13 January, 2023 02:22 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
ઇગા સ્વૉનટેક
મહિલા ટેનિસની વર્લ્ડ નંબર-વન પોલૅન્ડની ઇગા સ્વૉનટેક રશિયાના આક્રમણને લીધે યુક્રેનમાં ઘર તથા રોજગાર ગુમાવી ચૂકેલા લોકોના લાભાર્થે પોતાની કેટલીક અંગત ચીજોની લિલામી કરશે. સ્વૉનટેક માટે ૨૦૨૨નું વર્ષ ઘણું સારું રહ્યું હતું, જેમાં તે ૬૭ મૅચ જીતી હતી અને ફક્ત ૯ મુકાબલા હારી હતી. તે ફ્રેન્ચ ઓપન તથા યુએસ ઓપનની ટ્રોફી સહિત કુલ આઠ ટાઇટલ જીતી હતી અને એ યાદગાર ગ્રૅન્ડ સ્લૅમ સ્પર્ધામાં પોતે પહેરેલાં સ્કર્ટ સહિતના કેટલાક ડ્રેસ તેમ જ રૅકેટ અને શૂઝનું ઑક્શન કરશે અને એમાંથી ઊપજનારી રકમ યુક્રેનના યુદ્ધગ્રસ્ત લોકોના લાભ માટે આપી દેશે.
આ પણ વાંચો : ખેલાડી કોવિડ-પૉઝિટિવ હોવા છતાં ઑસ્ટ્રેલિયન ઓપનમાં રમી શકશે
સ્વૉનટેકે ગઈ કાલે કહ્યું કે ‘મારી ગઈ સીઝન ઘણી સારી હતી અને હું એનું સ્પેશ્યલ સેલિબ્રેશન કરવા માગું છું. લોકોને હું યાદ અપાવવા માગું છું કે યુક્રેનમાં હજી પણ લોકોને મદદની જરૂર છે અને એટલે જ હું ચૅરિટી ઑક્શન કરવાની છું.’
ઑસ્ટ્રેલિયન ઓપનમાં સ્વૉનટેકની પ્રથમ હરીફ ૬૮મા નંબરે છે : નડાલ-જૉકોવિચ ફાઇનલમાં જ સામસામે આવી શકે
વિશ્વની નંબર-વન વિમેન્સ ટેનિસ પ્લેયર ઇગા સ્વૉનટેકને સોમવારે શરૂ થનારી ઑસ્ટ્રેલિયન ઓપનમાં સર્વોચ્ચ ક્રમ આપવામાં આવ્યો છે અને તે પ્રથમ રાઉન્ડમાં ૬૮મા નંબરની જર્મનીની યુલ નીમાયર સામે રમશે. ગયા વર્ષે સ્વૉનટેક આ સ્પર્ધામાં સેમી ફાઇનલમાં પહોંચ્યા બાદ હારી ગઈ હતી. પુરુષોમાં સૌથી વધુ બાવીસ ગ્રૅન્ડ સ્લૅમ ટાઇટલ જીતી ચૂકેલા રાફેલ નડાલને ટફ ડ્રૉ અપાયો છે. તેને સર્વોચ્ચ ક્રમ અપાયો છે અને તે ઓપનિંગ રાઉન્ડમાં બ્રિટનના જૅક ડ્રૅપર સામે રમશે. વર્લ્ડ નંબર-ટૂ નડાલે જીત્યા પછી મૅકેન્ઝી મૅક્ડોનાલ્ડ અથવા બ્રેન્ડન નાકાશિમાનો અને પછી ભૂતપૂર્વ નંબર-વન ડેનિલ મેડવેડેવ સામે રમવું પડશે. જો ડિફેન્ડિંગ ચૅમ્પિયન નડાલ ફાઇનલમાં પહોંચશે અને સામી બાજુએથી ૨૧ ગ્રૅન્ડ સ્લૅમ જીતી ચૂકેલો નોવાક જૉકોવિચ પણ તમામ રાઉન્ડની મૅચો જીતતો રહેશે તો ફાઇનલમાં નડાલ અને જૉકોવિચ સામસામે જોવા મળી શકશે. જૉકોવિચે એક પણ કોવિડ-વૅક્સિન નથી લીધી. જોકે હવે તો ઑસ્ટ્રેલિયન ઓપનમાં કોવિડ-પૉઝિટિવ ખેલાડી પણ રમી શકશે. નંબર-વન ખેલાડી કાર્લોસ અલ્કારાઝ ઈજાને કારણે આ ટુર્નામેન્ટમાં નથી રમવાનો.