અમેરિકન ઇકૉનૉમી મંદ પડવાની ફિકરમાં આઇટીના ચલણી શૅરોમાં વૉલ્યુમ સાથે મોટી નબળાઈ : ટૅરિફની ઘાતમાંથી બાકાત રહેવાના હરખમાં ફાર્મા શૅરો મજબૂત
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
અમેરિકન ઇકૉનૉમી મંદ પડવાની ફિકરમાં આઇટીના ચલણી શૅરોમાં વૉલ્યુમ સાથે મોટી નબળાઈ : ટૅરિફની ઘાતમાંથી બાકાત રહેવાના હરખમાં ફાર્મા શૅરો મજબૂત : ઑટો માટે ટૅરિફના માઠા સમાચાર વચ્ચે ઍન્સિલિયરી સેક્ટર સુધારામાં : વર્ધમાન ટેક્સટાઇલ્સ ૧૯ ટકા પ્લસની તેજીમાં ‘એ’ ગ્રુપ ખાતે બેસ્ટ ગેઇનર : ગાર્મેન્ટ સેક્ટરના ૪૦માંથી ૨૯ શૅર વધ્યા : રિઝર્વ બૅન્કની ધિરાણનીતિ નજીકમાં આવતાં બૅન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર મજબૂત : સ્પિનારો કમર્શિયલનો SME ઇશ્યુ છેવટે પાર પડી ગયો
દુનિયાભરના દેશોને ચોર-ડાકુ-લૂંટારા કહીને ભાંડતાં-ભાંડતાં ડોનલ્ડ ટ્રમ્પે ટૅરિફ પ્લાન વિગત વાર જાહેર કરી દીધો છે. મિત્ર હોય કે શત્રુ, તેનો કોઈ બાધ રાખ્યા વિના ૧૮૦ દેશોમાંથી થતી આયાત પર વિવિધ કરે ટૅરિફ લાદી દીધી છે. સાથે-સાથે જે કોઈ દેશ આનો વળતો જવાબ આપશે એના ઉપર ડ્યુટી વધારી દેવાની ધમકી પણ આપી છે. જોકે ચાઇના અને યુરોપિયન યુનિયને લડી લેવાનું અર્થાત વળતાં પગલાં લેવાનું નક્કી કર્યું છે. આગળ જતાં અન્ય પણ જોડાશે. સરવાળે ભવિષ્યમાં અમેરિકા વર્સસ આખી દુનિયા જેવું જોવા મળે તો નવાઈ નહીં. ટ્રમ્પનાં આ પગલાંથી ટૅરિફ-વૉર ઉગ્ર બનવાનું છે. ફુગાવો વધશે, વૈશ્વિક મંદીનો એક નવો અધ્યાય શરૂ થશે. શૅરબજારો ડામાડોળ બનશે. ટૅરિફના હથિયારથી અમેરિકાને મહાન બનાવવા હાલી નીકળેલા ટ્રમ્પનું પગલું ખુદ અમેરિકાને ભારે પડવાના વરતારા શરૂ થઈ ગયા છે. આ લખાય છે ત્યારે ડાઉ ફ્યુચર ઇન્ડેક્સ નીચામાં ૪૧,૩૭૩ બતાવી અઢી ટકા કે ૧૦૭૫ પૉઇન્ટના ધબડકામાં ૪૧,૪૧૭ ચાલતો હતો. નૅસ્ડૅક ફ્યુચર ૧૮,૮૭૬ના તળિયે જઈ ૩.૪ ટકા કે ૬૫૮ પૉઇન્ટની ખરાબીમાં ૧૯,૧૦૦ હતો. એશિયા ખાતે જૅપનીઝ નિક્કી પોણાત્રણ ટકા, હૉન્ગકૉન્ગ દોઢ ટકા, થાઇલૅન્ડ દોઢ ટકા નજીક, વિયેતનામ પોણાસાત ટકા, ફિલિપીન્સ પોણાબે ટકા, ઑસ્ટ્રેલિયા એક ટકો, સાઉથ કોરિયા પોણો ટકો, ચાઇના-સિંગાપોર સામાન્ય, શ્રીલંકા સવાબે ટકા ઘટ્યાં છે. તાઇવાન રજામાં હતું. યુરોપ રનિંગમાં સવાથી બે ટકા ડૂલ થયું છે. બ્રેન્ટ ક્રૂડ પોણાત્રણ ટકા ગગડી ૭૨ ડૉલર ઉપર ચાલતું હતું. ચાંદી વાયદામાં (કૉમેકસ સિલ્વર) પોણાપાંચ ટકા ધોવાઈ છે. સોનું નવા શિખર બનાવી સહેજ ઢીલું હતું. બિટકૉઇન દોઢ ટકા જેવા સુધારામાં ૮૩,૬૯૧ ડૉલર દેખાતો હતો.
ADVERTISEMENT
ઘરઆંગણે સેન્સેક્સ ૩૨૨ પૉઇન્ટ ઘટી ૭૬,૨૯૫ તથા નિફ્ટી ૮૨ પૉઇન્ટની નરમાઈમાં ૨૩,૨૫૦ બંધ રહ્યો છે. શૅરઆંક આગલા બંધથી ૮૦૫ પૉઇન્ટ નીચે, ૭૫,૮૧૨ ખૂલી નીચામાં ૭૫,૮૦૭ થયા બાદ ઉપરમાં ૭૬,૪૯૩ વટાવી ગયો હતો. શરૂઆતની આ ઊથલપાથલ બાદ આખો દિવસ બજારની ચાલ લગભગ સીધી લીટીમાં રહી હતી. આવું બહુ જવલ્લે જોવા મળે છે. રોકડું તથા બ્રૉડર માર્કેટ પ્રમાણમાં સારું હોવાથી માર્કેટ બ્રેડ્થ મજબૂત હતી. NSEમાં વધેલા ૨૦૪૫ શૅર સામે ૮૩૩ જાતો ઘટી છે. સેન્સેક્સ નિફ્ટીની સાધારણ નબળાઈ સામે સ્મૉલકૅપ પોણો ટકો, હેલ્થકૅર પોણાબે ટકા, પાવર ૧.૮ ટકા, યુટિલિટીઝ અઢી ટકા, નિફ્ટી ફાર્મા સવાબે ટકા, પીએસયુ બૅન્ક નિફ્ટી બે ટકા, નિફ્ટી મીડિયા એક ટકો, બૅન્ક નિફ્ટી અડધો ટકો વધ્યા હતા. સામે આઇટી ઇન્ડેક્સ ૩.૮ ટકા કે ૧૩૪૮ પૉઇન્ટ તથા ઑટો બેન્ચમાર્ક એક ટકા ગગડ્યો છે. બજારનું માર્કેટકૅપ ૩૫,૦૦૦ કરોડ વધી ૪૧૩.૩૩ લાખ કરોડ રૂપિયા જોવાયું છે. મેટલ ઇન્ડેક્સ એક ટકો પિગળ્યો હતો. ટેલિકૉમ વધુ પોણો ટકો સુધર્યો છે. સ્પિનારો કર્મશિયલનો શૅરદીઠ ૫૧ના ભાવનો SME IPO છેલ્લા દિવસે દોઢ ગણો ભરાઈ પાર પડી ગયો છે. ઇન્ફોનેટિવ કુલ સાડાચાર ગણા પ્રતિસાદમાં પૂરો થયો છે. પ્રીમિયમ ગગડી પાંચ થઈ ગયું છે.
ખરાબીમાં આઇટી મોખરે, ટીસીએસમાં ૧૬ મહિનાનું બૉટમ
ટ્રમ્પના ટૅરિફ-વૉરથી અમેરિકન ઇકૉનૉમીનો ગ્રોથ મંદ પડવાની દહેશત છે. એના લીધે આઇટીમાં માનસ ખરડાયું છે. ગઈ કાલે આઇટી બેન્ચમાર્ક પોણાચાર ટકા કે ૧૩૪૮ પૉઇન્ટ ડૂલ થયો છે. અત્રે ૫૯માંથી ૨૬ શૅર પ્લસ હતા, પરંતુ લગભગ તમામ અગ્રણી જાતો સાફ થઈ છે. ટીસીએસ ૩૩૯૬ની ૧૬ મહિનાની બૉટમ બનાવી ૪ ટકા કે ૧૪૨ રૂપિયા બગડી ૩૪૦૨ના બંધમાં સેન્સેક્સ નિફ્ટી ખાતે ટૉપ લુઝર બની બજારને ૧૨૪ પૉઇન્ટ નડ્યો છે. HCL ટેક્નૉ ૪ ટકા નજીક, ટેક મહિન્દ્ર પોણાચાર ટકા, વિપ્રો પોણાત્રણ ટકા, લાટિમ સાડાત્રણ ટકા તૂટ્યા હતા. ઇન્ફી સાડાત્રણ ટકા નજીક ગગડી ૧૪૯૭ બંધ થતાં બજારને સર્વાધિક ૧૬૩ પૉઇન્ટનો માર પડ્યો છે. સાઇડ શૅરમાં પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ સાડાનવ ટકા કે ૫૧૩ રૂપિયા, કોફોર્જ પોણાઆઠ ટકા કે ૬૦૩ રૂપિયા તથા KPIT ટેક્નૉ ૭.૭ ટકા તૂટ્યા હતા. સિગ્નેટી સવાછ ટકા, એમ્ફાસિસ ૪ ટકા, ઝેનસાર ૪ ટકા નજીક, લાર્સન ટેક્નૉ ૩.૯ ટકા ડૂલ થયો છે. ૬૩ મૂન્સ નહીંવત્ ઘટાડે ૮૦૯ હતો. બ્લૅક બૉક્સ પાંચ ટકા, વકરાંગી પાંચ ટકા, ડી-લિન્ક સવાચાર ટકા તથા રામકો સિસ્ટમ્સ પોણાચાર ટકા વધ્યા હતા.
મેઇન બેન્ચમાર્ક ખાતે ઘટેલા અન્ય શૅરમાં તાતા મોટર્સ અઢી ટકા, ONGC ત્રણ ટકા નજીક, બજાજ ઑટો બે ટકા, હિન્દાલ્કો સવા ટકો નરમ હતા. મહિન્દ્ર, કોટક બૅન્ક, JSW સ્ટીલ, SBI લાઇફ, અપોલો હૉસ્પિટલ એક ટકાની મજબૂતીમાં ૨૯૯નો બંધ આપી બન્ને બજારમાં બેસ્ટ ગેઇનર બની છે. અલ્ટ્રાટેક ૩૫૫ રૂપિયા કે સવાત્રણ ટકા નજીક પ્લસ હતી. મારુતિ સામાન્ય, તાતા સ્ટીલ અડધો ટકો અને લાર્સન નામ કે વાસ્તે ઘટ્યા હતા. ક્રૂડની નબળાઈમાં એશિયન પેઇન્ટ્સ પોણાબે ટકા ચમક્યો છે. બર્ગર પેઇન્ટ્સ તથા એકઝો નોબલ સવા ટકો અને કન્સાઈ નેરોલેક પોણો ટકો વધ્યા હતા.
ટ્રમ્પના ટૅરિફને લઈ ટેક્સટાઇલ સેક્ટરને માઠી અસર થવાની છે, પરંતુ હરીફ બંગલાદેશ, વિયેતનામ, શ્રીલંકાની તુલનામાં ટૅરિફ અહીં નીચો હોવાથી સ્પર્ધાક્ષમતા વધવાની થિયરી વહેતી થઈ છે. એમાં વર્ધમાન ટેક્સટાઇલ ૧૯.૩ ટકાની તેજીમાં ૪૮૦ નજીક બંધ આપી ‘એ’ ગ્રુપમાં મોખરે જોવાઈ છે. ગાર્મેન્ટ્સ સેક્ટરના ૪૦માંથી ૨૯ શૅર વધ્યા હતા. થીરૂમલાઈ કેમિકલ્સ ૧૧.૫ ટકા તથા તેજસનેટ નવ ટકા ઊચકાયા હતા. રિલાયન્સ નહીંવત્ ઘટીને ૧૨૪૮ બંધ રહ્યો હતો.
ટૅરિફની ઘાતમાંથી બાકાત રહેતાં ફાર્મા શૅરો હરખાયા
રેસિપ્રોક્લ ટૅરિફ પ્લાનમાંથી હાલ કૉપર, સેમિકન્ડકટર્સ, પ્રોસેસ્ટ વુડ અર્થાત લમ્બર આર્ટિકલ્સ તથા ફાર્માસ્યુટિકલ્સને બાકાત રખાયાં છે. ટ્રમ્પની આ મહેરબાનીથી ગઈ કાલે ઘરઆંગણે ફાર્મા શૅરોમાં ખાસ્સી ફૅન્સી દેખાઈ છે. હેલ્થકૅર ઇન્ડેક્સ ૧૦૫માંથી ૮૩ શૅરના સથવારે પોણાબે ટકા કે ૭૪૮ પૉઇન્ટ તો નિફ્ટી ફાર્મા સવાબે ટકા મજબૂત થયો છે. સનફાર્મા સવાત્રણ ટકા ઊછળી ૧૭૭૦ના બંધમાં બજારને સર્વાધિક બાવન પૉઇન્ટ ફળ્યો છે તો સિપ્લા ત્રણ ટકા, લુપિન સવાચાર ટકા, ઇપ્કા લૅબ સવાપાંચ ટકા, જ્યુબિલન્ટ ફાર્મા પોણાસાત ટકા, દીવિસ લૅબ બે ટકા, ઝાયડ્સ લાઇફ એક ટકો, નાટકો ફાર્મા પોણાચાર ટકા, ગ્લૅન્ડ ફાર્મા પોણાબે ટકા, મોરપેન લૅબ સાત ટકા, વિમતા લૅબ સાડાઆઠ ટકા, આરતી ફાર્મા સાત ટકા, થેમિસ મેડી સવાછ ટકા, ઇન્ડોકો રેમેડિઝ સવાપાંચ ટકા, કેપ્લીન પૉઇન્ટ સવાચાર ટકા વધ્યા છે. ફાર્મા ઉદ્યોગના કુલ ૧૬૩ શૅરમાંથી ૩૭ શૅર જ માઇનસ હતા. બાલ ફાર્મા ૨૦ ટકાની ઉપલી સર્કિટે ૧૦૯ વટાવી ગયો છે. રૂપા ઇન્ડસ્ટ્રીઝ ૧૫.૮ ટકા, વેલિયન્ટ લૅબોરેટરીઝ ૧૨.૭ ટકા, અનુહ ફાર્મા ૧૧.૮ ટકા ઊછળ્યા છે.
ટ્રમ્પનું ટૅરિફ ઑટો સેક્ટર માટે માઠા સમાચાર છે, પરંતુ ગઈ કાલે ઑટો ઍન્સિલિયરી સેક્ટરના ૧૨૬માંથી ૮૨ શૅર વધ્યા છે. હિન્દુસ્તાન હાર્ડી આઠ ટકા ઊછળી ૭૬૩ થયો છે. ઝેડએફ સ્ટીઅરિંગ ૭.૪ ટકા વધ્યો હતો. સુંદરમ બ્રેક લાઇનિંગ, જૈનેક્સ, ડેક્કન એન્જિ, ટ્રાઇટન વાલ્વ, સેમકર્ગ પિસ્ટન, ઉરાવી ડિફેન્સ, ફેડરલ મુગલ ગોએત્ઝ, એમ્ફોર્સ ઑટોટેક જેવી જાતો પાંચથી છ ટકા ઊચકાઈ હતી. સોના કોમસ્ટાર સાડાત્રણ ટકા બગડી ૪૫૦ના નવા તળિયે બંધ થયો છે.
બૅન્કિંગના ૪૧માંથી ૩૫ શૅર સુધર્યા છે. ઉત્કર્ષ બૅન્ક સાડાછ ટકા, જના સ્મૉલ બૅન્ક સવાછ ટકા, ઇસફ બૅન્ક સાડાપાંચ ટકા, ઉજ્જીવન સ્મૉલ બૅન્ક સવાપાંચ ટકા, સૂર્યોદય બૅન્ક પાંચ ટકા, એયુ બૅન્ક સાડાચાર ટકા, CSB બૅન્ક સાત ટકા, IDFC ફર્સ્ટ બૅન્ક સાડાપાંચ ટકા, કર્ણાટકા બૅન્ક સાડાચાર ટકા, જેકે બૅન્ક સવાચાર ટકા, ઇન્ડિયન બૅન્ક પોણાચાર ટકાની તેજીમાં બંધ થયા છે. પંજાબ સિંઘ બૅન્ક સવા ટકો ઘટી નવા ઐતિહાસિક તળિયે ગઈ છે.

