05 April, 2023 11:31 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ચેસનાં મહોરાંથી બનાવાઈ કાર્લસનની ઇમેજ
રશિયન ચેસ ખેલાડી વ્લાદિસ્લાવ આર્ટેમીવે નૉર્વેના વર્લ્ડ ચૅમ્પિયન અને વર્લ્ડ નંબર-વન મૅગ્નસ કાર્લસનને ચેસેબલ માસ્ટર્સ નામની ચેસ સ્પર્ધાની શરૂઆતમાં જ ચેસજગતને આંચકો આપ્યો હતો. કાર્લસન ૨૦૧૩માં વિશ્વનાથનને હરાવીને પહેલી વાર વિશ્વવિજેતા બન્યો હતો અને ત્યારથી તે જ આ સિંહાસન પર બિરાજમાન છે. જોકે વર્લ્ડ ચૅમ્પિયન તરીકે તે છેલ્લી સ્પર્ધા રમી રહ્યો છે. તેણે ટાઇટલ ડિફેન્ડ કરવાનું માંડી વાળ્યું છે જેને કારણે વિશ્વને નવો વિશ્વવિજેતા બનશે. એપ્રિલ-મે દરમ્યાન રશિયાના ઇયાન નેપૉમ્નીઆચ્ચી અને ચીનના ડિન્ગ લિરેન વચ્ચે નવો વર્લ્ડ ટાઇટલ માટે મુકાબલો થશે.
આગામી મે મહિનામાં વિશ્વને ચેસનો નવો વિશ્વવિજેતા મળી શકે.
વર્તમાન ચેસેબલ માસ્ટર્સમાં અમેરિકાનો હિકારુ નાકામુરા આ સ્પર્ધાની પ્રથમ ગેમ હાર્યા બાદ હવે બીજી ગેમમાં કમબૅક કરવાની તૈયારી કરી રહેલા કાર્લસનનો મુખ્ય હરીફ છે. સોમવારે કાર્લસનના પરાજય ઉપરાંત બીજા કેટલાક અપસેટ પણ થયા હતા.
ભારતના પ્રજ્ઞાનાનંદે વિયેટનામના તુઆન મિન્હ લીને ૩-૦થી હરાવ્યો હતો, જ્યારે રશિયન ચેસ લેજન્ડ વ્લાદિમીર ક્રૅમ્નિકે ચીનના યાન્ગ્યી યુને ૨.૫-૧.૫થી હરાવી દીધો હતો. બે ભારતીયો વચ્ચેના મુકાબલામાં અર્જુન એરીગૈસીએ રૌનક સધવાનીને ૨.૫-૧.૫થી હરાવ્યો હતો. જોકે ભારતનો ત્રીજો હરીફ ડી. ગુકેશ સ્પેનના ડેવિડ ઍન્ટનને ૨-૧થી હરાવ્યો હતો.