વૈશાલી અને વિદિત ગુજરાતી સ્વિસ ચેસમાં ચૅમ્પિયન

07 November, 2023 10:45 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

પ્રજ્ઞાનાનંદની મોટી બહેન બ્રિટનની ટુર્નામેન્ટ જીતનાર પ્રથમ ભારતીય ઃ તે અને વિદિત હવે એપ્રિલની કૅન્ડિડેટ‍્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે

વૈશાલી અને વિદિત ગુજરાતી

ચેન્નઈનો ૧૮ વર્ષનો આર. પ્રજ્ઞાનાનંદ તાજેતરમાં ચેસના વર્લ્ડ કપમાં રનર-અપ બન્યો હતો તો તેની બાવીસ વર્ષની મોટી બહેન રવિવારે ઇંગ્લૅન્ડના આઇસલ ઑફ મૅનમાં ફિડે ગ્રૅન્ડ સ્વિસ ટુર્નામેન્ટ જીતી હતી. વિમેન્સમાં તેણે તરખાટ મચાવ્યો હતો, જ્યારે નાશિકનો વિદિત ગુજરાતી નામનો ખેલાડી મેન્સમાં (ઓપન કૅટેગરીમાં) ચૅમ્પિયન બન્યો હતો. વૈશાલી અને વિદિત બન્ને પ્લેયર હવે આગામી એપ્રિલમાં કૅનેડામાં પ્રતિષ્ઠિત કૅન્ડિડેટ‍્સ ટુર્નામેન્ટમાં ભાગ લઈ શકશે અને પોતપોતાના વર્ગના વર્તમાન વર્લ્ડ ચૅમ્પિયનને પડકારી શકશે.

વૈશાલી ૧૨મી ક્રમાંકિત તરીકે બ્રિટનની ટુર્નામેન્ટમાં આવી હતી અને રવિવારે ૧૧મા અને આખરી રાઉન્ડમાં તેણે મૉન્ગોલિયાની બૅટખુયાગ મન્ગુટુલ સામેની ગેમ ડ્રૉ કરાવતાં તેણે (વૈશાલીએ) સૌથી વધુ ૮.૫ પૉઇન્ટ સાથે ટુર્નામેન્ટ જીતી લીધી હતી. વિદિત સંતોષ ગુજરાતીએ સર્બિયાના ઍલેક્ઝાન્ડર પ્રેડકેને હરાવીને સૌથી વધુ ૮.૫ પૉઇન્ટ સાથે ચૅમ્પિયનપદ પોતાના નામે કરી લીધું હતું. આ ટુર્નામેન્ટમાં વર્લ્ડ નંબર-ટૂ ફૅબિયાનો કૅરુઆના તેમ જ પ્રજ્ઞાનાનંદ ઉપરાંત અર્જુન એરીગૈસી, અનિશ ગિરિ, હિકારુ નાકામુરા, ડી. ગુકેશ તેમ જ પી. હરિક્રિષ્ના સહિતના નામાંકિત ખેલાડીઓ રમ્યા હતા અને એ બધાની વચ્ચે વિદિતે વિજેતાપદ મેળવ્યું હતું. વિમેન્સમાં કોનેરુ હમ્પી, દિવ્યા દેશમુખ, તાનિયા સચદેવ વગેરે પ્લેયર્સે ભાગ લીધો હતો.

chess sports sports news