18 December, 2022 04:02 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ફાઇનલ પહેલાં દોહાના સ્ટેડિયમમાં પ્રૅક્ટિસ કરી રહેલા ફ્રાન્સના ખેલાડીઓ.
દોહામાં રમાનારી ફુટબૉલની ફાઇનલ પહેલાં ફ્રાન્સની ટીમને આર્જેન્ટિના કરતાં વાઇરસની વધારે ચિંતા છે. વળી વાઇરસને કારણે તેમની તૈયારી પર પણ અસર થઈ છે. આ વાઇરસને કારણે તાવ, પેટમાં દુખાવો તથા માથાના દુખાવા જેવી સમસ્યા ઊભી થઈ છે. ફ્રાન્સના કોચે આજની મૅચ પહેલાં આયોજિત પ્રેસ-કૉન્ફરન્સમાં કહ્યું કે ‘અમે શક્ય એટલી સાવચેતી જાળવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ. ડૉક્ટરો સાથે મળીને શક્ય એટલી સંભાળ લેવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.’
વાઇરસને કારણે ડિફેન્સના બે ખેલાડીઓ બીમાર પડતાં તેઓ પ્રૅક્ટિસમાં જોડાયા નહોતા, તો બીજા બે ખેલાડીઓ આ વાઇરસની અસરને કારણે મૉરોક્કો સામેની સેમી ફાઇનલમાં રમ્યા નહોતા. ગઈ કાલે પણ ખેલાડીઓની તબિયત વિશે કોઈ માહિતી આપવામાં આવી નહોતી અને જણાવ્યું હતું કે તમામ ખેલાડીઓ સૂતા હોવાને કારણે આ વિગતો આપવામાં આવી નથી. વાઇરસને લીધે ખેલાડીઓમાં તાવ, પેટમાં દુખાવો અને માથાના દુખાવા જેવાં લક્ષણ હતાં. વધુ ખેલાડીઓ એનો ભોગ ન બને એ માટે અમુક ખેલાડીઓને હોટેલની અલગ રૂમમાં રાખવામાં આવ્યા છે.