આશા છે કે તું થોડા જ દિવસમાં મારો રેકૉર્ડ બ્રેક કરી નાખીશ : સચિન

06 November, 2023 01:45 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

કોહલી વિશે સેહવાગે કહ્યું કે ‘રગોં મેં ૧૦૦, દિલ મેં ભારત’

સચિન તેન્ડુલકર અને વિરાટ કોહલી

વિરાટ કોહલીને ૪૯મી ઓડીઆઇ સેન્ચુરી બદલ ગઈ કાલે અનેક હસ્તીઓ અને ચાહકોનાં અભિનંદન મળ્યાં હતાં, પરંતુ સ્વાભાવિક છે કે તેણે જેના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી કરી એના કૉન્ગ્રેચ્યુલેશન્સ અતિ ઉત્તમ જ રહેવાનાં. સચિન તેન્ડુલકરે ૧૯૮૯થી ૨૦૧૨ સુધીની વન-ડે કારકિર્દી દરમ્યાન ૪૯ સેન્ચુરી ફટકારી હતી અને કોહલીએ ગઈ કાલે તેના એ વિશ્વવિક્રમની બરાબરી કરી.

તેન્ડુલકરે આ વર્ષની ૨૪ એપ્રિલે જીવનનાં ૫૦ વર્ષ પૂરાં કર્યાં હતાં. એનો આડકતરો ઉલ્લેખ કરીને તેન્ડુલકરે કોહલીને અભિનંદન તથા શુભેચ્છા પાઠવતાં ટ‍્વીટમાં લખ્યું હતું કે ‘વેલ પ્લેઇડ વિરાટ. મને આ વર્ષની શરૂઆતમાં ૪૯ પરથી ૫૦ ઉપર જતાં ૩૬૫ દિવસ લાગ્યા હતા. મને આશા છે કે તું થોડા જ દિવસમાં ૪૯ પરથી ૫૦ ઉપર જઈશ અને મારો રેકૉર્ડ તોડી નાખીશ. કૉન્ગ્રેચ્યુલેશન્સ.’

સચિને શનિવારે (કોહલીએ ૪૯ સદીના વિક્રમની બરાબરી કરી એના આગલા દિવસે) કહ્યું હતું કે ‘૪૯ ઓડીઆઇ સેન્ચુરી એ કંઈ મારો રેકૉર્ડ નથી. એ તો ભારતનો રેકૉર્ડ છે. આ વિક્રમ જ્યાં સુધી ભારત પાસે રહેશે ત્યાં સુધી હું ખુશ રહીશ.’

કોહલી વિશે સેહવાગે કહ્યું કે ‘રગોં મેં ૧૦૦, દિલ મેં ભારત’

વીરેન્દર સેહવાગ : વૉટ અ ડે. ગ્રેટ મૅનની સૌથી વધુ ઓડીઆઇ સેન્ચુરીના વર્લ્ડ રેકૉર્ડની બરાબરી પોતાના બર્થ-ડેએ જ કરી અને એ પણ ઐતિહાસિક ઈડન ગાર્ડન્સમાં. વૉટ અ પર્ફોર્મન્સ! કૉન્ગ્રેચ્યુલેશન્સ. રગોં મેં ૧૦૦, દિલ મેં ભારત.

ઇરફાન પઠાણ (૨૦૧૧ના વર્લ્ડ કપની યાદગાર જીતનો ઉલ્લેખ કરતાં) : ૨૦૧૧ મેં સચિન પાજી કો કંધે પે ઉઠાને સે કંધે સે કંધા મિલાકે ચલને વાલા શાનદાર સફર વિરાટ કોહલી કા. મૅની કૉન્ગ્રેચ્યુલેશન્સ ટુ ચેઝ માસ્ટર.

સુરેશ રૈના : મને બરાબર યાદ છે, હું પહેલી વાર કોહલીને મળેલો ત્યારે તે મને કહેતો કે ‘પાજી, આજ ૧૦૦ બનાના હૈ.’ વેલ ડન વિરાટ. તારી શાનદાર કરીઅર એટલી બધી સુંદર અને સહજ રહી છે કે વાહ, વાહ કહી દેવાનું મન થાય છે.

માઇકલ વૉન : વિરાટ છે ૩૫ વર્ષનો, પણ મને તો તે હજી ૨૫ વર્ષનો જ લાગે છે. મેદાન પર તે કૅપ્ટન નથી છતાં તે જે ઊર્જા સાથે દોડતો હોય છે એના પરથી તમે અચૂક કહી શકો કો ટીમને જબરદસ્ત વેગ આપનારો ખેલાડી છે. થોડા વર્ષમાં તે કરીઅર પૂરી કરશે ત્યારે તેણે ક્રિકેટમાં પોતાની જે છાપ છોડી હશે એ અસાધારણ હશે. તે મોટા ભાગના વિક્રમો તોડી રહ્યો છે. ફિટનેસ અને ફીલ્ડિંગમાં તે જે ઊર્જા બતાવે છે એનાથી જ ભારતીય ક્રિકેટ પુરજોશમાં આગળ વધી રહી છે. આ બધું તે જે કરી રહ્યો છે એ એમએસ ધોની, સચિન, કપિલ, ઝહીર, ગાવસકરે તેમના સમયમાં જે કર્યું હતું એનાથી વધુ લાગી રહ્યું છે. મેં જેમનાં નામ લખ્યાં એ બધાં લેજન્ડ છે, પરંતુ વિરાટે પ્રોફેશનાલિઝમના આ જમાનામાં અને હરહંમેશ ફૉકસ્ડ રહેવું એ તો મને વિરાટની ઊર્જામાં જ જોવા મળ્યું છે.

શાહિદ આફ્રિદી : ટીમ ઇન્ડિયાના ફૅન્સને અને સમગ્ર ક્રિકેટ સમુદાયને વિરાટ કોહલી તરફથી આ બેસ્ટ બર્થ-ડે ગિફ્ટ છે. હૅપી બર્થ-ડે.

world cup sachin tendulkar virat kohli indian cricket team sports sports news cricket news