23 January, 2023 01:06 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent
દિલ્હીના જંતર મંતરમાં ગુરુવારે વિરોધ-પ્રદર્શન પર બેસેલા પહેલવાનોની ફાઇલ તસવીર.
રેસલિંગ ફેડરેશન ઑફ ઇન્ડિયાની અયોધ્યામાં ગઈ કાલે થનારી ઍન્યુઅલ જનરલ મીટિંગ (એજીએમ)ને રદ કરવામાં આવી છે. એજીએમ ગઈ કાલે સવારે ૧૦ વાગ્યે અયોધ્યામાં શરૂ થવાની હતી. ફેડરેશન અને એના હોદ્દેદારો પર થયેલા વિવિધ આક્ષેપોને પગલે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ આ આદેશ આપ્યો હતો. સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ રેસલિંગ ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓને તરત બંધ કરવાનો આદેશ આપ્યો હતો, જેમાં ઉત્તર પ્રદેશના ગોન્ડમાં થનારી રૅન્કિંગ ટુર્નામેન્ટ પણ રદ કરવામાં આવી હતી. ફેડરેશનના અધ્યક્ષ બ્રિજભૂષણ શરણ પર ઘણી મહિલા પહેલવાનો દ્વારા જાતીય સતામણીના આક્ષેપો કરવામાં આવ્યા હતા. એટલું જ નહીં, દેશના ટોચના પહેલવાનો જેવા કે વિનેશ ફોગાટ, બજરંગ પુનિયા, સાક્ષી મલિક અને રવિ દહિયાએ તેમના પર કોઈ સરમુખત્યાર જેવું વર્તન કરતા હોવાનો આક્ષેપ કર્યો હતો. શનિવારે મિનિસ્ટ્રીએ ફેડરેશનના અસિસ્ટન્ટ સેક્રેટરી વિનોદ તોમરને પણ ફેડરેશનના અધ્યશ સામે થયેલા જાતીય સતામણી અને ભ્રષ્ટાચારના આક્ષેપોને કારણે સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. ફેડરેશનનું કામ સરખી રીતે ચાલે એ માટે વિનોદ તોમરને હટાવવામાં આવ્યો હોવાનું જણાવાયું હતું. શનિવારે સ્પોર્ટ્સ મિનિસ્ટ્રીએ જણાવ્યું હતું કે ખેલાડીઓ દ્વારા ફેડરેશનના હોદ્દેદારો પર કરવામાં આવેલા આક્ષેપોની તપાસ કરવા એક સમિતિની રચના કરવામાં આવી છે. સમિતિની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી ફેડરેશનની તમામ પ્રવૃત્તિઓને અટકાવવામાં આવશે.