ડૉલર ઇન્ડેક્સ વધીને પચીસ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોના અને ચાદીમાં વેચવાલી જોવા મળી
કૉમોડિટી કરન્ટ
પ્રતીકાત્મક તસવીર
અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૫ના રેટ-કટનું પ્રોજેક્શન ચારથી ઘટાડીને બે કરતાં ડૉલર ઇન્ડેક્સ ઊછળીને બે વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોના-ચાંદીમાં વ્યાપક વેચવાલી જોવા મળતાં બન્ને પ્રેસિયસ મેટલના ભાવ વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા હતા. સોનું ઘટીને ૨૫૮૦.૭૦ ડૉલર અને ચાંદી ઘટીને ૨૯.૧ ડૉલરે પહોંચ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૬૪૫ રૂપિયા અને ચાંદીનો ભાવ પ્રતિ કિલો ૨૦૨૫ રૂપિયા ઘટ્યો હતો.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ADVERTISEMENT
ફેડરલ રિઝર્વની બે દિવસની મીટિંગમાં અપેક્ષાકૃત પચીસ બેસિસ પૉઇન્ટનો રેટ-કટ જાહેર થયો હતો પણ ગયા સપ્ટેમ્બરમાં યોજાયેલી મીટિંગમાં ૨૦૨૫માં ચાર વખત રેટ-કટ લાવવાનું જે પ્રોજેક્શન મુકાયું હતું જે ઘટાડીને બે વખત રેટ-કટ લાવવાનું પ્રોજેક્શન મુકાયું હતું. રેટ-કટનું પ્રોજેક્શન ઘટતાં ડૉલર ઇન્ડેક્સ વધીને પચીસ મહિનાની ઊંચાઈએ ૧૦૮.૧૨ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ગુરુવારે સાંજે પ્રૉફિટ બુકિંગને કારણે ઘટીને ૧૦૭.૯૨ પૉઇન્ટે પહોંચ્યો હતો. જોકે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને સાત મહિનાની ઊંચાઈએ ૪.૫૩ ટકાએ પહોંચ્યા હતા.
અમેરિકાની કરન્ટ અકાઉન્ટ ડેફિસિટ ૨૦૨૪ના થર્ડ ક્વૉર્ટરમાં રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૩૧૦.૯ અબજ ડૉલરે પહોંચી હતી જે અગાઉના ક્વૉર્ટરને અંતે ૨૭૫ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૨૮૪ અબજ ડૉલરની હતી. અમેરિકાના હાઉસિંગ સ્ટાર્ટ નંબર્સ ૧૮ ટકા ઘટીને ૧૨.૮૯ લાખે પહોંચ્યા હતા જે સતત ત્રીજે મહિને ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકામાં બિલ્ડિંગ પરમિટ નવેમ્બરમાં ૬.૧ ટકા વધીને ૨૧ મહિનાની ઊંચી સપાટીએ ૧૫.૦૫ લાખે પહોંચી હતી જે અગાઉના મહિનામાં ૦.૪ ટકા ઘટી હતી. અમેરિકાના ૩૦ વર્ષના ફિક્સ્ડ મૉર્ગેજ રેટ ૮ બેસિસ પૉઇન્ટ વધીને ૬.૭૫ પૉઇન્ટે પહોંચ્યા હતા જે હજી પણ છેલ્લાં ૭ સપ્તાહની નીચી સપાટીએ છે.
બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ ૪.૭૫ ટકાએ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. અગાઉની બે મીટિંગમાં ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યા બાદ વધુ પચીસ બેસિસ પૉઇન્ટનો ઘટાડો થવાની ધારણા હતી પણ ઇન્ફ્લેશન વધી રહ્યું હોવાથી બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડે ઇન્ટરેસ્ટ-રેટ જાળવી રાખ્યો હતો. વળી બ્રિટનનો ગ્રોથ-રેટ ઑક્ટોબરમાં સતત બીજે મહિને ૦.૧ ટકા ઘટતાં સેન્ટ્રલ બૅન્કને સાવચેતીભર્યું પગલું ભરવાની ફરજ પડી હતી. ૨૦૨૫માં બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ બે વખત રેટ-કટ લાવશે એવી ઍનલિસ્ટોની ધારણા છે જેમાં પહેલો રેટ-કટ ફેબ્રુઆરીમાં આવવાની ધારણા છે.
બૅન્ક ઑફ જપાને પણ પૉલિસી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો. મીટિંગ બાદ બૅન્ક ઑફ જપાનના ચૅરમૅન કાજુઓ ઉડાએ જણાવ્યું હતું કે ઇન્ટરનૅશનલ લેવલે અનિશ્ચિતતા વધી રહી હોવાથી બૅન્કે ઇન્ટરેસ્ટ-રેટ જાળવી રાખ્યો હતો. ઍનલિસ્ટોને મતે બૅન્ક ઑફ જપાન હવે જાન્યુઆરીમાં યોજાનારી મીટિંગમાં ઇન્ટરેસ્ટ-રેટમાં વધારો કરશે.
શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
અમેરિકાના પ્રેસિડન્ટ પદે ડોનલ્ડ ટ્રમ્પ જીત્યા બાદ અનેક પ્રકારના અણધાર્યા ફેરફારો થઈ રહ્યા છે. ડોનલ્ડ ટ્રમ્પે અગાઉની ટર્મ દરમ્યાન સતત નીચા ઇન્ટરેસ્ટ-રેટની ભલામણ કરી હતી અને ઇન્ટરેસ્ટ-રેટ નીચા રાખવા માટે એ વખતના ફેડ પ્રેસિડન્ટ સાથે મતભેદ પણ થયા હતા પણ ટ્રમ્પની જીત બાદ ફેડે ૨૦૨૫માં ચારને બદલે બે રેટ-કટ લાવવાનું પ્રોજેક્શન મૂક્યું હતું. ટ્રમ્પની કન્ટ્રોવર્શિયલ પૉલિસીનાં હજી અનેક ઉદાહરણો મળતાં રહેશે જેની અસરે સોના-ચાંદીમાં સળંગ તેજી કે સળંગ મંદી જોવા નહીં મળે પણ નાની-મોટી વધ-ઘટનો સિલસિલો કાયમી જોવા મળશે.
ભાવ તાલ
સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૭૬,૦૧૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૭૫,૭૦૯
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૮૭,૦૩૫
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)