ્ટિકોણ બદલાઈને સકારાત્મક બની રહ્યાં છે. આ સંજોગો લાંબા ગાળાના અને મધ્યમ ગાળાના ટ્રેન્ડને તેજીમય રાખશે એવું જણાય છે. શૉર્ટ ટર્મમાં વધઘટ-વૉલેટિલિટી ચાલુ રહેવાની શક્યતા અકબંધ છે.
ફરી પૉઝિટિવ સપ્તાહ
અગાઉનું સપ્તાહ પૉઝિટિવ રહ્યા બાદ વીતેલા સપ્તાહના પ્રથમ દિવસે સાધારણ વધઘટ સાથે બજાર નજીવું સુધરતાં સેન્સેક્સ માત્ર ૧૩ પૉઇન્ટ અને નિફ્ટી ૨૫ પૉઇન્ટ પ્લસ બંધ રહ્યા હતા. મંગળવારે માર્કેટનું ઓપનિંગ સારું થવા સાથે સુધારો આગળ વધ્યો હતો, સેન્સેક્સ ૩૧૧ પૉઇન્ટ વધીને ૬૦ હજારને ક્રૉસ કરી ગયો હતો અને નિફ્ટી ૯૮ પૉઇન્ટ વધીને ૧૭,૭૦૦ને વટાવી ગયો હતો. બુધવારે રિકવરી પુનઃ જોશથી આગળ વધતાં સેન્સેક્સ ૨૩૫ પૉઇન્ટ અને નિફ્ટી ૯૦ પૉઇન્ટ વધીને બંધ રહ્યા હતા. ટીસીએસક્વૉર્ટરલી પરિણામ પર યુએસની નેગેટિવ અસર હતી, જયારે ભારતમાં સારા અહેવાલ એ હતા કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ (સીપીઆઇ) પણ માર્ચમાં ઘટીને ૫.૬૬ ટકા રહ્યો હતો, જે છેલ્લા ૧૫ મહિનાની સૌથી નીચી સપાટી હતી. ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન આંક ફેબ્રુઆરીમાં વધીને ૫.૬ ટકા રહ્યો હતો.
આઇટી સ્ટૉક્સ પર આડી અસર
ગુરુવારે માર્કેટની રિકવરીને બ્રેક લાગી હતી જે આવશ્યક પણ હતી, કારણ કે માર્કેટ સતત આઠ દિવસ વધતું રહ્યું હતુ જેથી ક્યાંક પ્રૉફિટ બુકિંગ જરૂરી બનતું હતું. ક્વૉર્ટરલી પરિણામોની અસરો છવાઈ રહી હતી, જયાં મિશ્ર ટોન યા ટ્રેન્ડ દેખાતો હતો. ઇન્ફોસિસનાં પરિણામે નિરાશ કર્યા હતા, યુએસને કારણે ખાસ કરીને આઇટી શૅરો પર વધુ અસર અપેક્ષિત છે. જોકે બૅન્ક સ્ટૉક્સમાં કરન્ટ રહ્યો છે. ગુરુવારે બન્ને બેન્ચમાર્ક ઇન્ડેક્સ માઇનસમાં ગયા બાદ અંતમાં સેન્સેક્સ ૩૮ પૉઇન્ટ અને નિફ્ટી ૧૫ પૉઇન્ટ જેવા સાધારણ પ્લસ બંધ રહ્યા હતા. સેન્સેક્સે ૬૦ હજારની ઉપરની સપાટી જાળવી રાખી હતી. શુક્રવારે આંબેડકર જયંતી નિમિત્તે બજાર બંધ રહ્યું હતું.
ક્વૉર્ટરલી રિઝલ્ટની અસર
ક્વૉર્ટરલી રિઝલ્ટની મોસમ શરૂ થઈ ગઈ હોવાથી એક પછી એક કંપનીઓનાં પરિણામ જાહેર થવા લાગ્યાં છે. જેને આધારે સિલેક્ટિવ સ્ટૉક્સના ભાવો પર અસર જોવા મળે છે, જેમાં ઇન્ડેક્સ સ્ટૉક્સ હોય તો એ સ્ટૉક્સની વધઘટની અસર ઇન્ડેક્સ પર પડવી સ્વાભાવિક છે. આગામી દિવસોમાં ક્વૉર્ટરલી પરિણામોની અસર ચાલુ રહેશે. આઇએમએફ દ્વારા વરસ ૨૦૨૩-૨૪ માટે ભારતનો જીડીપી રેટ અંદાજ ૨૦ બેસિસ પૉઇન્ટ ઘટાડીને ૫.૯ ટકા મુકાયો છે.
કયાં સેકટર્સ પર ધ્યાન આપવું
કોટક મહિન્દ્ર મ્યુચ્યુઅલ ફન્ડની એએમસીના ચીફ નીલેશ શાહના મતે ૨૦૨૪ ભારતીય શૅરબજાર માટે પણ અતિ મહત્ત્વનું બની રહેશે. આ દરમ્યાન ગ્લોબલ સંજોગો, રશિયા-યુક્રેન તનાવ, ક્રૂડ ઑઇલ, ભારતમાં ૨૦૨૪માં સામાન્ય ચૂંટણી, ઇન્ફ્લેશન અને ઇન્ટરેસ્ટ રેટ, વૉલેટિલિટી, પ્રવાહિતાની સ્થિતિ, સ્થાનિક અને વિદેશી રોકાણકારોના સેન્ટિમેન્ટની અસર રહેશે. જોકે આ બધા વચ્ચે પણ બૅન્કિંગ અને ફાઇનૅન્શિયલ સર્વિસિસ, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ અને મૅન્યુફૅક્ચરિંગ સેક્ટર માટે ઊજળો અવકાશ જણાય છે. બીજી બાજુ ભારત માટે એક પૉઝિટિવ પરિબળ એ પણ છે કે ચીનથી ગ્લોબલ કંપનીઓ પોતાની ઉત્પાદન સુવિધા ભારતમાં શિફટ કરી રહી છે, જેનો લાભ ઉત્પાદન ક્ષેત્રને મળશે. પરિણામે અહી રોજગારની તકો પણ વધશે. જોકે બિન મોસમી વરસાદ અને ઊંચા વ્યાજદર ક્યાંક અવરોધ બની શકે છે,
કરેક્શનને તક બનાવો
૨૦૨૩માં ગ્લોબલ ઇકૉનૉમીનો ત્રીજો ભાગ રિસેશનમાં જવાની શક્યતા ઊભી હોવાનું આઇએમએફ માને છે. માત્ર ભારત અને ચીન જેવા બે મહાકાય દેશો ગ્લોબલ ઇકૉનૉમીનો ત્રીજો હિસ્સો ધરાવે છે, બાકીના ત્રીજા ભાગમાં અન્ય દેશો આવે છે. અર્થાત્ આગામી સમય અનિશ્રિતતાનો ગણીને ચાલવો પડે. આમ લાંબા ગાળાના રોકાણકારો માટે આ સૌથી મહત્ત્વની વાતો છે. એથી એ દરેક ઘટના પર નજર રાખવી જોઈશે અને એના અર્થઘટન તેમ જ સંભવિત અસરને પણ સમજવા જોઈશે.
એફઆઇઆઇ નેટ બાયર્સ બન્યા
છેલ્લા સાતેક ટ્રેડિંગ સત્રથી એફઆઇઆઇ નેટ બાયર્સ બન્યા હોવાનું નોંધાયું છે. માર્કેટનો સતત સાત દિવસનો સુધારો પણ આનું મુખ્ય કારણ કહી શકાય. તેમને ભારતીય સ્ટૉક્સના વર્તમાન વૅલ્યુએશન હવે ખરીદી માટે વાજબી લાગતાં હોવાં જોઈએ. ૨૮ માર્ચથી ૧૦ એપ્રિલ સુધીમાં ફૉરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ દ્વારા એક અબજ ડૉલરની ઇક્વિટી ખરીદી થઈ છે. ૧૧ એપ્રિલે તેમણે ૩૪૨ કરોડ રૂપિયાના શૅર ખરીદ્યા હતા. આમ તો અત્યાર સુધીના વરસમાં તેમણે ૨.૭૪ અબજ ડૉલરનું નેટ વેચાણ કર્યું છે. ૨૦૨૨માં તેમણે ૧૩.૪૧ અબજ ડૉલરનું નેટ સેલ કર્યું હતું.
ગ્લોબલ બ્રોકરેજ હાઉસ જેફરિસ ઇન્ડિયા અને ગોલ્ડમૅન સાક્સના મતે ભારતીય ઇક્વિટીના વૅલ્યુએશન હાલ આકર્ષક ગણાય એવાં હોવાથી ખરીદીની તક છે, જેનો ઉપયોગ વિદેશી રોકાણકારો કરી રહ્યા છે. બજારમાં શૉર્ટ ટર્મમાં ભલે સતત વધઘટ કે ઊથલપાથલ રહે, મિડિયમ ટર્મમાં સિલેક્ટિવ ખરીદીનો લાભ લઈ શકાય. હાલના તબકકે કે લેવલે ચોક્કસ બૅન્કો, ફાઇનૅન્શિયલ સ્ટૉક્સ, ફાર્મા સ્ટૉક્સ, ઑટોમોટિવ શૅર વગેરે ડિસ્કાઉન્ટમાં મળતા ગણાય.