28 August, 2021 02:13 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
સુશીલકુમાર અને બજરંગ પુનિયા
ઑલિમ્પિકમાં બૉન્ઝ મેડલ જીતનાર બજરંગ પુનિયાના મતે હાલમાં જેલમાં રહેલો સુશીલકુમાર દેશનો બેસ્ટ પહેલવાન છે, કારણ કે તેણે ૫૬ વર્ષ બાદ ૨૦૦૮ બીજિંગ ઑલિમ્પિક્સમાં મેડલ જીતીને દેશને ગૌરવ અપાવ્યું હતું. દિલ્હી મેટ્રો સિક્યૉરિટી યુનિટ ઑફ સીઆઇએસએફ દ્વારા આયોજિત સન્માન સમારોહને સંબોધતાં તેણે કહ્યું હતું કે ‘તાજેતરના ટોક્યો ઑલિમ્પિક્સમાં હું મારા શ્રેષ્ઠ ફૉર્મમાં નહોતો, કારણ કે તૈયારી દરમ્યાન હું ઈજાગ્રસ્ત થયો હતો. ૨૦૨૪ના ઑલિમ્પિક્સમાં શ્રેષ્ઠ પ્રદર્શન આપવાનો પ્રયાસ કરીશ. જીવનમાં તમે આકરી મહેનત કરો તો કશુંય અશક્ય નથી.’
સુશીલની દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભૂતપૂર્વ જુનિયર નૅશનલ રેસલિંગ ચૅમ્પિયનની કથિત હત્યા સંદર્ભે દિલ્હીમાં પોલીસે ધરપકડ કરી છે. વૈશ્વિક સ્પર્ધાઓમાં ભારતના પ્રદર્શનને સુધારવા માટે શું કરવું જોઈએ એ વિશે બોલતાં બજરંગે કહ્યું કે પહેલાં તો વાલીઓએ પોતાનાં બાળકોને રમતમાં પ્રોત્સાહન આપવું જોઈએ. તેઓ જ તેના પહેલા ગુરુ અને કોચ છે. તેમની મદદ વગર કશું શક્ય નથી.