26 August, 2023 07:00 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
ડબ્લ્યુડબ્લ્યુઈના સ્ટાર રેસલર વ્યૉટ
વર્લ્ડ રેસલિંગ એન્ટરટેઇનમેન્ટ (ડબ્લ્યુડબ્લ્યુઈ)ના ત્રણ વાર વર્લ્ડ ચૅમ્પિયન બની ચૂકેલા ૩૬ વર્ષના અમેરિકન કુસ્તીબાજ બ્રે વ્યૉટનું અવસાન થયું છે. તેને હૃદયની બીમારી ઘણા મહિનાથી હતી અને કોવિડકાળ દરમ્યાન એ બીમારી ગંભીર થઈ ગઈ હતી. ગઈ કાલે કેટલાક અહેવાલમાં તેના નિધન માટે હાર્ટ-અટૅકનું કારણ અપાયું હતું. તેના અકાળે અવસાનથી ડબ્લ્યુડબ્લ્યુઈના ફાઇટર્સમાં અને અનેક કુસ્તીચાહકોમાં આઘાતની લાગણી પ્રસરી ગઈ હતી. વિન્ડહૅમ રૉટોન્ડા તેનું ખરું નામ હતું. તેનાથી પ્રથમ પત્ની સામન્થાને બે બાળકો હતાં અને ગર્લફ્રેન્ડ જૉસેન ઑફરમનને પણ બે બાળકો છે. વ્યૉટની ચીજોની હરાજી થશે અને એનાથી જે ડૉલર ઊપજશે એ જૉસેન અને તેમનાં બાળકોને આપી દેવામાં આવશે.
વ્યૉટ ખૂબ વિનમ્ર સ્વભાવનો હતો. તે ભારતના ભૂતપૂર્વ વર્લ્ડ ચૅમ્પિયન ડબ્લ્યુડબ્લ્યુઈ રેસલર ધ ગ્રેટ ખલી સાથે લડી ચૂક્યો હતો. વ્યૉટના દાદા અને બે કાકા પણ રેસલર હતા.