અમેરિકામાં ખેલાડીઓ અંધારામાં બેઝબૉલ રમીને ચમકી રહ્યા છે

01 July, 2024 03:52 PM IST  |  Washington | Gujarati Mid-day Correspondent

આખા સ્ટેડિયમમાં અંધારપટ છવાઈ જાય છે અને ખેલાડીઓ UV-રીઍક્ટિવ યુનિફૉર્મ, બૉલ અને બૅટ લઈને મેદાનમાં ઊતરે છે.

કૉસ્મિક બેઝબૉલ

બેઝબૉલ અમેરિકાની સૌથી લોકપ્રિય ગેમ છે. સામાન્ય રીતે આ ગેમ પૂરતા પ્રકાશમાં જ રમી શકાય, પણ વર્જિનિયા રાજ્યમાં ખેલાડીઓ ઘોર અંધારામાં બેઝબૉલ રમે છે. એક સધર્ન કૉલેજિયેટ બેઝબૉલ ટીમે ‘કૉસ્મિક બેઝબૉલ’ ગેમનો ચીલો ચાતર્યો છે જે ફક્ત રાતે રમાય છે અને એ પણ લાઇટ બંધ કરીને. આ ગેમનો માહોલ જુદો જ હોય છે. આખા સ્ટેડિયમમાં અંધારપટ છવાઈ જાય છે અને ખેલાડીઓ UV-રીઍક્ટિવ યુનિફૉર્મ, બૉલ અને બૅટ લઈને મેદાનમાં ઊતરે છે. એટલે કે જોનારાઓને માત્ર ચમકતા ખેલાડીઓ, બૉલ અને બૅટ જ દેખાય અને કોઈ વિડિયો ગેમ જોતા હોઈએ એવું લાગે.

ટ્રાઇ-સિટી ચિલી પેપર્સ બેઝબૉલ ટીમ પહેલી એવી ટીમ છે જેણે બ્લૅક લાઇટમાં સત્તાવાર રીતે કૉસ્મિક બેઝબૉલનું આયોજન કર્યું હતું. ટીમના ઓનર ક્રિસ માર્ટિનને કૉસ્મિક બેઝબૉલનો વિચાર વર્ષ પહેલાં આવ્યો હતો જ્યારે કોઈકે મેદાનમાં ગ્લો સ્ટિક ફેંકી હતી. ત્યાર બાદ એક લાઇટિંગ કંપનીની મદદથી તેમણે અઢાર ૫૦૦ વૉટ બ્લૅકલાઇટ ઇન્સ્ટૉલેશન કર્યું અને UV-રીઍક્ટિવ યુનિફૉર્મ અને સાધનો પણ વિકસાવ્યાં. કૉસ્મિક બેઝબૉલ પાછળ લગભગ ૧ લાખ ડૉલરનો ખર્ચ થયો છે અને એ થોડા સમયમાં જ લોકપ્રિય ગેમ બની ગઈ છે. ઘણાને કૉસ્મિક બેઝબૉલનો કન્સેપ્ટ બહુ મુશ્કેલ લાગતો હશે, પણ ખેલાડીઓનું કહેવું છે કે પ્રૅક્ટિસ બાદ UV લાઇટમાં રમવું સરળ છે અને તમારું લક્ષ્ય ફક્ત બૉલ હોય છે.

united states of america sports sports news life masala