સૌથી વધુ ન્યુટ્રિશન ધરાવતા કઠોળનું ઉત્પાદન અને વપરાશ વધારવાની જાહેરાતો પોકળ સાબિત થઈ : સતત એમએસપીથી નીચે ભાવ બોલાતા હોવાથી ખેડૂતોને હવે કઠોળનું વાવેતર વધારવાનું જરાય આકર્ષણ નથી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
સૌથી વધુ ન્યુટ્રિશન ધરાવતા કઠોળ અને દાળના ઉત્પાદનમાં આત્મનિર્ભરતા હાંસલ કરી હોવાની નાણાપ્રધાને બજેટમાં બે વર્ષ અગાઉ જાહેરાત કરી હતી, પણ આ જાહેરાત પછી કઠોળની આયાતમાં સતત વધારો થઈ રહ્યો છે અને ચાલુ વર્ષે કઠોળના વાવેતરમાં પણ મોટો ઘટાડો થયો હોવાના સરકારી આંકડા બતાવી રહ્યા છે.
નરેન્દ્ર મોદી સરકાર એક બાજુથી ખેડૂતોને એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ) આપતી હોવાની જાહેરાત કરે છે, પણ ખુલ્લા બજારમાં ચણાના ભાવ છેલ્લા એક વર્ષથી એમએસપીથી નીચે ચાલી રહ્યા છે. ચણાના ભાવ સતત નીચા ચાલી રહ્યા હોવાથી ખેડૂતોને હવે એક પણ કઠોળનું વાવેતર કરવાનું આકર્ષણ નથી.
ADVERTISEMENT
ભારતીય પ્રજાને સારાં ન્યુટ્રિશન મળે એ માટે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્રણ વર્ષ અગાઉ જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વમાં ભારતીયોને સૌથી ઓછાં ન્યુટ્રિશન મળી રહ્યાં છે અને કઠોળનો માથાદીઠ વપરાશ સમગ્ર વિશ્વમાં ભારતમાં ઓછો છે. આથી ભારતીય પ્રજાને સૌથી વધુ ન્યુટ્રિશ્યન મળે એ માટે સરકાર કઠોળનું ઉત્પાદન અને વપરાશ વધારવા અસરકારક પગલાં લેશે, પણ આ જાહેરાત માત્ર પોકળ સાબિત થઈ છે. દેશમાં કઠોળનું ઉત્પાદન ઉત્તરોત્તર ઘટી રહ્યું છે. ગયા ફાઇનૅન્શિયલ વર્ષમાં લગભગ તમામ કઠોળની આયાત વધી હતી.
ચણાના વાવેતરમાં ઘટાડાના સંકેત
દેશમાં સૌથી વધુ ઉત્પાદન ચણાનું થાય છે અને ચણાનું મોટા ભાગનું વાવેતર રવી સીઝનમાં થાય છે. દેશમાં ચણાના વાવેતરમાં સરેરાશ નીચા ભાવને કારણે ઘટાડો થયો છે. ચણાના સૌથી મોટા વાવેતર વિસ્તાર ધરાવતા રાજ્ય એવા રાજસ્થાનમાં હજી સુધી વાવેતરમાં ૧૦ ટકાનો વધારો બતાવે છે, પરંતુ બીજી તરફ મધ્ય પ્રદેશમાં વાવેતર વિસ્તારમાં ૨૨ ટકા જેવો કાપ આવ્યો છે. દેશમાં ચણાનું વાવેતર મહારાષ્ટ્રમાં એકાદ ટકા વધ્યું છે, જ્યારે યુપીમાં ચાર ટકાનો ઘટાડો બતાવે છે. આ ઉપરાંત કર્ણાટકમાં પણ બે ટકા જેવો વધારો થયો છે. ગુજરાતમાં મોટો વધારો બતાવે છે. કેન્દ્રીય કૃષિ મંત્રાલયના આંકડાઓ મુજબ સમગ્ર દેશમાં ચણાના વાવેતરમાં અડધા ટકાનો ઘટાડો થઈને ૫૨.૫૭ લાખ હેક્ટરમાં થયું છે. દેશમાં છેલ્લાં પાંચ વર્ષ દરમ્યાન સરેરાશ ચણાનું વાવેતર ૯૮ લાખ હેક્ટરમાં થયું હતું, જેની તુલનાએ વાવેતરમાં ૫૦ ટકાનો કાપ બતાવે છે. ચણાનું વાવેતર હજી પંદરેક દિવસ સુધી ચાલે એવી ધારણા છે. ડિસેમ્બર મધ્યમાં વાવેતરનો સંપૂર્ણ ચિતાર બહાર આવે એવી ધારણા છે. આખું વર્ષ ખેડૂતોને નીચા ભાવ મળ્યા હોવાથી અને બીજા પાકોના ભાવ સારા હોવાથી ખેડૂતો ચણાથી દૂર ભાગી રહ્યા છે.
તમામ કઠોળના વાવેતરમાં ઘટાડો
ભારતમાં રવી સીઝનની વાવણીના ૧૮ નવેમ્બર સુધીના આંકડા જોઈએ તો ગયા વર્ષના સમાન ગાળાની સરખામણીએ મસૂર, ચણા, વટાણા, અડદ અને મગમાં ઘટાડો જોવા મળી રહ્યો છે.
ચણાના વાવેતર વિસ્તાર પર નજર કરીએ તો આ વર્ષે કુલ ૫૨.૫૭ લાખ હેક્ટરમાં વાવણી થઈ છે, જ્યારે ગયા વર્ષના સમાન ગાળામાં ૫૨.૮૩ લાખ હેક્ટરમાં થઈ હતી, જે વાર્ષિક ધોરણે ૦.૫૦ ટકાનો ઘટાડો દર્શાવે છે. આંધ્ર પ્રદેશમાં વાવેતર વિસ્તાર ૧.૮૭ લાખ હેક્ટરથી ૭.૪૯ ટકા ઘટીને ૧.૭૩ લાખ હેક્ટર થયું હતું. જોકે કર્ણાટકમાં ૨.૦૯ ટકા વધીને ૮.૧૫ લાખ હેક્ટરથી વધીને ૮.૩૨ લાખ હેક્ટર થયું હતું. મહારાષ્ટ્રમાં પણ ૫.૦૬ લાખ હેક્ટરથી ૧.૩૬ ટકા વધીને ૫.૧૩ લાખ હેક્ટર થયું હતું. રાજસ્થાનમાં ૧૬.૪૨ લાખ હેક્ટરથી વધીને ૧૮.૦૭ લાખ હેક્ટર થયું હતું. અન્ય રાજ્યોમાં ૧.૮૪ લાખથી વધીને ૩.૨૬ લાખ હેક્ટર થયું હતું, પરંતુ મધ્ય પ્રદેશમાં ૨૧.૭૪ ટકા અને ઉત્તર પ્રદેશમાં ૪.૪૬ લાખ હેક્ટરથી ૩.૮૧ ટકા ઘટીને ૪.૨૯ લાખ હેક્ટર થયું છે.
બીજી બાજુ મસૂરના વાવેતર વિસ્તારમાં સૌથી વધુ ઘટાડો મધ્ય પ્રદેશમાં ૧૫.૭૧ ટકા થયો છે. વાવેતર વિસ્તાર ૪.૨૦ લાખ હેક્ટરથી ઘટીને ૩.૫૪ લાખ હેક્ટર થયો છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ૩.૮૭ લાખ હેક્ટરથી ૬.૪૬ ટકા ઘટીને ૩.૬૨ લાખ હેક્ટર થયો છે. અન્ય રાજ્યોમાં એકત્રિત વાવેતર વિસ્તાર ૭૮,૦૦૦ હેક્ટરથી વધીને ૧.૦૩ લાખ હેક્ટર થયો હોવા છતાં મસૂરનો કુલ વાવેતર વિસ્તાર ૮.૮૫ લાખ હેક્ટરથી ૭.૩૯ ટકા ઘટીને ૮.૧૯ લાખ હેક્ટર થયો છે.
વટાણાનો વાવેતર વિસ્તાર પણ ૨૨.૩૮ ટકા ઘટીને ૬.૫૮ લાખ હેક્ટરથી ૫.૧૧ લાખ હેક્ટર થયો છે. જ્યારે અડદનો વાવેતર વિસ્તાર ૫.૯૨ ટકા ઘટીને ૧.૯૯ લાખ હેક્ટરથી ૧.૮૮ લાખ હેક્ટર અને મગનો વાવેતર વિસ્તાર વાર્ષિક ધોરણે ૩૨.૭૭ ટકા ઘટ્યો છે.
કઠોળનું વાવેતર વધારવા મક્કમ પગલાં જરૂરી
દેશમાં કઠોળનું વાવેતર વધારવા સરકારે અસરકારક પગલાં ભરવાની જરૂર છે. તાજેતરમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ બાલી ખાતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે સમગ્ર વિશ્વ ગંભીર ફૂડ ક્રાઇસિસનો સામનો કરવા જઈ રહ્યું છે. રશિયા અને યુક્રેન વચ્ચે લાંબા સમયથી ચાલી રહેલું યુદ્ધ અને ગ્લોબલ વૉર્મિંગની અસરને કારણે તમામ ખેતપાકોના ઉત્પાદનમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે.
ભારત કઠોળના પ્રતિ હેક્ટર ઉત્પાદનમાં ઘણું પાછળ છે. ખાસ કરીને સરકારે ચણા અને તુવેરના વાવેતર તરફ ધ્યાન કેન્દ્રિત કરીને માસ્ટર પ્લાન ઘડવાની જરૂર છે.
ચણાનું ઉત્પાદન દેશમાં દર વર્ષે સરેરાશ ૬૦થી ૭૦ લાખ ટન થાય છે ત્યારે ચણાનું ઉત્પાદન બેથી ત્રણ વર્ષમાં ૧૦૦ લાખ ટનથી વધારે થાય એ માટે સરકારે પાઇલટ પ્લૉટિંગ અને ખેડૂતોને સારું બિયારણ અને ખાતર પૂરું પાડવાનો પ્લાન ઘડવાની જરૂર છે. દેશમાં તુવેરનું ઉત્પાદન વાર્ષિક ૩૫થી ૪૦ લાખ ટન થઈ રહ્યું છે. આ ઉત્પાદનને પ્રથમ તબક્કામાં ૫૦ લાખ ટનની પાર પહોંચાડવાની તાતી જરૂરિયાત છે. મગ, અડદ, મસૂર, વટાણા, વાલ, ચોળી વગેરે કઠોળ પાક પર ધ્યાન આપીને દેશની ૨૪૦ લાખ ટનની વાર્ષિક જરૂરિયાતને પહોંચી વળવા એક માસ્ટર પ્લાન ઘડવાની તાતી જરૂરિયાત છે. ઇન્દિરા ગાંધી ઘઉં અને ચોખાના ઉત્પાદનમાં ભારતને સ્વાવલંબી બનાવવા જેમ હરિત ક્રાન્તિ લાવી હતી એ જ રીતે હવે તેલીબિયાં અને કઠોળના ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા યુદ્ધના ધોરણે પગલાં ભરવાની જરૂર છે. આ બન્નેની કૂદકે ને ભૂસકે વધી રહેલી આયાત દેશના અર્થતંત્રને મોટું નુકસાન પહોંચાડશે અને રૂપિયાની કિંમત વધુ ને વધુ ગગડતી જશે.