કર્ણાટકનો મૈસૂર સૅન્ડલ સોપ આપણે બધાએ વાપર્યો હશે. આ સાબુ બનાવતી સરકારી કંપનીનું ટર્નઓવર અને પ્રૉફિટ છેલ્લાં બેત્રણ વર્ષમાં કૂદકે ને ભૂસકે વધ્યાં છે
ધ કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ્સ લિમિટેડ દ્વારા કર્ણાટકના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાને ૧૦૮.૬૨ કરોડ રૂપિયાના ડિવિડન્ડનો ચેક આપવામાં આવ્યો હતો.
આખા વિશ્વમાં ચંદનના સૌથી મોટા એક્સપોર્ટર તરીકે તમને જેટલાં પણ નામ યાદ આવે એની એક યાદી બનાવો. એ દરેક યાદી કર્ણાટકના નામ વિના અધૂરી રહેશે. કર્ણાટક આજે વિશ્વમાં ચંદનની એક્સપોર્ટ કરતું સૌથી મોટું રાજ્ય છે અને એ જ રાજ્યમાં વર્ષો જૂની સાબુ બનાવતી એક કંપની છે. મજાની વાત એ છે કે આપણામાંના મોટા ભાગના લોકોને એ કંપનીનું નામ ખબર પણ નહીં હોય. જોકે આપણામાંના મોટા ભાગના લોકોને એ કંપની જે સાબુ બનાવે છે એ ખબર છે. ભારતનો સૌથી જૂનો ચંદનનો સાબુ એટલે મૈસૂર સૅન્ડલ સોપ. આ સોપ જે કંપની બનાવે છે એનું નામ ધ કર્ણાટક સોપ્સ ઍન્ડ ડિટર્જન્ટ લિમિટેડ (KSDL). યાદ આવ્યું? પેલું લીલી બૉર્ડરવાળું યલો બૅકગ્રાઉન્ડમાં લાલ પ્રિન્ટવાળું કાગળનું બૉક્સ અને એમાં બંધ ચંદનનો સાબુ. આપણામાંના મોટા ભાગના લોકોએ જિંદગીમાં એકાદ વાર તો એ સાબુ વાપર્યો જ હશે, ખરું કે નહીં? હવે વર્ષો જૂની આ કંપની હમણાં થોડા દિવસથી સમાચારોમાં છવાયેલી છે. ખબર છે કેમ? કારણ કે એ સાબુની કંપની શરૂ થઈ ત્યારથી લઈને આજ સુધીના એના ઇતિહાસમાં એણે આ વર્ષે સૌથી વધુ ડિવિડન્ડ ચૂકવ્યું. હવે આ સમાચારની જાણ થતાં જ થયું કે સૅન્ડલ સોપની વર્ષો જૂની આ કંપનીનો ઇતિહાસ અને કહાણી રસપ્રદ તો છે જ. તો ચાલો આજે વાચકમિત્રો સાથે એ વિશે જ વાતો કરીએ.
કોઈ અંદાજ મૂકી શકો કે સાબુ બનાવતી આ કંપની કેટલાં વર્ષ પહેલાં સ્થપાઈ હશે? ચાલો, આજે એણે ચૂકવેલા ડિવિડન્ડની પણ વાત કરીએ અને એની કહાની પણ જાણીએ.
ADVERTISEMENT
પ્રથમ વિશ્વયુદ્ધ જેટલો જ જૂનો છે સૅન્ડલ સોપ
વાત કંઈક એવી છે કે પ્રથમ વિશ્વયુદ્ધ દરમ્યાન ચંદનની એક્સપોર્ટ સદંતર ઠપ થઈ ગઈ ત્યારે મૈસૂરના મહારાજા ક્રિષ્ના બોડિયાર અને તેમના દીવાન એમ. વિશ્વેશ્વરૈયાએ સરકારી ચંદન ઑઇલની એક ફૅક્ટરી સેટઅપ કરવાનું નક્કી કર્યું. આ ફૅક્ટરી શરૂ કરવાનો આશય એ હતો કે એક્સપોર્ટ નહીં થઈ રહેલાં ચંદનનાં લાકડાંમાંથી ઑઇલ બહાર કાઢવામાં આવે. ફૅક્ટરી શરૂ તો થઈ ગઈ અને ચંદનનું તેલ બનવા પણ માંડ્યું, પણ એવામાં એક દિવસ મહારાજ ક્રિષ્ના બોડિયારને ચંદનનો સાબુ ભેટ તરીકે મળ્યો. તેમને વિચાર આવ્યો કે રાજ્યની ફૅક્ટરીમાં ચંદનનું ઑઇલ તો નીકળે જ છે તો એમાંથી સાબુ બનાવવાનો પ્રયત્ન કરવામાં આવે તો? બસ, મહારાજ ક્રિષ્નાના દિમાગમાં આવેલો આ વિચાર એટલે પ્રખ્યાત મૈસૂર સૅન્ડલ સોપનું મૂળ જન્મસ્થાન.
મહારાજે પોતાનો આ વિચાર દીવાન એમ. વિશ્વેશ્વરૈયાને જણાવ્યો અને શરૂ થઈ સૌપ્રથમ વાર ફૅક્ટરીમાં ચંદનના તેલમાંથી સાબુ બનાવવાની પ્રક્રિયા. તો અંદાજ માંડો કે પ્રથમ વિશ્વયુદ્ધ થયું હતું ૧૯૧૪થી ૧૯૧૮ની સાલમાં. અર્થાત્ ૧૯૧૮ની સાલ પણ ગણીએ તો આજે અંદાજે ૧૦૬ વર્ષ થયાં. મતલબ કે ૧૦૬ વર્ષથી આ કંપની ૧૦૦ ટકા પ્યૉર ચંદનના તેલમાંથી સાબુ બનાવી રહી છે.
સાબુ, ફૅક્ટરી અને ચંદન
કર્ણાટક એક એવું રાજ્ય છે જ્યાં વર્ષોવર્ષથી ચંદનનાં ઝાડ ખૂબ મોટી સંખ્યામાં ઉપલબ્ધ છે. ચંદનચોર વીરપ્પન યાદ છેને? તે મહાશયનું ચંદનચોર નામ આ જ રાજ્યમાં ચંદનનાં ઝાડની ગેરકાયદે કાપણી અને દાણચોરીને કારણે પડ્યું હતું. ખેર, કર્ણાટક વર્ષોથી ચંદન માટે ભારતનું હબ રહ્યું છે. આથી જ આ રાજ્યને લૅન્ડ ઑફ સૅન્ડલવુડ તરીકે ઓળખાવવામાં આવે છે. ચંદનનું એક ઝાડ ત્રીસ ફુટ જેટલી ઊંચાઈ સુધી વધી શકે છે અને એનું સરેરાશ આયુષ્ય ૬૦થી ૮૦ વર્ષ જેટલું હોય છે. આવા સુંદર ઝાડનાં મૂળિયાં, મોટી શાખાઓ અને હાર્ટવુડ એટલે કે થડના સૌથી અંદરના હિસ્સામાંથી એક્સ્ટ્રેક્શન કરવાથી ઑઇલ મળે છે જેને આપણે ચંદન ઑઇલ તરીકે ઓળખીએ છીએ. ઝાડની વીસ વર્ષની ઉંમર થાય ત્યાર બાદ આ ઑઇલ એમાં બનવાનું શરૂ થાય છે. આ સૅન્ડલ ઑઇલ એટલું કીમતી છે કે એને લિક્વિડ ગોલ્ડ તરીકે પણ ઓળખવામાં આવે છે અને ખરેખર એ છે પણ કીમતી જ. લગભગ એક ટન જેટલાં ચંદનનાં લાકડાંમાંથી માત્ર ૪ ટકા જેટલું ઑઇલ એક્સ્ટ્રેક્ટ કરી શકાય છે. મતલબ કે એક ટન લાકડાંમાંથી માત્ર ૪૦ કિલો જેટલું ઑઇલ મળી શકે છે. કર્ણાટકની વર્ષો જૂની આ કંપની એ ૪૦ કિલો ઑઇલમાંથી અંદાજે બે લાખ જેટલા સાબુ બનાવે છે.
કર્ણાટકની આ કંપની KSDL આજે પણ સાબુ બનાવવાની એ જ વર્ષોજૂની પદ્ધતિનો ઉપયોગ કરે છે. સાબુના ઉત્પાદન માટે એક બૅચ-સાઇઝ પહેલેથી જ નક્કી છે. સાબુ માટેની એ બૅચ-સાઇઝ પ્રમાણેના મટીરિયલમાં સેન્ટ અને ૧૦૦ ટકા પ્યૉર નૅચરલ ચંદન ઑઇલ મેળવવામાં આવે છે. ત્યાર બાદ એ મિશ્રણ બરાબર એકરસતાથી મળી જાય એટલા માટે ત્રણ વાર એ મિશ્રણને અલગ-અલગ રીતે પીસવામાં અને હલાવવામાં આવે છે. ત્યાર બાદ એક ઘાટા લોટ જેવું જે મિશ્રણ તૈયાર થાય છે એને સાબુના ઢાંચામાં ઢાળીને આપણા માટે સાબુ તૈયાર કરવામાં આવે છે. આજે KSDL અંદાજે ૨૧,૦૦૦ ટન કરતાંય વધુ સૅન્ડલ સોપનું પ્રોડક્શન કરે છે. આજે તો હવે કર્ણાટકનો આ સૌથી જૂનો-જાણીતો સાબુ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશોમાં પણ એક્સપોર્ટ થાય છે.
સરકારી કંપની અને ડિવિડન્ડગાથા
થોડા દિવસ પહેલાં આ કંપની અચાનક સમાચારોમાં ચમકી ત્યારે સ્વાભાવિક છે કે થોડું આશ્ચર્ય થાય, પરંતુ કંપનીની સ્થાપના થઈ ત્યારથી લઈને આજ સુધીના એના ઇતિહાસમાં એણે આ વર્ષે કર્ણાટક રાજ્ય સરકારને સૌથી વધુ ૧૦૮.૬૨ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવ્યું. એને કારણે વર્ષો જૂની આ કંપની ફરી એક વાર ચર્ચાનો વિષય બની છે.
KSDL તરીકે ઓળખાતી કર્ણાટકની આ કંપનીએ રાજ્યના મુખ્ય પ્રધાન સિદ્ધારામૈયાને ૧૦૮.૬૨ કરોડના ડિવિડન્ડનો ચેક સુપરત કર્યો એટલું જ નહીં, મુખ્યમંત્રી રાહત ફન્ડમાં પણ પાંચ કરોડ રૂપિયાનું દાન આપ્યું. એની પાછળનું કારણ કંઈક એવું છે કે ગયા વર્ષમાં એટલે કે નાણાકીય વર્ષ ૨૦૨૩-’૨૪માં KSDLએ કુલ ૩૬૨.૦૭ કરોડ રૂપિયાનો નેટ પ્રૉફિટ કર્યો, જે કંપનીના ઇતિહાસમાં અત્યાર સુધીમાં હાઈએસ્ટ છે. હવે કંપની રાજ્ય સરકાર હસ્તક હોવાને કારણે કુલ નફાની ૩૦ ટકા રકમ એણે રાજ્ય સરકારને ડિવિડન્ડ તરીકે ચૂકવી છે. આપણને થશે કે ૧૦૮.૬૨ કરોડ રૂપિયાના ડિવિડન્ડમાં શું નવાઈ વાત છે? બીજી કેટલીયે PSU કંપનીઓ આથી ક્યાંય વધુ રકમ સરકારને ડિવિડન્ડ તરીકે દર વર્ષે ચૂકવતી હોય છે.
તો KSDL માટે આ એ કારણથી પણ મહત્ત્વનું છે કે એક તો એ દેશની સૌથી જૂની કંપનીઓમાંની એક છે, જેની સ્થાપના કોઈ મોગલો કે અંગ્રેજો જેવા બહારી આક્રાંતાઓ દ્વારા નહીં પરંતુ આપણા દેશના જ રાજવી દ્વારા કરવામાં આવી હતી. બીજું, આટલાં વર્ષોથી કામ કરી રહેલી આ કંપની પોતાની સોપ-બ્રૅન્ડ અને એની નફાકારકતા હજી આટલાં વર્ષે પણ જાળવી રાખી શકી છે એટલું જ નહીં, એમાં ઉત્તરોત્તર વધારો કરીને પ્રગતિનો એક અલાયદો માઇલસ્ટોન રચ્યો છે. તમે જાણો છો? હજી ત્રણ વર્ષ પહેલાં સુધી એટલે કે ૨૦૧૯-’૨૦ સુધી આ કંપની માત્ર ૧૫-૧૬ કરોડ રૂપિયાનું ડિવિડન્ડ ચૂકવી શકતી હતી. અર્થાત્ છેલ્લાં ત્રણ-ચાર વર્ષમાં કંપની સાતગણી પ્રગતિ નોંધાવી શકી છે. ૨૦૧૯-’૨૦ના ૧૫.૯ કરોડ રૂપિયાના ડિવિડન્ડ સામે કંપનીએ વર્ષ ૨૦૨૨-’૨૩માં પોતાના ધંધામાં જબરદસ્ત વધારો નોંધાવતાં કુલ ૧૩૭૫ કરોડનું ટર્નઓવર નોંધાવ્યું હતું, જ્યારે ૨૦૨૩-’૨૪માં તો ગયા વર્ષથીયે ૧૯૫ કરોડ વધીને કુલ ૧૫૭૦ કરોડ રૂપિયાના ટર્નઓવર સાથે કંપનીએ ૧૪ ટકા કરતાં વધુનો પ્રગતિદર નોંધાવ્યો હતો.
આજે આ કંપનીના સાબુનું મહત્તમ ૮૦ ટકા જેટલું માર્કેટ દક્ષિણ ભારતનાં રાજ્યો છે, પરંતુ રાજ્યના મુખ્ય પ્રધાન સહિત ઇન્ડસ્ટ્રી મિનિસ્ટરનું પણ કહેવું છે કે હવે સૅન્ડલ સોપ બ્રૅન્ડ મૈસૂર સૅન્ડલને અને KSDLને ઇન્ટરનૅશનલ પ્લૅટફૉર્મ પર વધુ સક્રિય કરીને આ ઐતિહાસિક પ્રોડક્ટ વિશ્વભરમાં જાણીતી કરવી છે.

