૨૦૦ મીટરની સ્પર્ધામાં બીજા ક્રમાંકની ફાસ્ટર બની જમૈકાની શેરિકા જૅક્સન

27 August, 2023 05:33 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

૧૯૮૮ના સોલ ઑ​લિ​મ્પિક્સમાં બનેલા રેકૉર્ડથી માત્ર .૦૭ સેકન્ડ જ પાછળ રહી

શેરિકા જૅક્સન

જમૈકાની શેરિકા જૅક્સન છેલ્લાં ૩૫ વર્ષથી અકબંધ એવા રેકૉર્ડને તોડવાની નજીક પહોંચી છે. શુક્રવારે રાતે હંગેરીના પાટનગર બુડાપેસ્ટમાં ચાલી રહેલી વર્લ્ડ ચૅમ્પિયનશિપનું ૨૦૦ મીટરનું અંતર તેણે ૨૧.૪૧ સેકન્ડમાં કાપીને સતત બીજી વખત આ ટાઇટલ જીત્યું હતું. તે સોલ ઑલિમ્પિક્સમાં ૧૯૮૮માં ફ્લૉરેન્સ ગ્રિફિથ-જોયનેરે બનાવેલા વર્લ્ડ રેકૉર્ડ કરતાં માત્ર .૦૭ સેકન્ડ જ પાછળ રહી ગઈ હતી. આમ તેનો વિશ્વમાં આ સ્પર્ધામાં બીજા ક્રમાંકનો વર્લ્ડ રેકૉર્ડ હતો.

બે વર્ષ પહેલાં કોઈ પણ મહિલા રનર ૨૧.૬ સેકન્ડ પણ પાર કરી શકતી નહોતી. એટલે જ્યારે શેરિકા જૅક્સનને પૂછવામાં આવ્યું કે તે નિરાશ થઈ છે? ત્યારે તેણે કહ્યું હતું કે ‘મે ૨૧.૪૧ સેકન્ડમાં દોડ પૂરી કરી છે અને હું નિરાશ શા માટે થાઉં? આ મારું વ્ય​ક્તિગત, પણ સૌથી શ્રેષ્ઠ પ્રદર્શન છે.’ ચાર દિવસ પહેલાં જ તે ૧૦૦ મીટરની સ્પર્ધામાં બીજા ક્રમાંકે આવી હતી. તેણે કહ્યું હતું કે ‘૨૦૦ મીટર મને ગમતી ઇવેન્ટ છે. ગયા વર્ષે મેં આ અંતર ૨૧.૪૫ સેકન્ડમાં કાપ્યું હતું.’ જમૈકાની અન્ય રનર એલેન થૉમ્પસન-હેરાહે પણ આ અંતર ૨૧.૬ સેકન્ડ કરતાં ઓછા સમયમાં કાપ્યું હતું. જૅક્સને આ સ્પર્ધામાં થૉમ્પસનને ૦.૪ સેકન્ડના અંતરથી હરાવી હતી. તેણે કહ્યું હતું કે લાઇન ક્રૉસ કરતી વખતે મેં સમય જોયો હતો, ત્યારે મને લાગ્યું કે તે ઘણી નજીક હતી.

hungary sports sports news