મેસી, ઍમ્બપ્પે, નેમારની ત્રિપુટી પરાજય ટાળી ન શકી

16 February, 2023 02:44 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચૅમ્પિયન્સ લીગમાં પીએસજીની બાયર્ન મ્યુનિક સામે ૦-૧થી હાર

મંગળવારે મેસી (ડાબે) પીએસજીના સતત ત્રીજા પરાજયને કારણે બેહદ નિરાશ હતો. તેની જ ટીમના બે સ્ટાર ખેલાડીઓ નેમાર અને ઍમ્બપ્પે (જમણે) પણ પરાજયથી ટીમને બચાવી નહોતા શક્યા. તસવીર એ.પી./એ.એફ.પી.

કતાર વર્લ્ડ કપના સુપરસ્ટાર લિયોનેલ મેસી અને બ્રાઝિલના સ્ટાર નેમાર તેમ જ વિશ્વકપના ‘ગોલ્ડન બૂટ’ અવૉર્ડ વિજેતા કીલિયાન ઍમ્બપ્પેની હાજરી છતાં પૅરિસ સેન્ટ-જર્મેઇન (પીએસજી) ટીમ મંગળવારે પૅરિસના હોમગ્રાઉન્ડમાં બાયર્ન મ્યુનિક સામેની ચૅમ્પિયન્સ લીગની મૅચમાં ૦-૧થી હારી ગઈ હતી. પ્રી-ક્વૉર્ટર ફાઇનલના પ્રથમ તબક્કાની આ મૅચનો એકમાત્ર ગોલ બાયર્નના કિંગ્સ્લી કૉમેને ૫૩મી મિનિટે કર્યો હતો.

પીએસજીના કોચ ક્રિસ્ટોફર ગૅલ્ટિયરેના આ વર્ષના કોચિંગમાં પીએસજીની ટીમની આ સતત ત્રીજી અને છેલ્લી ૧૧ મૅચમાં પાંચમી હાર છે. કૉમેન ૧૮ વર્ષનો હતો ત્યારે તેને પીએસજી ક્લબે યુવેન્ટ્સ ક્લબને વેચી દીધો હતો અને પછીથી કૉમેન બાયર્ન મ્યુનિક ક્લબ સાથે જોડાયો હતો. ઍમ્બપ્પે ઈજામાંથી ૧૦૦ ટકા મુક્ત થયા વિના પાછો રમવા આવી ગયો હતો. સેકન્ડ હાફમાં તેણે બે ગોલ કર્યા હતા, પરંતુ ઑફ-સાઇડને કારણે રેફરીએ એ બન્ને ગોલ મંજૂર નહોતા કર્યા.

sports news sports football uefa champions league lionel messi psg neymar