20 February, 2024 04:19 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ભારતીય મહિલા ટીમનાં કોચ જેન્નેકે સ્કોપમૅને
ભૂતપૂર્વ ઑલિમ્પિક સુવર્ણ ચંદ્રક વિજેતા અને વર્તમાન ભારતીય મહિલા ટીમનાં કોચ જેન્નેકે સ્કોપમૅને હૉકી ઇન્ડિયા સામે પોતાનો રોષ ઠાલવ્યો છે. ભારતીય હૉકી ટીમની પહેલી મહિલા કોચે જણાવ્યું કે મારે અઢી વર્ષના કાર્યકાળમાં દરરોજ પડકારનો સામનો કરવો પડ્યો હતો. નેધરલૅન્ડ્સની જેન્નેકે સ્કોપમૅને એફઆઇએચ પ્રો લીગ મૅચમાં ભારતીય મહિલા ટીમની અમેરિકા સામે જીત મેળવ્યા બાદ પોતાના નિવેદનમાં જણાવ્યું કે ‘હૉકી ઇન્ડિયાના અધિકારીઓ સાથે વ્યવહાર કરવો ખૂબ મુશ્કેલ છે. ભારત મહિલાઓ માટે અઘરો દેશ છે. છેલ્લાં બે વર્ષમાં મેં ખૂબ એકલતા અનુભવી છે. હૉકી ઇન્ડિયાએ મને કોઈ મૂલ્ય અને સન્માન આપ્યું નથી. મહિલા ટીમ પ્રત્યે અલગ વર્તન થઈ રહ્યું છે અને ભારતીય પુરુષ ટીમ પર સૌથી વધારે ધ્યાન આપવામાં આવી રહ્યું છે. સ્કોપમૅન જાન્યુઆરી ૨૦૨૦માં તત્કાલીન મુખ્ય કોચ સોજોર્ડ મારીનના સ્ટાફમાં અસિસ્ટન્ટ કોચ તરીકે ભારત આવી હતી.