દેશને કામ આવી શકું તો પાછો ફરવા તૈયાર : રઘુરામ રાજન
રઘુરામ રાજન
જો આગામી સર્વસામાન્ય ચૂંટણીઓમાં વિપક્ષોના જોડાણનો વિજય થશે, તો રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ભૂતપૂર્વ ગવર્નર રઘુરામ રાજનને નાણાપ્રધાન બનાવવામાં આવશે, એવી અટકળો વચ્ચે રાજને કહ્યું છે કે તેઓ દેશને કામ લાગી શકે એવી કોઈ પણ તક ઝડપવા પરત ફરવા તૈયાર છે.
ઇન્ટરનૅશનલ મોનિટરી ફંડના ચીફ ઇકૉનૉમિસ્ટ રહી ચૂકેલા રાજનને ભાજપના નેતૃત્વવાળી સરકારે રિઝર્વ બૅન્કના ગવર્નર તરીકે બીજી મુદત નકારી હતી. હું જ્યાં છું ત્યાં ખુશ છું, પરંતુ જો કોઈ તક હોય તો હું હંમેશાં તૈયાર છું, એમ તેમણે મંગળવારે યોજાયેલા તેમના નવા પુસ્તક ‘ધ થર્ડ પિલર’ના અનાવરણ સમારંભમાં કહ્યું હતું.
ADVERTISEMENT
રાજન અત્યારે અમેરિકાસ્થિત શિકાગો યુનિવર્સિટીની બૂથ સ્કૂલ ઑફ બિઝનેસમાં ફાઇનૅન્સના કૅથેરિન દુસક મિલર ડિસ્ટિંગ્યુશ્ડ સર્વિસ પ્રોફેસર છે. તેમને પૂછવામાં આવ્યું હતું કે તેમને જાહેર સેવામાં અથવા રાજકારણી તરીકે ભારતમાં પરત આવવાનું ગમશે કે નહીં.
રાજકીય વર્તુળોમાં એવી અટકળો થઈ રહી છે કે તૃણમૂલ કૉંગ્રેસ, સમાજવાદી પાર્ટી, બહુજન સમાજ પાર્ટી અને તેલુગુ દેશમ જેવા વિરોધ પક્ષોના મહાગઠબંધનને એપ્રિલ-મેમાં યોજાઈ રહેલી ચૂંટણીમાં વિજય મળશે તો તેઓ નાણાપ્રધાન તરીકે રાજનને પસંદ કરી શકે છે.
કૉંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ મંગળવારે કહ્યું હતું કે મિનિમમ ઇન્કમ ગૅરન્ટી સ્કીમની રૂપરેખા તૈયાર કરવા માટે ટોચના અર્થશાસ્ત્રીઓની સલાહ લેવામાં આવી હતી અને એમાં રાજનનો સમાવેશ થતો હતો.
કૉંગ્રેસ જાહેર કર્યું છે કે જો તેને સત્તા પર પુન: લાવવામાં આવશે તો દેશનાં ૨૦ ટકા ગરીબ કુટુંબોને વર્ષે ૭૨,૦૦૦ એટલે કે મહિને ૬૦૦૦ રૂપિયા આપવામાં આવશે.
રાજને CNBC ટીવી૧૮ને આપેલા ઇન્ટરવ્યુમાં કહ્યું હતું, એ વિશે અત્યારે ચર્ચા કરવી વહેલી ગણાશે. મને લાગે છે કે આ ચૂંટણી ભારત માટે મહત્વની છે અને હું પણ માનું છું કે નવા સુધારાઓ જરૂરી છે. મને એ સુધારા આગળ ધપાવતાં ખુશી થશે અને જે સાંભળવા તૈયાર હોય એમને માટે અમે તે વિસ્તૃતપણે કરવા માગીએ છીએ.
આ પણ વાંચો : એર ઇન્ડિયાનો આદેશ : ફ્લાઇટમાં પાલયટ સ્પેશિયલ ખાવાનું મંગાવી નહી શકે
બૅન્કોની ઝડપી સાફસૂફી અને તેમને ધિરાણવૃદ્ધિના માર્ગે પુન: ચડાવવા અને વિકાસને વેગ આપવા માટે બે કે ત્રણ ચાવીરૂપ સુધારાઓ શોધી કાઢવાની જરૂર છે. એમાં એક તો કૃષિ ક્ષેત્રની પુનર્સમીક્ષા કરવાની જરૂર છે, જેથી તેના પરનું દબાણ ઘટે. બીજું જમીન સંપાદન છે. આપણે રાજ્યોની શ્રેષ્ઠ પદ્ધતિઓમાંથી શીખી શકીએ અને યોગ્ય પદ્ધતિ શોધી કાઢવી જોઈએ જે તેમના માટે શ્રેષ્ઠ હોય. તેમને અનુકૂળ આવે તે પદ્ધતિ અપનાવવાની છૂટ આપવી જોઈએ, જેથી એકબીજાના અનુભવ પરથી શીખી શકાય, એમ તેમણે કહ્યું હતું.