પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝનના ઑક્શન માટે ૫૦૦ પ્લસ ખેલાડીઓની બોલી લાગશે

07 August, 2024 11:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૨ ટીમોએ મળીને ૮૮ ખેલાડીઓને રીટેન કર્યા : ફ્રૅન્ચાઇઝી પાસે સ્ક્વૉડ તૈયાર કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું પર્સ રહેશે

પવન શેહરાવત, પ્રદીપ નરવાલ

૧૫ અને ૧૬ ઑગસ્ટે મુંબઈમાં યોજાનારા પ્રો-કબડ્ડી લીગની ૧૧મી સીઝનના ઑક્શન માટે ગઈ કાલે મહત્ત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી હતી. ટુર્નામેન્ટની ૧૨ ફ્રૅન્ચાઇઝીઓએ કુલ ૮૮ ખેલાડીઓને રીટેન કર્યા છે; જેમાં બાવીસ એલિટ પ્લેયર્સ, ૨૬ યંગ પ્લેયર્સ અને ન્યુ યંગ પ્લેયર્સ કૅટેગરીના ૪૦ ખેલાડીઓ છે. રીટેન ન કરાયેલા સ્ટાર ખેલાડીઓમાં પવન શેહરાવત, પ્રદીપ નરવાલ અને મનિન્દર સિંહનો સમાવેશ થાય છે, જેમના પર હવે ઑક્શનમાં બોલી લાગશે.

ઑક્શનમાં સ્થાનિક અને વિદેશી પ્લેયરોને ચાર કૅટેગરીમાં વહેંચવામાં આવ્યા છે. A કૅટેગરીમાં ખેલાડીઓની બેઝ-પ્રાઇસ ૩૦ લાખ, B કૅટેગરીમાં ૨૦ લાખ, C કૅટેગરીમાં ૧૩ લાખ તથા D કૅટેગરીમાં ૯ લાખ રૂપિયા રહેશે. ૧૧મી સીઝનના પ્લેયરોની હરાજીમાં ૫૦૦થી વધુ ખેલાડીઓ રહેશે, દરેક ફ્રૅન્ચાઇઝી પાસે સ્ક્વૉડ તૈયાર કરવા માટે પાંચ કરોડ રૂપિયાનું પર્સ રહેશે.

kabaddi news pro kabaddi league sports sports news