નિફ્ટી, સેન્સેક્સ, બૅન્ક નિફ્ટીએ પણ ગોથાં ખાધાં
પ્રતીકાત્મક તસવીર
મેક્રોટેક ડેવલપર્સ (લોઢા)માં નવ ટકાનું ગાબડું : નામમાં મિડકૅપ-સ્મૉલકૅપ શબ્દો આવતા હોય એવા ઇન્ડેક્સ તો ડાઉન થયા જ અને સાથે-સાથે મલ્ટિકૅપને પણ નીચે ખેંચ્યા : અનેક ફ્રન્ટલાઇનર શૅરો બાવન વીકની નવી નીચી સપાટીએ : નબળો રૂપિયો અને સ્ટ્રૉન્ગ ક્રૂડના બમણા મારે બજારમાં વસવસો
સોમવારે મકરસંક્રાન્તિ, પોંગલ, લોહડીના તહેવારોનો મૂડ બગાડતું હોય એમ બજારે મિડ અને સ્મૉલકૅપમાં ખાનાખરાબી સર્જી હતી. સાથે-સાથે મુખ્ય ઇન્ડેક્સ પણ ગોથાં ખાતાં-ખાતાં દોઢેક ટકો ઘટીને બંધ રહ્યા હતા. એનએસઈનો રિયલ્ટી ઇન્ડેક્સ પત્તાંના મહેલની જેમ સાડાછ ટકા તૂટી 901, ડિફેન્સ ઇન્ડેક્સ પોતાનું જ રક્ષણ ન કરી શકતો હોય એમ 6 ટકાની પીછેહઠે 5889 અને પ્રવાસી-પર્યટકો-ઇન્વેસ્ટરોનો ખોફ વરસ્યો હોય એમ ટૂરિઝમ ઇન્ડેક્સ પણ 5 ટકાની સાઉથવર્ડ જર્નીએ 8305 થઈ ગયો હતો. જેમનાં નામમાં મિડ અને સ્મૉલ શબ્દો આવતા હોય એવા ઇન્ડેક્સ પણ સારા એવા કપાયા હતા. 500 મોમેન્ટમ 50 ઇન્ડેક્સ 4.58 ટકા તૂટી 51,357, મિડકૅપ 150 મોમેન્ટમ 50 4.51 ટકાના ગાબડાએ 57,954, માઇક્રોકૅપ 250 4.34 ટકા ડાઉન થઈ 22,942, જેના પર વાયદાના સોદા પણ થાય છે અને જેને નિફ્ટી પછી મહત્ત્વનો ઇન્ડેક્સ ગણવામાં આવે છે એ નિફ્ટી નેક્સ્ટ 50એ 4.32 ટકા ઘટી ભલભલાના ફુગ્ગામાંથી હવા કાઢી નાખી હતી. નિફ્ટી મીડિયા ઇન્ડેક્સ પણ સાડાચાર ટકા તૂટી 1664ના સ્તરે આવી ગયો હતો. જેમનાં નામમાં મિડકૅપ શબ્દ આવતો હોય એવા સાત ઇન્ડેક્સો સાડાત્રણથી સાડાચાર ટકા તૂટ્યા હતા. એ જ રીતે મિડ-સ્મૉલ નામમાં આવે એવા છ ઇન્ડેક્સ 2.88 ટકાથી 4.28 ટકાનો ઘસરકો અનુભવ્યો હતો. એ જ રીતે નામમાં સ્મૉલકૅપવાળા પાંચ ઇન્ડેક્સ 3.66 ટકાથી 4.17 ટકાના પ્રમાણમાં નીચે આવી ગયા હતા. સૂકા ભેગું લીલું પણ બળે એ ન્યાયે સ્મૉલ-મિડકૅપ અને લાર્જકૅપનું સંયોજન ધરાવતા મલ્ટિકૅપ નામવાળા ચાર ઇન્ડેક્સ પણ 2.96 ટકાથી 3.80 ટકાની રેન્જમાં ડાઉન હતા.
ADVERTISEMENT
આ ખાનાખરાબીમાં બાવન સપ્તાહનો નવો લો ભાવ બનાવનારા ઇન્ડેક્સમાં એનર્જી 32,490 અને મીડિયા 1653ના લોના સ્તરે પહોંચ્યા હતા. 52 વીક લોથી 5 ટકાની દૂરી પર આવી ગયેલા ઇન્ડેક્સમાં કૉમોડિટીઝ, હાઉસિંગ અને પીએસયુ બૅન્કનાં નામ હતાં.
ફોલ-ફોલનાં કારણો અને સંભવિત અસરો
આ ફોલને હવા આપનાર આ પાંચ કારણો મહત્ત્વનાં હતાં (1) વિદેશી સંસ્થાઓની સતત અને તીવ્ર વેચવાલી જેના કારણે લાર્જકૅપમાં જતું નુકસાન સરભર કરવા મિડકૅપ-સમૉલકૅપ વેચવા પડે એવી સ્થિતિ, (2) ક્રૂડ વધીને 15 સપ્તાહની ટોચે પહોંચતાં ક્રૂડ આયાતો પર નિર્ભર ભારતીય અર્થતંત્ર પર વિપરિત અસર થવાની ગણતરી, (3) અમેરિકન અર્થતંત્રના ડેટા અને ત્યાં રેટ-કટના પ્રમાણ અને સંખ્યા ઘટવાનો અંદાજ, (4) રૂપિયો જાન્યુઆરી વાયદામાં 86.7975ના લાઇફ ટાઇમ લો લેવલે અને (5) યુએસ, યુરોપ અને એશિયન બજારોમાં પણ મંદીતરફી ઝોક જેવાં વૈશ્વિક પરિબળની અસર.
2013ની કરન્સી ક્રાઇસિસ વખતે રૂપિયો સતત સાડાચાર મહિના, એ પછી 2018ની ઇમર્જિંગ માર્કેટ ક્રાઇસિસ વખતે 6-7 મહિના, કોવિડના પગલે 2020માં 2-3 મહિના અને 2022ની ગ્લોબલ માર્કેટ વૉલેટિલિટી વખતે 4-5 મહિના ઘટ્યો હતો, એ હિસ્ટરી યાદ કરી સાવચેત રહેવા જેવું ખરું! તો ભારતીય બજારોમાં શું થઈ શકે એનો અંદાજ જોઈએ તો (1) રૂપિયો ઘટે, ક્રૂડ વધે તો ફુગાવો વકરે, (2) વૈશ્વિક સ્તરે વ્યાજ કપાત અટકે અને વ્યાજદરો વધે તો ઘરઆંગણે પણ ઊંચા રહેલા વ્યાજદરો વધુ વધે જે બોરોઇંગ કોસ્ટ વધારે, (3) વૈશ્વિક બજારોમાં ચંચળતા વધે તો આપણાં બજારો પણ ઘટે, (4) ઘસાતો રૂપિયો ભારતની નિકાસોને વધુ સ્પર્ધાત્મક બનાવે અને એનો લાભ આઇટી અને ફાર્મા ક્ષેત્રને મળે. જોકે ઇમ્પોર્ટ પર આધાર રાખતા ઉદ્યોગો પર વિપરિત અસર થાય એમાં મુખ્યત્વે ઍરલાઇન્સ, ઑઇલ માર્કેટિંગ, ઑટોમોબાઇલ અને કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ સેક્ટર્સ આવે.
યુનિયન બૅન્ક, એલઆઇસી, IRCTC, ભેલ બાવ વીકના નવા લો ભાવે
વાયદામાં સોદા થાય છે એ તમામ ઇન્ડેક્સ ઘટાડા સાથે બંધ હતા. સૌથી વધુ નિફ્ટી નેક્સ્ટ 50 ઇન્ડેક્સ 4.32 ટકા ગબડી 61,481.55 થઈ ગયો હતો. એ પછીના ક્રમે 3.82 ટકાના ઘટાડે 11,813.50 બંધ સાથે મિડકૅપ સિલેક્ટ હતો. નિફ્ટી 1.47 ટકા ઘટી 23,085.95ના સ્તરે, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસ 1.45 ટકાના લોસે 22,400.45 અને બૅન્ક નિફ્ટી 1.42 ટકા ગુમાવી 48,041.25ના સ્તરે બંધ હતા. નિફ્ટી આઇટી ઇન્ડેક્સ પણ 1.37 ટકાના લોસે 43,999 બંધ રહ્યો હતો. નિફ્ટી નેક્સ્ટ 50ના તો પચાસેપચાસ શૅરો લુઝર્સની યાદીમાં હતા. એમાં પણ મુંબઈનો રિયલ્ટી શૅર લોઢા (મેક્રોટેક ડેવલપર્સ) તો 9.13 ટકાના ફોલે 1166ની સપાટીએ આવી ગયો હતો. ઇન્ફો એજ (નૌકરી) પોણાઆઠ ટકાના ગાબડાએ 7230 રૂપિયા બંધ હતો. અદાણી ટોટલ ગૅસ પોણાસાત ટકા તૂટી 635 રૂપિયા થઈ ગયો હતો. આઇઓસી અને ઝોમાટો બન્ને સવાછ ટકા ઘટી અનુક્રમે 122 રૂપિયા અને 128 રૂપિયા બંધ રહ્યા હતા. આ ઇન્ડેક્સનો યુનિયન બૅન્ક 100.81 રૂપિયાના, એલઆઇસી 807.50 રૂપિયાના, બૅન્ક ઑફ બરોડા 216.35 રૂપિયાના, આઇઆરસીટીસી 743. રૂપિયાના, કૅનેરા બૅન્ક 87.79 રૂપિયાના, ભેલ 191.66 રૂપિયાના, આઇઓસી 121.16 રૂપિયાના નવા લો ભાવ બનાવી ચૂક્યા હતા. નિફ્ટીનો અદાણી એન્ટરપ્રાઇજીઝ 6.21 ટકા તૂટી 2227 રૂપિયા અને ટ્રેન્ટ 5.40 ટકા ઘટી 6228 રૂપિયા થઈ ગયા હતા. નિફ્ટીનો કોલ ઇન્ડીયા 361.25 રૂપિયાની, હીરો મોટોકૉર્પ 3997.50 રૂપિયાની, એશિયન પેઇન્ટ્સ 2246.40 રૂપિયાની અને તાતા સ્ટીલ 122.62 રૂપિયાની નવી બાવન સપ્તાહની નીચી સપાટીએ આવી ગયા હતા. નિફ્ટી મિડકૅપ સિલેક્ટનો કોફોર્જ સાત ટકાના ગાબડે 8744 રૂપિયા, એચપીસીએલ સાડાછ ટકા તૂટી 363 રૂપિયા, ગોદરેજ પ્રૉપર્ટી છ ટકાના લોસે 2244 રૂપિયા અને ઇન્ડિયન હોટેલ 5.93 ટકા ઘટી 758 રૂપિયા થઈ ગયા હતા. આ ઇન્ડેક્સના આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક 59.05 રૂપિયા, કન્ટેનર કૉર્પોરેશન 725 રૂપિયાની અને એમઆરએફ 1,12,700 રૂપિયાના ન્યુ ફિફ્ટી ટૂ વીક લો પર આવી ગયા હતા. આઇડીએફસી ફર્સ્ટ બૅન્ક 59.05 રૂપિયાની અને એલઆઇસી હાઉસિંગ ફાઇનૅન્સ 531 રૂપિયાની બાવન સપ્તાહની નવી નીચી સપાટીએ આવી ગયા હતા.
ઇન્વેસ્ટરોના ૧૨ લાખ કરોડ રૂપિયાનું ધોવાણ થઈ ગયું
નિફ્ટીના 50માંથી 45, નિફ્ટી નેક્સ્ટ ફિફ્ટીના 50માંથી 50, મિડકૅપ સિલેક્ટના 25માંથી 23, નિફ્ટી ફાઇનૅન્શ્યલ સર્વિસિસના 20માંથી 19 અને બૅન્ક નિફ્ટીના 12માંથી 10 શૅરો ઘટીને બંધ રહ્યા હતા. 1.36 ટકા ગુમાવી 76,330.01 બંધ આપનાર સેન્સેક્સના 30માંથી 26 શૅરો અને 1.23 ટકા ઘટી 54,618.86 બંધ આપનાર બૅન્કેક્સના 10માંથી 8 શૅરો ડાઉન હતા. એનએસઈ લિસ્ટેડ શૅરોનું માર્કેટ કૅપિટલાઇઝેશન ઘટીને 414.24 (426.78) લાખ કરોડ રૂપિયાના સ્તરે તો બીએસઈ લિસ્ટેડ શૅરોનું 417.06 (429.67) લાખ કરોડ રૂપિયા હતું. એનએસઈના 2935 ટ્રેડેડ શૅરોમાંથી 2525 તથા બીએસઈના 4248 ટ્રેડેડ શૅરોમાંથી 3621 ઘટીને બંધ આવતાં માર્કેટ બ્રેડ્થ ઘણી નબળી પડી ગઈ હતી. એનએસઈ ખાતે 22 અને બીએસઈમાં 120 શૅરો બાવન સપ્તાહની નવી ટોચે હતા તો સામે અનુક્રમે 432 અને 508 શૅરો 52 વીક લો પર હતા. એનએસઈના 36 શૅરો ઉપલી સર્કિટે અને 348 શૅરો નીચલી સર્કિટે પહોંચ્યા હતા.
FIIની નેટ વેચવાલી સામે DIIની બમણી નેટ લેવાલી
શુક્રવારે FIIની 4892 કરોડ રૂપિયાની નેટ વેચવાલી રહી હતી. DIIની 8066 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી. પરિણામે કૅશ સેગમેન્ટમાં ઓવરઑલ 3174 કરોડ રૂપિયાની નેટ લેવાલી જોવા મળી હતી

