19 October, 2023 04:21 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
દુતી ચંદ (જમણે) અને તેની લાઈફ પાર્ટનર મોનાલિસા (ડાબે)
સુપ્રીમ કોર્ટે મંગળવારે સજાતીય લગ્નને કાનૂની માન્યતા નકારી એને પગલે ભારતની ટોચની મહિલા રનર દુતી ચંદે નારાજગી વ્યક્ત કરી છે. તેણે કહ્યું કે સર્વોચ્ચ અદાલતના ફેંસલાથી તેનો લગ્નનો પ્લાન ખોરવાઈ ગયો છે.
દુતી ચંદ ૨૭ વર્ષની છે. તે ૨૦૧૮ની એશિયન ગેમ્સમાં બે સિલ્વર મેડલ જીતી હતી અને એ બદલ ઓડિશાની સરકારે તેને ત્રણ કરોડ રૂપિયાનું ઇનામ આપ્યું હતું. તે એશિયન ચૅમ્પિયનશિપ્સમાં ચાર બ્રૉન્ઝ મેડલ તેમ જ એશિયન જુનિયર ઍથ્લેટિક્સમાં બે ગોલ્ડ મેડલ પણ જીતી ચૂકી છે. ૨૦૧૯માં પ્યુમા કંપનીએ દુતી ચંદ સાથે બે વર્ષનો એન્ડોર્સમેન્ટ કૉન્ટ્રૅક્ટ કર્યો હતો.
દુતી ચંદે ૨૦૧૯માં પહેલી વાર જાહેર કર્યું હતું કે હું સજાતીય સેક્સમાં માનું છું અને મોનાલિસા મારી પાર્ટનર છે અને તેની સાથે હું લગ્ન કરવાની છું. આ જાહેરાત બાદ તેના ગામવાસીઓએ તેની સામે વિરોધ વ્યક્ત કર્યો હતો અને તે ગામ (ચાકા ગોપાલપુર)નું નામ તે બગાડી રહી હોવાનો આક્ષેપ કર્યો હતો. જોકે ત્યારે તેને તેની મોટી બહેને ઘરમાંથી કાઢી મૂકવાની ધમકી પણ આપી હતી. દુતી ચંદે કહ્યું છે કે ૅહું અને મોનાલિસા લગ્ન કરીશું અમે જ્યારે અમારે ત્યાં બાળક અવતરશે ત્યારે હું પપ્પા તરીકેની ફરજ બજાવીશ અને મોનાલિસા મમ્મી તરીકેની ફરજ બજાવશે.’
આઇ.એ.એન.એસ.ના અહેવાલ મુજબ દુતી ચંદે કહ્યું છે કે ‘હું મારી પાર્ટનર મોનાલિસા સાથે મૅરેજ કરવા માગું છું, પરંતુ સુપ્રીમ કોર્ટના ચુકાદાથી અમારો પ્લાન ખોરવાઈ ગયો. હું પાંચ વર્ષથી તેની સાથે રહું છું અને અમે બન્ને હૅપી છીએ. અમને વિશ્વાસ છે કે હવે સંસદ સેમ-સેક્સ મૅરેજને મંજૂરી આપશે.’